પાલિકામાં શનિવારે ધારાસભ્યોની સંકલન બેઠકમાં રસ્તા રિકાર્પેટ અને દબાણ મુદ્દે રજૂઆત કરાઇ હતી. બેઠકમાં હાજર 5 ધારાસભ્યોએ વિસ્તારના પેન્ડિંગ કામો ઉપર પણ પાલિકા અધિકારીઓ પાસે પરિણામ માંગ્યા હતાં. ધારાસભ્ય કુમાર કાનાણીએ લોકોના ઘર-દુકાન તોડી પહોળા કરેલા રોડ પર કાયમી દબાણને ઝડપથી દૂર કરવાની સાથે વરાછા નવદૂર્ગા સોસાયટી સ્થિત નાના વરાછાના ટીપી રોડ પર તબેલાઓના દબાણના લીધે નજીકની 9 સોસાયટીઓ તે રોડનો ઉપયોગ કરી શકતા ન હોવાની રજૂઆત કરી હતી.
સંકલન બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણી, અરવિંદ રાણા, પ્રવિણ ઘોઘારી, વી.ડી. ઝાલાવડીયા અને વિવેક પટેલે હાજર રહી વિવિધ પ્રશ્નો રજૂ કર્યાં હતાં. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે, સરદાર સ્મૃતિ મીની બજારથી સરસ્વતી સર્કલ સુધીના રોડ પર એક પણ ખાડા ન હતાં. તેમ છતાં ચોમાસા પહેલાં આ માર્ગને રિકાર્પેટ કરાયું હતું. પહેલા તબક્કાના વરસાદમાં જ રોડ ધોવાઇ ગયો છે. જે રોડ બનાવવા અમારી રજૂઆતો છે તે રોડ બનતાં નથી અને એવું કહેવાય છે કે પૈસા નથી.
કુમાર કાનાણીએે પાલિકા અધિકારીઓને ખોટા ખર્ચા બંધ કરવા રજૂઆત કરી હતી. ધારાસભ્ય વિવેક પટેલે ભેસ્તાનમાં રીડિંગ એસી લાયબ્રેરી બનાવવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, માત્ર રીડિંગ રૂમ કરતાં મેલ-ફિમેલની અલગ-અલગ એસી રીડિંગ લાયબ્રેરી બનાવવી જોઇએ સાથે જ ગ્રાઉન્ડ અથવા બેઝમેન્ટમાં એસી હેલ્થ ક્લબ બનાવવા પણ માંગ કરી હતી.
સીમાડા-વાલકમાં ઝડપથી ટીપી બનાવવા માંગણી
MLA વીડી ઝાલાવડીયાએ કામરેજ ચાર રસ્તા સુધીના BRTS સર્વિસ રોડ પર દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી. સાથે જ સીમાડા, વાલક અને વરાછાના જે વિસ્તારોમાં જ્યાં ટીપી ન હોય ત્યાં ઝડપથી તે ટીપી બનાવી સરકારમાં રજૂ કરવા માંગ કરી હતી. MLA ઝાલાવડીયાએ તાપીના તમામ બ્રિજ પર રેલિંગ ફિટ કરી આપઘાતના કિસ્સા નિવારવા રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.