દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ આવવા માટે સુરત મહાનગરપાલિકા તમામ મોરચા ઉપર કામે લાગી છે. વિશેષ કરીને જાહેર સ્થળ ઉપર પણ કચરો નાખવામાં ન આવે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ સોસાયટી વિસ્તારમાં જઈને તપાસ કરતા દંડની કાર્યવાહી પણ કરી રહી છે.
જાહેરમાં કચરો ફેકનાર અને દંડ ફટકારાયા
સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં જાહેર રસ્તા ઉપર કચરો ફેંકવાના મુદ્દાને લઈને અનેક વીડિયો પણ સામે આવી રહ્યા હતા.જેમાં એક સોસાયટીના વ્યક્તિ બીજી સોસાયટીના ગેટ પાસે કે સોસાયટીની નજીકના જાહેર રસ્તા ઉપર પ્લાસ્ટિકની કોથળીઓમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવી રહ્યા છે. કેટલાક વીડિયો પણ વાઈરલ થયા હતા. જેમાં મહિલાઓ રોડ ઉપર કચરાઓ નાખતી જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે અલગ અલગ સોસાયટીઓ પાસે તપાસ કરીને જાહેરમાં કચરો ફેકનારાઓ સામે કાર્યવાહી કરી હતી.
સ્થાનિક લોકો અને કર્મચારીઓ વચ્ચે રકઝક
શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર કચરો ફેકનારાઓ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ વચ્ચે રકઝક પણ થતી રહે છે. મનપા દ્વારા વારંવાર રહીશોને તમામ પ્રકારની માહિતી આપીને અપીલ પણ કરવામાં આવે છે કે, કચરો કચરાપેટીમાં જ નાખો અથવા તો જે ગાર્બેજ કલેક્શનની ગાડીઓ આવે છે એમાં જ ભીનું અને સૂકું કચરો નાખવા માટે કહેવામાં આવ્યું છે. છતાં પણ લોકો જાહેર રસ્તાઓ ઉપર જ કચરો ફેંકીને ગંદકી ફેલાવતા જોવા મળી રહ્યા છે. આ બાબતે જાહેરમાં કચરો ફેંકતા ઝડપાયા બાદ પણ લોકો કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા હોય છે.
જાહેર રસ્તા ઉપર કચરો ફેંકી ગંદકી ફેલાવો યોગ્ય : ડેપ્યુટી કમિશનર
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડૉ.આશિષ નાયકે જણાવ્યું કે, સુરત શહેરમાં સ્વચ્છતા અને લઈને આરોગ્ય વિભાગ ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યો છે. મહાનગરપાલિકાની આખે આખી ટીમ કચરો કલેક્શન કરવાથી લઈને શહેરમાં જ્યાં પણ ગંદકી દેખાય તેને દૂર કરવા માટે પ્રયાસો હાથ ધરી રહી છે. પરંતુ કેટલાક લોકો પોતાની આળસરા કારણે ગાર્બેજ કલેક્શનની ગાડી આવે છે. ત્યારે કચરો નાખવાનું ટાળી દેતા હોય છે. અથવા તો કચરાપેટીમાં પણ નાખતા નથી. જેને કારણે જાહેર રસ્તા ઉપર ગંદકી સર્જાતી હોય છે. આવી સ્થિતિમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કચરો ફેંકતા જે લોકો ઝડપાઈ રહ્યા છે. તેમની સામે દંડ આપવામાં આવી રહ્યો છે. સુરતની પ્રજાને નમ્ર વિનંતી છે કે, શહેરને સ્વચ્છ બનાવવા માટે સહકાર આપે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.