સુરતની સારોલી પોલીસે સીમાડા ચેક પોસ્ટ પાસેથી 15.375 કિલોગ્રામ ગાંજા સાથે જે ત્રણ ઉડિયા યુવાનને ઝડપી પાડ્યા હતા. તે તેમના હમવતની મિત્રના કહેવાથી ગાંજો લઈ સુરત આવ્યા હતા. તે મિત્રને ડિંડોલી પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે ચારેય મિત્રો હૈદરાબાદમાં કામના પૈસા નહીં આપતા વતન પરત થયા બાદ પૈસા મળે તે માટે સુરત ગાંજો લઈ આવ્યા હતા.
ગાંજો મંગાવનાર બે વોન્ટેડ હતા
સારોલી પોલીસે બાતમીના આધારે સીમાડા ચેક પોસ્ટ ચાર રસ્તા પાસેથી ટ્રાવેલ બેગ લઇ પગપાળા જઇ રહેલા મનોજ ભાસ્કર બારીક ( ઉ.વ.22 ), ચંદનકુમાર ત્રીનાથ લેન્કા ( ઉ.વ. 25 ) અને કાન્હુ સિબાપ્રસાદ બેહરા ( ઉ.વ.21 ) ( ત્રણેય રહે.સાહસપુર, જી.ખુરદા, ઓડીશા ) ને ઝડપી પાડી તેમની ટ્રાવેલ બેગમાંથી રૂ.1.53 લાખના 15.375 કિલો ગાંજા સાથે ઝડપી લીધા હતા.ગાંજો મોકલનાર વતનના સંતોષ અને ગાંજો મંગાવનાર મિત્ર લીપન નારાયણ નાયકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આર્થિકરીતે ફસાયેલાને શિકાર બનાવતા
મળેલી બાતમીના આધારે પોલીસે ડિંડોલી સી.આર.પાટીલ બ્રિજ નીચેથી સંદીપ ઉર્ફે લીપન નારાયણ નાયક ( ઉ.વ.21 ) ને ઝડપી લીધો હતો. તે અને સારોલી પોલીસે ઝડપેલા ગામના તેના ત્રણ મિત્રોને જાન્યુઆરી માસમાં હૈદરાબાદ ખાતે હિમાશ્રી નામની નવી બનતી કંપનીમાં લેબર તરીકે 24 દિવસ કામ કર્યા બાદ કોન્ટ્રાકટરે પૈસા આપ્યા નહોતા. આથી મિત્રો વતન પરત ફર્યા હતા. તે સમયે સંદીપ ઉર્ફે લીપનના મિત્ર સંતોષ ઉર્ફે શાંતનુને પૈસાની સમસ્યા અંગે કહેતા તેણે ચારેયને કામ સોંપ્યું હતું.
ગાંજો લઈ આવેલા પકડાઈ જતા આરોપી ભાગી ગયો
સંતોષ તેમજ સંદીપ ઉર્ફે લીપન પણ તેમની સાથે ટ્રેનમાં સુરત આવ્યા હતા.પણ પોલીસની ભીંસ હોવાથી આગળ ઉતરીને બસમાં સુરત આવવા નીકળ્યા હતા. ચેક પોસ્ટ પર પોલીસ હોવાથી તે પહેલા જ ઉતરીને ત્રણેય મિત્રો પગપાળા જઈ રહ્યા હતા ત્યારે પકડાઈ ગયા હતા. સંતોષ સંદીપને રેલવે સ્ટેશન પાસે ઉભો રાખીને ગયો હતો. મોડે સુધી ત્રણેય ગાંજો લઈ નહીં પહોંચતા સંદીપે સંતોષને ફોન કર્યો ત્યારે તેને ત્રણેય મિત્રો પકડાયાની જાણ થઈ હતી. બાદમાં તે ચાલતો ચાલતો પાંડેસરાથી રેલવે પટરી ક્રોસ કરી ડિંડોલી વિસ્તારમાં પહોંચ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.