નિર્ણય:કોર્પોરેટરો-ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી સોસાયટીઓમાં RCC રોડ બનાવાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારના 2016ના પરિપત્રમાં સ્ટેન્ડિંગ કમિટીએ સુધારો કરી નવો ઠરાવ કર્યો
  • સોસાયટીઓ પાસેથી લેવાતી ડિપોઝિટની રકમમાં પણ રાહત આપવા વિચારણા

શહેરીજનો તેમની સોસાયટીના રસ્તાઓને સિમેન્ટ કોંક્રીટ સીસીના બનાવી શકશે, આ માટે શાસકોએ લોકફાળાની ભરવા પાત્ર રકમ સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરોની ગ્રાંટમાંથી ભરવાનો સ્થાયી સમિતિમાં નિર્ણય કરવામાં આવ્યો છે. જુની સોસાયટીઓ ડામર રસ્તાના રી-કાર્પેટની જગ્યાએ માત્ર 500 રૂપિયા ફી ભરી સરકારની જન ભાગીદારી યોજના હેઠળ સુવિધા મેળવી શકશે. આ સાથે સોસાયટીઓ પાસે લેવાતી 5હજાર ડિપોઝિટની રકમમાં પણ રાહત આપવા વિચારણા છે.

સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, ‘2016ના ઠરાવમાં આંશિક સુધારો કરી ડામર રસ્તાને સ્થાને સીસીરોડ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય રહેણાંક, રાજ્ય સરકારની વસાહતો ગામ તળ સહિતના તમામ માટે ભરવાના થતાં અનુક્રમે 20 ટકા, 10 ટકા અને 10 ટકા એમ 40 ટકા લોકફાળાની રકમ સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરોની ગ્રાંટ માંથી નિયમાનુસાર ફાળાની રકમમાંથી મેળવવામાં આવશે.

સીસીરોડ વધારે ટકાઉ, લાંબાગાળે ફાયદાકારક
સ્થાયી ચેરમેન પરેશ પટેલે કહ્યું હતું કે, ‘ડામર રોડ હાલ બનાવાતાં નથી કેમ કે ક્રુડના ભાવ વધે છે. જેથી રસ્તાનું કોસ્ટીંગ વધે છે. તેને સ્થાને સીસીરોડ બનાવવાથી રસ્તાની આવરદા વધે છે. કોસ્ટિંગમાં લાંબા ગાળે ફાયદો થાય છે. તેથી ખાનગી સોસાયટીઓના આંતરિક રસ્તાઓ પર રી-કાર્પેટીંગ માટે મોકલવામાં આવેલા તમામ કામોમાં રી-કાર્પેટની જગ્યાએ સી.સી.રોડ બનાવવામાં આવશે. પાંચ વર્ષ બાદ રી-કાર્પેટીંગની જરૂરીયાત હોય તો સોસાયટીઓએ 500 રૂપિયા ફી ભરીને સીસી રોડની સુવિધા મેળવી શકશે.

ડિપોઝિટમાં રાહત આપવા વિચારણા ચાલે છે
નવી સોસાયટીઓએ રસ્તા બનાવવા માટે 5 હજાર ડિપોઝિટ પેટે ભરવાના હોય છે. આ પાંચ હજાર ભરવા અંગે પણ રાહત આપવા વિચારણા ચાલી રહી છે અને એમાં પણ કોઈ રસ્તો કાઢવામાં આવશે. > પરેશ પટેલ, સ્થાયી ચેરમેન

અન્ય સમાચારો પણ છે...