પરિસરમાં જ રથયાત્રા:સુરતમાં પોલીસની આડોડાઈથી ભગવાન જગન્નાથ નગરચર્યાએ ન નીકળ્યા, રથ મંદિર પરિસરમાં જ ફર્યા

સુરત3 મહિનો પહેલા
જહાંગીરપુરા ઈસ્કોન મંદિર ખાતે મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઈ.
  • મંદિર પરિસરમાં જગન્નાથ ભગવાનના ભક્તો દ્વારા રથ ખેંચવામાં આવ્યો
  • મંદિર પરિસરમાં જનાર શ્રદ્ધાળુઓ ઉપર પણ પોલીસનો જ કંટ્રોલ
  • રથયાત્રા રાતે 8:45 સુધી મંદિર પરિસરમાં ફેરવવાનું આયોજન કર્યું છે

સુરતમાં જહાંગીરપુરા ઈસ્કોન મંદિર ખાતે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. પોલીસની આડોડાઇના કારણે અકળાઈને તમામ આયોજકોએ મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હોવાથી તમામ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો રથ મંદિર પરિસરમાં ફેરવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈસ્કોન મંદિર ખાતે ભક્તોનો ધસારો જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં જગન્નાથ ભગવાનના ભક્તો દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. "હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે " ના નાદ સાથે ભાવિક ભક્તોએ ઉત્સાહભેર મંદિર પરિસરમાં પરત ખેંચવામાં જોડાયા હતા.

એકસાથે 200 લોકોને મંદિર પરિસરમાં જવાની મંજૂરી
શ્રદ્ધાળુઓને કંટ્રોલ કરવા માટે મંદિર બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં જનાર શ્રદ્ધાળુઓ ઉપર પણ પોલીસનો જ કંટ્રોલ રહેશે. ઇસ્કોનમાં એકસાથે 200ને પરિસરમાં જવાની મંજૂરી છે. એક સાથે 50 શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપી રથ ખેંચવા દેવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ દ્વારા લવાયેલા ચઢાવા મંદિર ટ્રસ્ટ તરફથી સ્વીકારવામાં આવી રહ્યા છે.

મંદિરમાં એકસાથે 200ને પરિસરમાં જવાની મંજૂરી છે.
મંદિરમાં એકસાથે 200ને પરિસરમાં જવાની મંજૂરી છે.

5 જગ્યાએથી નીકળતી રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે
સુરતમાં પોલીસની આડોડાઇથી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી શકશે નહીં. સુરતમાં ઇસ્કોન મંદિરની 17 કિમીની રથયાત્રાનો રૂટ ઘટાડી પોલીસે પહેલા 3 કિમી કર્યો હતો, પછી 700 મીટર કરી દેતા મહંતો અકળાયા અને રથયાત્રા નહીં કાઢી રથને ફક્ત 200 મીટરના મંદિર પરિસરમાં ફેરવવાનો નિર્ણય લીધો હતો. શહેરમાંથી પાંડેસરા, સચીન, અમરોલી, જહાંગીરપુરા અને મહિધરપુરા એમ કુલ 5 જગ્યાએથી રથયાત્રા નીકળે છે. જેથી તમામ મંદિરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઈસ્કોન મંદિરના લોકો રથયાત્રામાં જોડાયા.
ઈસ્કોન મંદિરના લોકો રથયાત્રામાં જોડાયા.

રથ રાતે 8:45 સુધી મંદિર પરિસરમાં ફેરવવામાં આવશે
ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાના દર્શન તમામ લોકો કરી શકે અને ભીડ વધુ ન થાય તેના માટે સમયાંતરે લોકોને અંદર પ્રવેશીને રથયાત્રા રાતે 8:45 સુધી મંદિર પરિસરમાં ફેરવવાનું આયોજન કર્યું છે. જેથી કરીને તમામ ભક્તો કે જે ઈસ્કોન મંદિર ખાતે પહોંચી રહ્યા છે તે તમામને દર્શનનો લાભ મળે. આવનાર તમામ ભક્તોને પ્રસાદી સ્વરૂપે 150 કિલો જેટલી લાપસી મંદિર દ્વારા બનાવવામાં આવી હતી.

મંદિર પરિસરમાં પોલીસ કાફલો ગોઠવાયો.
મંદિર પરિસરમાં પોલીસ કાફલો ગોઠવાયો.

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે સતત ટકોર
ઈસ્કોન મંદિરના મીડિયા પ્રવક્તા સરોજ પ્રભુએ જણાવ્યું કે મંદિર પરિસરમાં આવતા તમામ ભક્તોને અમે સતત ટકોર કરી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અચૂક પહેરવું. ભક્તોને રથ ખેંચવા માટે પણ મળે તેના માટે પણ અમે ખાસ ધ્યાન રાખ્યું છે પરંતુ એક સાથે મંદિરમાં અમે પ્રવેશ આપવાના નથી. સમય આંતરે 100થી 200 લોકોને મંદિર પરિસરમાં પ્રવેશવા દેવામાં આવશે. કોરોના સંક્રમણને કારણે વધુ પ્રસાદીની વ્યવસ્થા કરી નથી. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાય તેના માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રથને ભક્તો ખેંચી રહ્યા છે.
રથને ભક્તો ખેંચી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...