આયોજન મોકૂફ:સુરતના ઈસ્કોન મંદિરથી નીકળનારી રથયાત્રા રદ્દ કરાઈ, કડક ગાઈડલાઈનને લઈને સંચાલકોનો નિર્ણય

સુરત3 મહિનો પહેલા
ઈસ્કોન મંદિર દ્વારા જગન્નાથ ભગવાનની રથયાત્રા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
  • અગાઉ ત્રણ કિલોમીટરની મંજૂરી અપાયા બાદ એક કિલોમીટરનો રૂટ અપાયો હતો

અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ઠેર ઠેર નીકળતી હોય છે. જો કે, કોરોના સંક્રમણને લઈને ગત વર્ષે મોકૂફ રખાયેલી રથયાત્રાને આ વર્ષે ગાઈડલાઈન સાથે યોજવાની અનુમતી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે સુરતના ઈસ્કોન મંદિર દ્વારા દરવર્ષે યોજાતી પરંપરાગત રથયાત્રા કડક ગાઈડલાઈન અને નિયમો અનુસાર નક્કી થયેલા રૂટની જગ્યાએ ટૂંકા રૂટ પર યોજવા પરવાનગી આપવામાં આવતાં મંદિરના સંચાલકો દ્વારા યાત્રા રદ્દ કરવામાં આવી છે.

મંદિરના સંચાલકો દ્વારા ગાઈડ લાઈન સરકારે ફેરવતા યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.
મંદિરના સંચાલકો દ્વારા ગાઈડ લાઈન સરકારે ફેરવતા યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.

મંદિર દ્વારા યાત્રા રદ્દ કર્યાની જાહેરાત કરાઈ
ઈસ્કોન મંદિર વતી સતચિતકુમાર દાસે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અગાઉ નિયમો જાહેર કર્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં અમને અગાઉ જે નિયમાવલિ અપાઈ હતી તે પ્રમાણે અમે 200 લોકોનું લિસ્ટ મોકલી આપ્યું હતું. જેમાં રસી લેનારાની યાદી મોકલાઈ હતી. જો કે ગત રોજ પોલીસ અધિકારીઓ દ્વારા મંદિર પર આવીને અગાઉના આયોજનની જગ્યાએ નવું આયોજન તથા માત્ર સાત લોકો સાથે યાત્રા યોજવા પરવાનગી આપી હતી. જેથી અમે યાત્રા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

મંદિરમાં જ ભાવિકોને ભગવાનના દર્શન કરાવાશે
મંદિરમાં જ ભાવિકોને ભગવાનના દર્શન કરાવાશે

મંદિરમાં દર્શન કરાવાશે
ઈસ્કોન મંદિર દ્વારા જણાવાયું હતું કે, અગાઉ પાલનપુર પાટીયાથી જ્હાંગીરપુરા સુધીનો રૂટ નક્કી થયો હતો. જો કે ગતરોજ ગાંધીનગરથી આવેલી નવી ગાઈડલાઈન પ્રમાણે મોરાભાગળથી જ્હાંગીરપુરા સુધીનો રૂટ નક્કી કરાયો હતો. જેની સામે આરટીપીસીઆર ટેસ્ટ સાથે મર્યાદિત લોકોને પરવાનગી અપાતા યાત્રા રદ્દ કરાઈ છે.હવે 12મી જુલાઈના રોજ માત્ર મંદિરમાં જ દર્શન કરાવવામાં આવશે. જે ભાવિકો આવશે તેમને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પ્રમાણે દર્શન કરાવાશે.