ફરી એકવાર દાખલો બેસાડ્યો:સુરતમાં આરોપી વિરુદ્ધ 7 દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ, અશ્લિલ ક્લિપ જોઈ નશામાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરી હતી

સુરત2 મહિનો પહેલા
આરોપી અને મૃતક બાળકીની ફાઈલ તસવીર.
  • મેઈન સાક્ષીઓના નિવેદન, સીસીટીવી ફૂટેજ, મેડિકલમાં એફએસએલના રિપોર્ટના પુરાવા સાથે ચાર્જશીટ
  • ઘટનાના ચોથા દિવસે ઘરેથી માંડ 300 મીટરના અંતરે ઝાડીમાંથી ડિકમ્પોઝ્ડ લાશ મળી
  • દિવાળીની સાંજે ઘરઆંગણે રમતી બાળકીને મહોલ્લામાં જ રહેતો 35 વર્ષનો નરાધમ ઊંચકી ગયો હતો

ગત 4 નવેમ્બર દિવાળીની સાંજે સુરતના પાંડેસરામાં ઘર પાસેથી અપહરણ કરાયેલી અઢી વર્ષની બાળકીની લાશ ઘરથી 300 મીટરના અંતરે મળી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરાઈ હતી. પોલીસે આરોપીને 8 નવેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો. જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ છે. દરમિયાન પોલીસ દ્વારા આરોપી પકડાયાના 7 દિવસમાં જ 246 પાનાંની ચાર્જશીટ સેશન્સ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બનાવના થોડાક જ દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી ફરી એકવાર દાખલો બેસાડ્યો છે. સુરતમાં થોડા દિવસ પહેલાં 29 દિવસમાં દુષ્કર્મીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી હતી.

ઓળખ પરેડની કામગીરી સહિતનાનો ચાર્જશીટમાં સમાવેશ
પાંડસેરા પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે, બાળકીને શોધવા માટે 100થી વધુ પોલીસ જવાનોએ કામગીરી કરી હતી. આરોપીને ઝડપી પાડ્યા બાદ 7 જ દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. 246 પાનાંની ચાર્જશીટમાં મેઈન સાક્ષીઓના નિવેદન, સીસીટીવી ફૂટેજ, મેડિકલમાં એફએસએલનો રિપોર્ટ, ઓળખ પરેડની કામગીરી સહિતના પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઘર નજીકથી જ બાળકીની લાશ મળી આવી હતી.
ઘર નજીકથી જ બાળકીની લાશ મળી આવી હતી.

ઘટના શું હતી?
મૂળ બિહારનો પરિવાર સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત અઢી વર્ષની દીકરી મીનુ( નામ બદલ્યું છે) અને એક વર્ષની દીકરી છે. મીનુ દિવાળીની સાંજે ઘર બહાર રમતી હતી. ત્યારે ગુમ થઈ હતી. પરિવારે પડોશીઓની મદદથી મીનુને શોધી પરંતુ મળી ન હતી. પોલીસે બાળકીને શોધી પણ મળી ન હતી. ત્યારબાદ એસઓજી-ડીસીબી અને અન્ય પોલીસ સ્ટેશનના 150થી વધુ પોલીસ કર્મીઓએ બાળકીની શોધખોળ કરી પરંતુ બાળકી મળી ન હતી. બનાવના ચોથા દિવસે બાળકી જ્યાંથી ગુમ થઈ તેનાથી 300 મીટરના અંતરે આંબેડકર કમલા ચોક રોડ પર આર્મો મીલ પાછળ ઝાડીમાંથી લાશ મળી હતી. પોસ્ટમોર્ટમમાં ખબર પડી કે મીનુ પર બળાત્કાર થયો હતો. ત્યારબાદ ગળું દબાવી હત્યા કરાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપી બાળકીને લઈ જતા દેખાયો હતો. મીનુના પિતાએે આરોપીને ઓળખી લેતા પોલીસે ગુડ્ડુકુમાર મઘેશ યાદવ (35, રહે. ભગવતીનગર, ગોકુલધામ આવાસ સામે, વડોદ, પાંડેસરા. મૂળ. બિહાર)ને પકડી લીધો છે. તેની પાસેથી મળેલા ફોનમાં અશ્લિલ ક્લિપિંગ હતી. અશ્લિલ ક્લિપિંગ જોઈ દારૂના નશામાં બળાત્કાર ગુજાર્યો હતો.

ચાર દિવસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ચાર દિવસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

લાશ પાસેથી કપડાં મળી આવતાં ગુનો ઉકેલાયો
આરોપીએ મીનુનું અપહરણ કર્યાના માત્ર એક કલાકમાં જ તેની સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી. હત્યાના ચોથા દિવસે બાળકીની લાશ મળી હતી. બોડી આખી ડિકમ્પોઝ થઈ ગઈ હતી. પહેલી નજરે તેની ઓળખ પણ થઈ શકે એમ ન હતું. પરંતુ મીનુએ અપહરણ થયું ત્યારે જે કપડા પહેર્યા હતા તે કપડાં તેની લાશ પાસેથી મળ્યા હતા.

આરોપી બાળકીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો હતો.
આરોપી બાળકીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો હતો.

આરોપી વિરુદ્ધ વતનમાં પણ જમીન-મિલકત મુદ્દે ગુનો નોંધાયેલો છે
આરોપી ગુડ્ડુકુમાર પરિણીત છે. તેની પત્ની અને બે સંતાન વતનમાં રહે છે. વતનમાં તેના વિરૂધ્ધ જમીન-મિલકતનો ગુનો નોંધાયેલો છે. જેથી તે સુરતમાં 16 વર્ષથી રહે છે. ધો.6 સુધી ભણેલો ગુડ્ડુ ઓર્મો મીલમાં નોકરી કરે છે. મિત્રના ઘરેથી પોલીસે આરોપી ગુડ્ડુને ઝડપી પાડ્યો હતો.

ઝાડીમાંથી બાળકીની લાશ મળી આવી હતી.
ઝાડીમાંથી બાળકીની લાશ મળી આવી હતી.

આરોપીને અશ્લિલ ક્લિપ નાખી આપનારની ધરપકડ
પાંડેસરા પોલીસે નરાધમના મોબાઇલમાં અશ્લિલ ક્લિપ નાખી આપનાર દુકાનદારની ધરપકડ કરી હતી. દુકાનદાર પાસેથી 7 જેટલી અશ્લિલ ક્લિપ મળી આવી હતી. પાંડેસરા વડોદગામે આશીવાર્દનગરમાં જય અંબે મોબાઇલની દુકાન આવેલી છે. આ દુકાનમાંથી આરોપી ગુડુકુમાર છ મહિના પહેલા અશ્લિલ ક્લિપ માટે 300 રૂપિયામાં મેમરી કાર્ડ દુકાનદાર પાસેથી લીધો હતો. દુકાનદારનું નામ લક્કી ઉર્ફે સાગર વિજય શાહ છે અને તે પાંડેસરા હરીઓમનગરમાં રહે છે. પાંડેસરા પોલીસે તેની દુકાન પર રેડ કરી ત્યારે મેમરી કાર્ડમાંથી 7 જેટલી અશ્લિલ ક્લિપ મળી આવી હતી. દુકાનદાર અશ્લિલ ક્લિપનો મેમરી કાર્ડ 300 રૂપિયામાં વેચાણ કરતો હતો. અશ્લિલ ક્લિપ તે ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી મેમરી કાર્ડમાં નાખી વેચાણ કરી દેતો હતો. પોલીસે દુકાનદારની ધરપકડ કરી દુકાનમાંથી મેમરી કાર્ડ અને સીપીયુ કબજે કરી લીધું હતું.

એફએસએલ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું હતું.
એફએસએલ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું હતું.

3 દિવસ પહેલાં જ એક નરાધમને 29 દિવસમાં સજા
સુરત જિલ્લા સેશન્સ કોર્ટે જાહેર કરેલા એક ઐતિહાસિક ચૂકાદામાં 29 દિવસમાં દુષ્કર્મીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલવાસ ફટકારવામાં આવ્યો છે. આરોપીએ 12મી ઓક્ટોબરના રોજ જે બેરહેમીપૂર્વક ઘર આંગણેથી રમતી માસૂમ બાળકીને ઉપાડી લઈ જઈ બર્બરતા દાખવી તે રૂંવાડાં ખડા કરી દે તેવી છે. દુષ્કર્મી હનુમાન ઉર્ફે અજય મંગી નિશાદ ( કેવટ )એ બાળકી સાથે પાશવી રીતે દુષ્કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં, પરંતુ ત્યારબાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી.