સુરતની શૌર્યાની કહાણી:દુષ્કર્મનો દંશ, બે વર્ષમાં 11 ઓપરેશન, 200થી વધુ ટાંકા... હવે સ્કૂલે જવાનું શરૂ કર્યું

સુરત2 મહિનો પહેલાલેખક: સલીમ શેખ
  • કૉપી લિંક
  • 8 વર્ષની શૌર્યા (કાલ્પનિક નામ) ની કહાની... જેણે હાર ના માની

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઊખડી જાય તો કે’જે મને જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કે’જે મને - ખલીલ ધનતેજવી

આવી અનેક રચનાઓ પાંડેસરાની દુષ્કર્મ પીડિત બાળકીએ ચરિતાર્થ કરી છે. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે નરાધમ અનિલ યાદવની હેવાનિયતનો ભોગ બનેલી આજે આઠ વર્ષની થયેલી બાળકીના શરીરે બસોથી વધુ ટાંકા આવ્યાં હતાં અને 11 ઓપરેશન થયા હતા. આજે આ બાળકી ત્રીજા ધોરણમાં પ્રવેશ મેળવીને શાળાએ જવા લાગી છે. બાળપણમાં જ હેવાનિયત, અસહ્ય વેદના અને પીડા વેઠી જીવનના સૌથી કપરાં સમયનો સામનો કરી ચૂકેલી બાળકીએ હવે અંધકારથી ઉજાશ તરફની સફર શરૂ કરી છે. આ બાળકીના સપોર્ટમાં શરૂઆતથી જ અડિખમ ઊભેલાં પ્રતિભાબેન દેસાઇ કહે છે કે, બાળકીની હિમ્મત જ તેની ખરી તાકાત છે. ભલભલા થરથર કાંપે, ભાંગી પડે એવી અસહ્ય પીડાઓ સહન કરીને આ બાળકી અંદાજે બે વર્ષનાં સંઘર્ષ બાદ ફરી સ્કૂલે જવા લાગી છે.

હજી બે ઓપરેશન બાકી છે, સલામ છે બાળકીની હિમ્મતને
પ્રતિભા દેસાઇ કહે છે કે, બાળકીના 11 ઓપરેશન થયા છે હજી બે બાકી છે. જેમાં પ્લાસ્ટિક સર્જરીનો પણ સમાવેશ થાય છે. હેવાને તેના હોઠ કતરી ખાધા હતા. જેનું ઓપરેશન થવાનું છે. આ ઉપરાંત અન્ય એક ઓપરેશન છે તેના પેટ પર 200થી વધુ ટાંકા છે. અગાઉ તેણી યુરિનની થેલી લટકાવીને પહેલાં ધોરણમાં અભ્યાસ કરવા જતી હતી. પરંતુ બાદમાં તે ઘરે જ રહીં હતી. હવે તે એકદમ સ્વસ્થ છે અને ફરી સ્કૂલે જઈ રહીં છે.

હેવાનિયત એવી કે ડૉકટરો પણ કાંપી ગયા
વર્ષ 2018માં આરોપી અનિલ યાદવે માંડ સાડા ત્રણ વર્ષની થયેલી બાળકીનું અપહરણ કરીને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તેને જ્યારે હોસ્પિટલ લઇ જવાય ત્યારે ડોકટરો પણ ચોંકી ગયાં હતાં. તેના બંને પાર્ટસ એક થઈ ગયા હતા. નરાધમ અનિલ યાદવને તો બાદમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલોના આધારે કોર્ટે ફાંસીની સજા કરી હતી. જેને હાઇકોર્ટે પણ માન્ય રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...