ફરિયાદ:108ના કર્મીઓ દર્દીને પ્રાથમિક સારવાર ન આપતા હોવાની રાવ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્મીમેર નજીક છતાં ગંભીર દર્દી સિવિલ લવાતા હોવાની ફરિયાદ

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર આપવામાં આવતી ન હોવાની તેમજ સ્મીમેર નજીક હોવા છતાં ગંભીર હાલતના દર્દીને સિવિલ હોસ્પિટલ લવાતા હોવાની ફરિયાદ મેડીકલ ઓફિસરો દ્વારા સુપ્રિટેન્ડેન્ટને કરવામાં આવી છે.

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા ગંભીર દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ નજીક હોવા છતાં સિવિલ લાવવામાં આવે છે. 10 તારીખે સિવિલ હોસ્પિટલમાં મળેલી બેઠકમાં 108ના અધિકારી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે સ્મીમેર હોસ્પિટલ દ્વારા અજાણ્યા દર્દીઓને દાખલ કરાતા નથી માટે સિવિલ લઈને આવે છે. અજાણ્યા દર્દીના કિસ્સામાં સ્મીમેર અથવા સિવિલ જે નજીક હોય ત્યાં દર્દીને દાખલ કરવો એવો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.

જોકે આ બધા વચ્ચે જ અજાણ્યા દર્દીઓને 108 ના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ જ લઈ આવતા હોવાથી મેડીકલ ઓફિસરો દ્વારા આ બાબતે સુપ્રિટેન્ડેન્ટને ફરિયાદ કરવામાં આવી છે. એટલું જ નહીં 108 ના કર્મચારીઓ દ્વારા દર્દીને હોસ્પિટલ લાવતા રસ્તામાં પ્રાથમિક સારવાર પણ અપાતી ન હોવાની પણ મેડીકલ ઓફિસરો દ્વારા સિવિલના સુપ્રિટેન્ડન્ટને ફરિયાદ કરાઇ છે.

108ના પીએમઓ ફ્યાઝ પઠાણે જણાવ્યું કે માત્ર જે દર્દીની સાથે અટેન્ડન્ટ હોય અને તેમનો આગ્રહ સિવિલ લઇ જવાનો હોય તેવા જ દર્દીઓને સ્મીમેર નજીક હોવા છતાં સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...