ખાનગી સ્કૂલો બની તારણહાર:ધો.10ના રેન્કર ગરીબ વિદ્યાર્થીઓ માટે તારણહાર બની શહેરની ખાનગી સ્કૂલો, ફ્રીમાં આપ્યો પ્રવેશ

સુરત21 દિવસ પહેલાલેખક: મોઇન શેખ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુમન સ્કૂલમાં ભણેલા આ વિદ્યાર્થીઓ ઊંચી ફીને લઇ અભ્યાસ છોડવાની તૈયારીમાં હતા
  • ઊંચી ફીના કારણે હજુ પણ ઘણાં તેજસ્વી વિદ્યાર્થી પ્રવેશથી વંચિત
  • કેટલાક વિદ્યાર્થીના પિતા ચાની લારી ચલાવે છે, તો કેટલાક પરિવારને મદદરૂપ થવા કામ કરે છે

રાજ્યમાં ધોરણ-10ના પરિણામોમાં અગ્રેસર સુરત સેન્ટરના ખાનગી સ્કૂલોની તુલનાએ પાલિકાની સુમન શાળાના 46 વિદ્યાર્થીઓ પણ A1 ગ્રેડ સાથે બાજી મારી છે. ગરીબ તથા સામાન્ય પરિવારના આ રેન્કર વિદ્યાર્થીઓ સોફ્ટવેર એન્જિનિયર તેમજ મેડિકલ ફેકલ્ટીના સ્વપનો સાથે શહેરની નામાંકિત ખાનગી સ્કૂલોમાં ધોરણ-11માં પ્રવેશ માટે જતાં સ્કૂલના બોર્ડ પર લાગેલા ફી સ્લેબસ જોઇને જ ભાંગી પડ્યા હતાં.

જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ભણતર છોડવાનું નક્કી કર્યું હતું ત્યાં જ કેટલીક સ્કૂલોએ કેટલાક રેન્કર વિદ્યાર્થીઓને બંને વર્ષ ફી વસુલ્યા વિના પ્રવેશ આપવાની તૈયારી દર્શાવી છે. આ સ્થિતિ સુમન શાળાઓમાં સાયન્સ ફેકલ્ટી સાથે ધોરણ-11 અને 12ના વર્ગો ન હોવાથી ઊભી થઇ હોવાનું સામે આવ્યું હતું.

ભુલકા ભવન સ્કૂલે 95.18 ટકા લાવનાર રેન્કર પૂર્વીની ફી માફ કરી
શહેરની 19 સુમન સ્કૂલોમાં ભણતા અને 46 રેન્કર વિદ્યાર્થીઓમાં 95.18 ટકા મેળવી ત્રીજો ક્રમાંક મેળવનાર પુર્વી ગુપ્તાના પિતા અડાજણ ખાતે ચાની લારી ચલાવે છે. 4 દીકરીઓના પિતા સુરેન્દ્રભાઇ ખાનગી શાળામાં પુત્રીને પ્રવેશ અપાવવાની સ્થિતિમાં ન હોવાથી પૂર્વી અભ્યાસ પડતુ મુકવાની હતી કે સુમન સ્કુલના આચાર્ય સુરેશ અવૈયાએ ભુલકાભવનના ટ્રસ્ટીઓને રજુઆત કરી હતી. શાળાએ પૂર્વીની ફી માફ કરી પ્રવેશ આપ્યો હતો.

94 ટકા લાવનાર પ્રતિકના પિતા ઊંચી ફી સાંભળી પરત થઇ ગયા
સુમન સ્કૂલમાં 94.33 ટકા સાથે ચોથા ક્રમાંકના રેન્કર પ્રતિક હડીયાના પિતા સાડી લેસનો વ્યવસાય કરે છે. પ્રતિક પણ પરિવારને મદદરૂપ થવા સાડી લેસના કામમાં સાથ આપે છે. ક્રિએટિવ એન્જિનિયર બનવા માંગતા પ્રતિકના પિતા ઘનશ્યામભાઇએ કહ્યું કે, મંદી વચ્ચે ઊંચી ફી વસુલતી શાળામાં અભ્યાસ સિવાય છુટકો નથી પણ ઓછી ફી વાળી સ્કૂલની શોધમાં છીએ. બે સ્કૂલોમાં તપાસ કરી પણ ઉંચી ફી સાંભળી પરત આવી ગયા હતાં.

91 ટકા લાવનાર ટાંક લક્ષ પાસેથી જયઅંબે સ્કૂલ ફી નહીં લેશે
​​​​​​​વરાછાની સુમન શાળામાં ભણી 91 ટકા સાથે ઓવરઓલ 8માં ક્રમાંક સાથે રેન્કર બનેલા ટાંક લક્ષે કહ્યું કે, હીરામાં નોકરી કરતા પિતાની સ્થિતિ સારી ન હોવાથી ધોરણ-10માં ટ્યુશન પણ લીધું ન હતું. પિતા જયમભાઇએ કહ્યું કે, ઊંચી ફી વાળી ખાનગી સ્કૂલમાં પુત્રના અભ્યાસનું તો માંડી જ વાળ્યું હતું. જયઅંબે સ્કુલના ટ્રસ્ટીઓને રજુઆત કરી હતી. જોકે રેન્કર વિદ્યાર્થીને સોફ્ટવેર એન્જિનિયર બનાવવાનું સ્વપ્ન પુર્ણ કરવા સંચાલકોએ ફી માફી કરી છે.

ડ્રોપ આઉટ સુધારવા સુમન વર્ગો વધારાશે
​​​​​​​સુમન શાળાના વિદ્યાર્થીઓના સફળ પરિણામ બાદ ધોરણ-11 અને 12ના સાયન્સ વર્ગો વધારવાનું આયોજન નકકી કરાયું છે. હાલ લિંબાયતમાં એકમાત્ર સાયન્સ સ્કૂલ છે પણ વેઇટિંગ લિસ્ટ લાંબુ છે. રેન્કર વિદ્યાર્થીઓ અભ્યાસ ન છોડે તેનું પુરેપુરો ધ્યાન રખાશે. > ધર્મેશ પટેલ, વહીવટી અધિકારી, સુમન શાળા

અન્ય સમાચારો પણ છે...