આપઘાત:યુવતીએ બીભત્સ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતાં રાંદેરના કોમ્પ્યુટર ઓપરેટરે ફાંસો ખાધો

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિવારે મૃતકનો મોબાઇલ ચેક કરતાં ખબર પડી કે યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી યુવકને ફસાવ્યો
  • યુવતીએ​​​​​​​ બ્લેકમેલિંગ કરતાં અગાઉ પણ યુવકે ફોન કરી આપઘાત કરવાની ચીમકી આપી હતી

રાંદેરના ઉગત-ભેસાણ રોડ પર રહેતા કોમ્પ્યુટર ઓપરેટર સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ તેનો બીભત્સ વીડિયો બનાવી યુવતીએ બ્લેકમેલ કર્યો હતો. 20 હજાર રૂપિયા ખંખેર્યા બાદ વધુ રૂપિયા માંગી યુવતીએ સતત બ્લેકમેલ કરતા યુવકે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. યુવકની આત્મહત્યા મામલે સાયબર ક્રાઇમે યુવતી સહિત બેને પકડી પાડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

મૂળ ઓલપાડનો અને ઉગત-ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવકે 31મી ઓકટોબરે મોડીરાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જયારે પરિવારને સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. જેમાં યુવક સાથે શ્રેયા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવ્યો હતો.

યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ફાંસો ખાધો હતો. જોકે વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે વધુ રૂપિયાની માંગણી ચાલુ જ રાખી હતી.

20 હજાર લીધા બાદ વધુ રૂપિયાની માંગણી કરી
સમાજમાં બદનામીના ડરે યુવકે 31મી ઓકટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલીટ કરવા માટે વધુ 5 હજારની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં યુવતી તેની પાસે વારંવાર માંગણી કરી માનસિક ત્રાસ આપી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...