તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રામપુરાના કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ સામે ગુજસીટોક દાખલ, બે ઝડપાયા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી અશરફ નાગોરી - Divya Bhaskar
આરોપી અશરફ નાગોરી
  • નાગોરી ગેંગ પહેલાં જાલીમ, આસીફ ટામેટા સામે આ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો

ઘણા ગુનાઓમાં સંડોવાયેલો રામપુરાનો કુખ્યાત અશરફ નાગોરી અને તેની ગેંગ વિરુદ્ધ પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ( ગુજસીટોક) મુજબ ગુનો દાખલ કર્યો છે. તેના બે સાગરિતોને ઝડપી પાડ્યા છે. અશરફ નાગોરી ફરાર છે. અશરફ અને તેના સાગરિતો સામે 25થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. છેલ્લે તેની સામે ફાયરિંગનો ગુનો દાખલ થયો હતો.

ઓર્ગનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ થકી વારંવાર ગુના કરી લોકોમાં ભયનો માહોલ પેદા કરનાર તત્વો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને જેલમાં ધકેલાય રહ્યા છે. સોમવારે લાલગેટ પોલીસે અશરફ નાગોરી ગેંગના સાગરિતોની અપરાધિક પ્રવૃતિનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપ્યો હતો. પોલીસ કમિશનરે આરોપી અશરફ નાગોરી,સમદ મલબારી, પખાલીવાડનો વસીમ કુરેશી, યુસુફ કુરેશી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવા આદેશ આપ્યો હતો. લાલગેટ પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.પોલીસે વસીમ અને યુસુફની ધરપકડ કરી છે. અશરફ ગેંગ લાલગેટ,અઠવા,ચોકબજાર, મહીધરપુરા,સલાબતપુરા,રાંદેર અને સૈયદપુરા વિસ્તારમાં સક્રિય છે.

ભૂતપૂર્વ ગૃહમંત્રીની હત્યામાં નામ ઉછળ્યું હતું
અશરફ નાગોરી વિરુદ્ધ હથિયાર,હત્યાની કોશિશ,ખંડણી, જમીન પચાવી પાડવા સહિતના ઘણા ગુના નોંધાયા છે. 2002માં ભાજપના નેતા અને એડવોકેટ હસમુખ લાલવાળા પર ફાયરિંગ કરીને તેમની હત્યાની કોશિશમાં ઝડપાયો હતો. ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં પણ તેનું નામ હતું, કોર્ટે તેને મુક્ત કર્યો હતો. અશરફ સાગરિતો સાથે 2012માં રાંદેરમાંથી 11 હથિયારો સાથે ઝડપાયો હતો. તેણે કોમી તોફાન ફેલાવવા હથિયારો મંગાવ્યા હતા. સલાબતપુરામાં વેપારી સાથે મારામારીના તેમજ હાલમાં જ તેના વિરુદ્ધ લાલગેટ વિસ્તારમાં ફાયરિંગનો ગુનો નોંધાયો છે.હાલ પોલીસે ગુનો તો દાખલ કર્યો છે પરંતુ તેની ધરપકડ કરી શકી નથી. સમદ મલબારીના વિરુદ્ધ પણ ગેરકાયદેસરના હથિયારનો ગુનો તેમજ અન્ય ગુનાઓ નોંધાયા છે. તેના સાગરિતો વિરુદ્ધ મારામારી તેમજ ધાક-ધમકીના ઘણા ગુના નોંધાયા છે.

લાલ જાલીમ હજી પોલીસ પકડથી દુર
અશરફ નાગોરી પહેલા આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. લાલુ જાલીમને હજી સુધી પોલીસ પકડી શકી નથી. હાલમાં પણ અશરફ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પરંતુ તે પોલીસ પકડથી દૂર છે.

અન્ય સમાચારો પણ છે...