તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્લભ પટેલ આત્મહત્યા દુષ્પ્રેરણા કેસ:જમીન કૌભાંડનું મહોરું રાજુ પકડાયો, કરોડોની સોપારી લેનાર PI બોડાણા સહિતના અસલી ચહેરા હજી ફરાર

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેલ્લી ચાલાકીથી જ દબોચાયા, રાજુ ભરવાડ-ભાવેશ સવાણી - Divya Bhaskar
છેલ્લી ચાલાકીથી જ દબોચાયા, રાજુ ભરવાડ-ભાવેશ સવાણી
  • હાલોલમાં ભાવેશે લારીવાળા પાસે મોબાઇલ માંગી સગાં- વકીલને ફોન કરતા જ ટ્રેસ થયા
  • અંકલેશ્વરમાં પકડાયા
  • ભાસ્કરમાં પ્રકાશિત થયું એ પ્રમાણે 20 કરોડનો મોટો ખેલ સપાટી પર આવ્યો
  • દુર્લભભાઇએ ITનો વિવાદ પૂર્ણ ન થાય ત્યા સુુધી દસ્તાવેજ કરી આપવાની ના પાડી હતી
  • રાજુએ દુર્લભભાઇ પાસે દસ્તાવેજ કરાવવા પીઆઇ બોડાણાની ટોળકીને સોપારી આપી

દુર્લભભાઈ પટેલને આત્મહત્યા માટે મજબુર કરનારા આરોપીઓ પૈકીના બે આરોપીઓને જિલ્લા પોલીસે અંકલેશ્વર હાઇવે ટોલ નાકા પાસેથી ઝડપી પાડ્યા છે. રાજુ પાસેથી રિવોલ્વર પણ કબજે કરી છે.

રેન્જ આઈજી એસ પાંડિયા રાજકુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, ‘દુર્લભભાઈએ કિશોર કોશિયા સાથે જમીનનો સોદો કર્યા બાદ જે વિવાદ થયો ત્યાર બાદ રાજુ ભરવાડની એન્ટ્રી થઈ હતી, ત્યાર બાદ બધાએ મળીને દુર્લભભાઈને ટોર્ચર કરતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તેમાં આરોપીઓ રાજુ લાખા ભરવાડ, હેતલભાઈ નટવર દેસાઈ,ભાવેશ કરમશી સવાણી, કનૈયાલાલ નારોલા, કિશોર ભુરા કોશિયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી,અજય બોપાલા, કિરણસિંહ અને રાંદેર પોલીસ સ્ટેશનના અન્ય પોલીસવાળાઓ વિરુદ્ધ ફરિયાદ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદથી તમામ આરોપીઓ નાસતા ફરતા હતા. દરમિયાન ટેકનિકલ સોર્સથી પોલીસને માહિતી મળી કે આરોપી રાજુ ભરવાડ અને ભાવેશ સવાણી વડોદરાથી સુરત તરફ કારમાં આવી રહ્યા છે. તેથી પોલીસે ભરુચ-અંકલેશ્વર ટોલ નાકા પાસે હાઇવ પરથી પોલીસે જીજે-05-આરજે-6554 નંબરની કારમાં આવતા રાજુ અને ભાવેશને પકડી લીધા છે.

સિનિયર સિટીઝનને પોલીસ સ્ટેશને બોલાવ્યા તે જ બોડાણાનો પહેલો ગુનો
કોઈ પણ અરજી કે તપાસ માટે સિનિયર સિટિઝનને પોલીસ સ્ટેશને બોલાવવા નહીં. એવી જોગવાઈ છે કે પોલીસે જાતે સિનિયર સિટીઝનના ઘરે જવાનું હોય છે. આ કેસમાં બોડાણા વારંવાર બોલાવે છે એવા આક્ષેપો છે. આજ બોડાણાનો પહેલો ગુનો છે. તેમજ બોડાણાએ ફાર્મ હાઉસ પર બોલાવ્યા તે પણ ખોટું છે.

શ્રીનાથજી પણ ગયા હતા
ઉદયપુરની લોડ્‌ર્સ હોટલમાં સુરત પોલીસ પહોંચે તેની 30 મિનિટ પહેલાં જ ચેકઆઉટ કર્યું, CCTVમાં કારમાં જતા દેખાયા હતા

બંને પહેલા ઉદયપુર ગયા હતા
પોલીસથી બચવા માટે રાજુ લાખા ભરવાડ અને ભાવેશ સવાણી સુરતથી પહેલા ઉદયપુર થયા હતા. ત્યાંથી તેઓ શ્રીનાથજી ગયા હતા અને પછી ફરીથી ઉદયપુર પહોંચ્યા હતા. ઉદયપુરમાં તેઓ લોડ્સ ઇન હોટેલમાં પોતાની સાચી ઓળખથી જ રોકાયા હતા.

3 દિવસથી પોલીસ શોધતી હતી
આ દિવસો દરમિયાન આ બંનેને શોધી કાઢવા માટે પોલીસની એક ટીમ મોબાઇલ સર્વેલન્સથી તેમને ટ્રેક કરવાની કોશિશ કરી રહી હતી. પોલીસને માહિતી મળી કે બંને ઉદયપુરની લોડ્સ ઇન હોટેલમાં છે એટલે તરત જ એક ટીમ તેમને દબોચવા માટે ત્યાં પહોંચી હતી.

30 મિનિટ પહેલા જ હોટલ છોડી
પોલીસ પહોંચે તેની ગણતરીની મિનિટો પહેલા જ તેઓ હોટેલમાંથી ચેકઆઉટ થયા હતા. પોલીસે હોટેલના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો બંને આરોપી તેમાં દેખાયા હતા. રાજુ અને ભાવેશ જે સ્વીફ્ટ કારમાંથી હોટલમાંથી નીકળ્યા હતા તે નંબર કેમેરાના આધારે પોલીસને મળી ગયો હતો. જે માહિતીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો તરત બનાવી હતી.

લારીવાળા પાસે ફોન માગ્યો
ઉદયપુરથી નીકળીને બંને હાલોલ આવ્યા હતા. જ્યાં તેમણે એક લારીવાળા પાસે ફોન માગ્યો અને પોતાના સંબંધી તથા એક વકીલને ફોન કર્યો હતો. પોલીસની સર્વેલન્સ ટીમ આરોપીઓના સ્વજનોના ફોન પણ ટ્રેસ કરી રહી હતી એટલે તરત જ ખબર પડી કે, ભાવેશે ફોન કર્યો છે તેનું લોકેશન હાલોલ છે.

અંકલેશ્વર આવતા જ પકડાયા
હાલોલથી તેઓ અમદાવાદ અથવા સુરત તરફ આવી શકે છે તેવી શક્યતાને પગલે બંને દિશામાં હાઇવે ઉપર ટીમો ગોઠવી દેવાઈ હતી. પોલીસ પાસે સ્વીફ્ટ કારનો નંબર હતો એટલે અંકલેશ્વર ટોલનાકા પર કાર આવતા જ પોલીસે બંનેને દબોચી લીધા હતા..

કિશોર કોશિયાએ દુર્લભભાઈ પાસેથી ખરીદેલી જમીન રાજુ લાખાને વેચી નાખી
રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે,‘2014માં દુર્લભભાઈ પાસેથી કિશોર કોશિયાએ 24 કરોડ રૂપિયામાં જમીનનો સોદો કર્યો હતો. તે પૈકી રોકડા 18 કરોડ રૂપિયા અને 3.09 કરોડ રૂપિયાના ચેક આપ્યા હતા. બાકીના ત્રણેક કરોડ રૂપિયા બાકી હતાં. તેમાં કનૈયાલાલ નારોલા અને ભાવેશ સવાણીએ પણ કિશોર સાથે રોકાણ કર્યું હતુ. ત્યાર બાદ કિશોર કોશિયાના ત્યાં ઇન્કમટેક્સની રેઇડ પડી હતી. તે રેઇડના તપાસનો રેલો દુર્લભભાઈ સુધી પહોંચ્યા હતો. ત્યાર બાદ કિશોર કોશિયા અને દુર્લભભાઈ બંનેને આઈટીએ પેનલ્ટી કરી હતી. ત્યાર બાદ બંને વચ્ચે પેનલ્ટીના મુદ્દે વિવાદ થતાં દુર્લભભાઈએ દસ્તાવેજ કરી આપવાની ના પાડી હતી. કિશોર, કનૈયાલાલ અને ભાવેશ ત્રણેય આ મેટરમાંથી નીક‌ળવા માંગતા હતા. કિશોરે આ જમીનને રાજુ લાખાને વેચી નાંખી હતી. તે પેટે 7.50 કરોડ રૂપિયાના ચેક રાજુએ કિશોરને આપ્યા હતા. તે સિવાય રોકડા રૂપિયા અને અન્ય એક જમીન રાજુ કિશોરને આપે છે. ત્યાર બાદ કિશોરે દુર્લભભાઈને કહ્યું કે હવે જમીન રાજુ લાખા અથવા રાજુ કહે તે વ્યક્તિના નામે કરે તો વાંધો નહીં. ત્યાર બાદ રાજુ લાખા પણ દુર્લભભાઈને દબાણ કરવા લાગ્યો હતો. ત્યાર બાદ રાંદેર પોલીસ સ્ટેશન અને અન્ય આરોપીઓની એન્ટ્રી થઈ હતી. તેમાં રાંદેર પીઆઇ બોડાણા દુર્લભભાઈને વારંવાર બોલાવીને માનસિક રીતે હેરાન કરતો હતો. ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય આરોપીઓ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરાશે.તેમજ અન્ય આરોપીઓ ઝડપાશે તો તેની સાથે ક્રોસ વેરિફિકેસન પણ કરાશે.

ભાવેશ સવાણી વિરુદ્ધ ઓલપાડમાં પણ જમીન મુદ્દે ઠગાઇનો ગુનો નોંધાયો છે
નાની વેડમાં રહેતી જ્યોતીબેન જયેશ પટેલના પતિનું અવસાન થતા તેમના હિસ્સામાં આવેલ એક વીઘા જમીન વેચવાની હતી. તેઓએ આ જમીન વેચવા માટે ભાવેશ સવાણી અને તેના ભાઈ ચેતન સવાણીનો સંપર્ક કર્યો હતો. તેઓએ એ જમીનનો સોદો એક પાર્ટી સાથે 13.81 કરોડમાં કર્યો હતો. તેમાં એડવાન્સમાં 20 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના રૂપિયા પછીથી અને ત્રણ અલગ-અલગ જમીન ઓલપાડ તાલુકાના સોંસક ગામમાં આપવાની હતી. ચેતન અને ભાવેશે અન્ય આરોપી વસનબેન માવજી સવાણી અને શૈલેશ હીરજી સવાણી સાથે મળીને કાવતરૂં કરીને જ્યોતી બેન પાસે સોસંકની જમીનનો સાટાખત કરાવ્યા બાદ માત્ર બે જમીનનો દસ્તાવેજ કરી આપ્યો અને એક જમીન કોઈ બીજાને દીધી હતી. આ બાબતે જ્યોતીબેને ચારેય વિરુદ્ધ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાત અને બોગસ ડોક્યુમેન્ટની ફરિયાદ નોંધાવી હતી.

પીઆઈ બોડાણા, રાજુ લાખા અને કિશોર કોશિયા એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા તેની તપાસ કરાશે
પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે આરોપી પીઆઈ બોડાણા,રાજુ લાખા અને કિશોર કોશિયા એક બીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા તેની પણ તપાસ કરાશે. કારણ કે રાજુ લાખાની એન્ટ્રી થઈ ત્યાર બાદ જ દુર્લભભાઈ વિરુદ્ધ અરજીઓ થઈ અને પીઆઈ માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ થયો છે. બીજી તરફ રાજુ લાખા અને ભાવેશે રાંદેર પોલીસ સ્ટેશનમાં દુર્લભભાઈ પટેલ વિરુદ્ધ અરજી કરી હતી. બે અલગ-અલગ અરજી શા માટે કરાઈ અને અલગ-અલગ કરવાનો હેતુ શું છે તેની પણ તપાસ કરાઈ રહી છે.

2 પોલીસ કર્મચારીએ કરેલી આગોતરાની આજે સુનાવણી
દુર્લભ પટેલના આપઘાત પ્રકરણમાં 10 સામે આત્મહત્યા કરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો. જેમાં સુરત રાંદેર પોલીસ મથકના પીઆઈ બોડાણાના રાઇટર કિરણસિંહ અને અજય ભોપાલાએ બારડોલી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હોય, જેમાં આ ગુના બાબતે કશું જાણતા ન હોવાનું અને કોઈ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા ન હોવાનું સહિતના મુદ્દાઓ રજૂ કરી દાદ માંગી છે. જેની આજે સુનાવણી છે. ત્યારે સરકાર પક્ષે એફિડેવિટ રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...