તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્પ્રેરણા કેસ:રાજુ ભરવાડે ત્રણ ફાઇનાન્સરો પાસેથી રૂપિયા લઇ રોકાણ કર્યું જેમાંથી એક પોલીસવાળો! , જમીનમાં એક કા ડબલ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીટે કિશોર કોશિયાની ઓફિસમાંથી ડોક્યુમેન્ટ જપ્ત કર્યા, આ કેસમાં પોલીસે 10 આરોપીઓમાંથી માત્ર રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીની જ ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે

દુર્લભભાઇ આપઘાત કેસમાં એસઆઇટીએ મોડી સાંજે કિશોર કોશિયાની ઓફિસમાં સર્ચ કરીને અગત્યના દસ્તાવેજો જપ્ત કર્યા હોવાની વાત મળી છે. દુર્લભભાઈને આપઘાતની દુષ્પ્રેરણા આપવાના કેસમાં પકડાયેલા રાજુ લાખા ભરવાડે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી છે કે તેણે કિશોર કોશિયાને પિશાદની જમીનના બદલામાં પોતાની થોડી જમીન અને ચેકથી રૂ. 7.55 કરોડ આપ્યા હતા. આ રૂપિયા તેણે ત્રણ ફાયનાન્સર પાસેથી લીધા હતા. સૂત્રો મુજબ આશંકા છે કે ત્રણમાંથી એક ફાઇનાન્સર માંજરાના નામથી ઓળખાય છે અને તે રાજ્યની મહત્વની એક શાખામાં ફરજ બજાવે છે. તેની સામે અગાઉ પણ આવક કરતા વધુ મિલકત બાબતે તપાસ પણ થઈ છે.

આ સમગ્ર ઘટનાને શરૂઆતથી જોઈએ તો કિશોર કોશિયા અને કનૈયાલાલ નારોલાએ જમીન દુર્લભભાઈ પાસેથી ખરીદી હતી. આ જમીનમાં ITએ બોજો નાખતા વિવાદ થયો હતો. કિશોર-કનૈયાએ આ વિવાદિત જમીન 2014માં થયેલા 24 કરોડના સોદાના જ ભાવે રાજુ લાખાને વેચી દીધી હતી. રાજુ લાખા અને તેના પાર્ટનરની મદદથી કેટલીક જમીન અને રૂ. 7.55 કરોડ આપ્યા હતા. સૂત્રોનું માનીએ તો દુર્લભભાઈ દસ્તાવેજ કરી ન આપતા હોય રાજુ ભરવાડે અનિલ નામની વ્યક્તિ મારફત બોડાણાનો સંપર્ક કરાવ્યો હતો. બોડાણાએ પહેલા ભાવેશ સવાણી અને પછી રાજુ ભરવાડ પાસેથી અરજી લઈને તપાસના નામે દુર્લભભાઈને ત્રાસ આપતો હતો. આ દરમિયાન દુર્લભભાઈના દીકરાએ વિજય શિંદે અને મુકેશ કુલકર્ણી પાસે મદદ માગી હતી. પરંતુ આ બંનેએ મદદ કરવાને બદલે સામા પક્ષે બેસી ગયા અને દુર્લભભાઈને સહી કરી આપવા માટે દબાણ કરી રહ્યા હતા.

ત્યારબાદ પીઆઈ વિરુદ્ધ દુર્લભભાઈના દીકરાએ ઉચ્ચ અધિકારીને વોટ્સએપ ઉપર ફરિયાદ કરી હતી. ત્યારે અનિલ નામની વ્યક્તિએ ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરાવ્યો હતો અને આ અધિકારીએ આંખ આડા કાન કરવાના રૂ. 2.50 કરોડ લીધા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ દુર્લભભાઈએ આપઘાત કરી લેતા આ ટોળકીનો ચેહરો ઉઘાડો પડી ગયો છે. આ કેસમાં અત્યારસુધી પોલીસે 10 આરોપીઓમાંથી માત્ર રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીની જ ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે.

એક ઉચ્ચ પોલીસ અધિકારીએ અઢી કરોડ રૂપિયા લીધા હોવાની વાત
સૂત્રો મુજબ રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર લક્ષ્મણ બોડાણા અને ટોળકીએ દુર્લભભાઈને બહુજ ત્રાસ આપ્યો હતો. તેથી ત્રાસીને દુર્લભભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. લક્ષ્મણ બોડાણા દુર્લભભાઈને વારંવાર બોલાવતા હતા. ત્રાસ આપતા હતા. ગાળો આપીને અપમાનિત કરતા હતા. રિવોલ્વર પણ બતાવી હતી. એક વખત બીજાના ફાર્મ હાઉસમાં દુર્લભભાઈને બોલાવ્યા હતા. જેથી એવી ચર્ચા છે કે શું એક ઇન્સ્પેક્ટર પોતાના જોરે આટલો ત્રાસ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આપી શકે ખરી? એવું કહેવાય છે કે એક વચેટિયાએ એક ભૂતપુર્વ ઉચ્ચ અધિકારીને અઢી કરોડ રાજુએ આપ્યા હતા. તેથી તે અધિકારીનો હોવાના કારણે જ બોડાણાએ દુર્લભભાઈને આટલો ત્રાસ આપવાની હિંમત કરી હતી.

રાજુ લાખા અને ભાવેશ સવાણીને એક વચેટિયાએ અમદાવાદ ભેગા કરી ત્યાંથી રાજસ્થાન ભગાવ્યા હતા
દુર્લભભાઈએ આત્મહત્યા કરી તેના બીજા દિવસથી તમામ આરોપીઓ અંડરગ્રાઉન્ડ છે. બે આરોપીઓ રાજુ લાખા અને ભાવેશ સવાણીને જિલ્લા પોલીસે રવિવારે અંકલેશ્વરથી ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે બનાવ બન્યાના બીજા દિવસે અલગ-અલગ રીતે અમદાવાદ ગયા હતા.ત્યાં સુરતના જ એક વચેટિયાએ બંનેની મુલાકાત કરાવી હતી, ત્યાર બાદ બંને જણા ઉદયપુર અને ત્યાંથી શ્રીનાથજી ગયા હતા.રેંજ આઈજી એસ.પાંડિયા રાજકુમારે જણાવ્યું હતું કે એ વચેટીયાની ઓળખ થઈ ગઈ છે. તેની પણ પુછપરછ કરાશે.

બંનેના સિટી સ્કેન થયા રિઝલ્ટ આજે આવશે
અંકલેશ્વર ટોલ પ્લાઝા હાઇવે નજીક રાજુ લાખા ભરવાડ અને ભાવેશ સવાણીની ધરપકડ થયા બાદ તેઓના કોવિડ-19 રિપોર્ટ માટે સિટી સ્કેન કરવામાં આવ્યા હતા. આ બંને કોરોનાગ્રસ્ત છે કે નહીં તેનો ખ્યાલ આજે રિપોર્ટ આવ્યા બાદ આવશે.

વિજય શિંદે-મુકેશ કુલકર્ણી મદદની જગ્યાએ સામે પક્ષે બેસી ગયા હતા
જમીન મુદ્દે કરોડોની રકમનો ટેક્ષ દુર્લભભાઈને શિરે આવ્યો હતો. આથી તેમનો વિવાદ કિશોર કોશિયા અને રાજુ ભરવાડ સાથે થયો હતો. દુર્લભભાઈ અને તેના પુત્રએ વિજય શિંદે અને મુકેશ કુલકર્ણીની મદદ માંગી હતી. શરૂઆતમાં બંને દુર્લભભાઈને સપોર્ટ કરવાની વાત કરી હતી. થોડા સમય પછી બન્નેનો રંગ બદલાયો અને દુર્લભભાઈને કહી દીધું કે ઈન્કમટેક્સ તો તમારે ભરવાનો રહેશે. મુકેશ કુલકર્ણી અને ઉધનાનો કોન્સ્ટેબલ વિજય શિંદે બિલ્ડર રાજુ ભરવાડ, કિશોર કોશિયા, ભાવેશ સવાણી, હેતલ દેસાઈ સાથે કારમાં આવી દુર્લભભાઈના દિકરાને જમીન પર લઈ ગયા અને સાટાખત વખતે સાથે ગયા હતા, એવું જાણવા મળ્યું છે.

ભાવેશ સવાણીએ દીકરાના કસમ ખાઈ વિધવાને વિશ્વાસમાં લઈ જમીનનો દસ્તાવેજ કરાવી ગયો
બિલ્ડર ભાવેશ સવાણીના કારણે વિધવાએ જમીન ખોવાનો વારો આવ્યો છે. વિધવાની વેડની જમીન લઈ ભાવેશ સવાણીએ ઓલપાડના સોંસકગામની 10.5 વીઘા જમીન આપવાની વાત કરી હતી. ભાવેશ સવાણીએ દીકરાના કસમ ખાઈ વિધવાને વિશ્વાસમાં લઈ વેડની જમીનનો દસ્તાવેજ કરાવી ગયો હતો. પછી સોંસકગામની 10.5 વીઘા જમીનમાંથી 6.5 વીઘા આપી 4 વીઘા જમીન પચાવી પાડી હતી. ભાવેશ સવાણી એન્ડ ટોળકીનો ભોગ બનેલી નાની વેડની મહિલા જ્યોતિબેન પટેલે જર્જરીત મકાનમાં રહેવાનો વારો આવ્યો છે ઉપરથી વિધવા મજૂરી કરી 2500 રૂપિયામાં સંતાનોનું ગુજરાન ચલાવી રહી છે. અગાઉ ઓકટોબર-19માં મહિલાએ ઓલપાડ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે વસનબેન સવાણી, ચેતન સવાણી, ભાવેશ સવાણી અને શૈલેશ સવાણી સામે ગુનો નોંધ્યો હતો.

21મીએ આગોતરા પર સુનાવણી થશે
દુર્લભ પટેલ આપઘાત પ્રકરણમાં સુરત રાંદેર પોલીસ મથકના રાઇટર કિરણસિંહ અને અજય ભોપાલાએ બારડોલી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે મુદ્દાઓ રજૂ કરી દાદ માંગી હતી, જેની બુધવારે સુનાવણી હતી, જેમાં આગામી 21મી સપ્ટેમ્બરની તારીખ પડી હોવાનું જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે સુનાવણીની તારીખમાં ફેરફાર કરી હવે 21મી નક્કી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...