છેતરપિંડી કરી જલસા:સુરતમાં 3.92 કરોડનું ઉઠમણું કરનાર વેપારી ગોવાથી ઝડપાયો, ફ્લાઈટમાં ગોવા જઈ કસિનોમાં જુગાર રમતો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીને પોલીસ ગોવાથી સુરત લાવી. - Divya Bhaskar
આરોપીને પોલીસ ગોવાથી સુરત લાવી.
  • સારોલીગામ રાજ ટેક્ષટાઇલ માર્કેટના લેભાગુ વેપારી પંકજ સચદેવાની ધરપકડ

સારોલીગામ રાજ ટેક્ષટાઇલ માર્કેટના લેભાગુ વેપારી પંકજ સચદેવાએ 3.92 કરોડમાં ઉટમણું કરી ફરાર થઈ ગયા હતો. ગ્રે-કાપડનો માલ લઈ બારોબાર લુધીયાણામાં વેચી નાખી સુરતના 7 વેપારીઓને ચૂનો ચોપડ્યો હોવાનું ફરિયાદ બાદ પંકજને ગોલાના કસિનોમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પૂછપરછમાં જણાયું હતું કે, તે જુગાર રમવાની ટેવ ધરાવતો હતો અને ફ્લાઈટ મારફતે ગોવા જઈ કસિનોમાં જુગાર રમતો હતો.

તપાસ ઈકોસેલને સોંપવામાં આવી હતી
પરવટ પાટિયા સારોલી ગામ રાજ ટેક્ષટાઇલ માર્કેટના લેભાગુ વેપારી પંકજ સચદેવાએ 3.92 કરોડથી વધુનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લઈ બારોબાર લુધીયાણામાં વેચી નાખી સુરતના 7 વેપારીઓને કરોડોનો ચૂનો ચોપડી કાપડ દલાલ સાથે ફરાર થયો હતો. આ અંગે વેપારી કૌશલ રાઠીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે કાપડ વેપારી પંકજ રમેશચંદ્ર સચદેવા અને કાપડ દલાલ સરીન અરવિંદલાલ ચેવલી(રહે,ચેવલી બંગલો, જીંજર હોટેલની બાજુમાં, પિપલોદ) સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવી હતી.

3.92 કરોડનો માલ લઈ નાણા ન આપી ફરાર થયો હતો
કાપડ દલાલ સરીન ચેવલી મારફતે લેભાગુ વેપારી પંકજ સચદેવાએ 3-11-20 થી 31-8-21 સુધીમાં વેપારી કૌશલ રાઠી પાસેથી કરોડોના ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લીધો હતો. ઉપરાંત કેતન સનરાઈ પાસેથી 1.13 કરોડ, ગૌતમ શેઠ પાસેથી 1 કરોડ, મિતુલ મહેતા પાસેથી 15.11 લાખ, નીતીન નવાબ પાસેથી 6.29 લાખ, આકાશ શાહ પાસેથી 8.46 લાખ અને રંજનીકાંત લાલવાળા પાસેથી 9.94 લાખનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લીધો હતો. ટોટલ સાત વેપારીઓની પાસેથી ગ્રે-કાપડનો રૂ. 3.92 કરોડનો માલ લઈ નાણા ન આપી ફરાર થયો હતો.

ગોવાના કસિનોમાંથી ઝડપાયો
પંકજની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે જુગાર રમવાની ટેવ ધરાવે છે. અને ગોવાના ડેલટીન કસિનોમાં વીઆઈપી મેમ્બર છે. જુગાર રમવા માટે દિલ્હી ફરીદાબાદથી ફ્લાઈટમાં ગોવા દર પંદર દિવસે જતો હતો. ગોવામાં ચાર-પાંચ દિવસ રોકાઈની જુગાર રમતો હતો. છેતરપિંડીના રૂપિયા જુગારમાં હારી ગયો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.