હવામાન:વરસાદનું જોર ઘટ્યું: 5 મીમીથી 30 મીમી, ઉકાઈ 329 ફૂટે સ્થિર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મીઠીખાડી સિવાય તમામ ખાડીના લેવલમાં ઘટાડો

સોમવારે શહેર અને જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું હતું. દિવસભર 8 કિ.મીની ઝડપે દરિયાઇ પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. જ્યારે રાતે સાડા 8 વાગે પછી શહેરમાં તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સોમવારે શહેરમાં 5 મીમી અને જિલ્લામાં 30 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં મીઠીખાડી સિવાયની તમામ ખાડીના લેવલમાં ઘટાડો થયો છે. જ્યારે મીઠીખાડીનું લેવલ રાતે 8 કલાકે વધીને 7.40 મીટર થઇ ગયું છે. ભયજનક લેવલ 7.75 મીટર નજીક સપાટી પહોંચી જતા પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. આજે પણ પર્વતગામમાં પાણી ન ભરાઇ તે માટે લિંબાયત ઝોનની ટીમે ખાડી કિનારે ડી-વોટરિંગ પંપો મુકી ખાડીમાંથી પાણી ઠાલવવાની કામગીરી શરૂ રાખી હતી.

આજે શહેરમાં 5 મીમી, બારડોલીમાં 12 મીમી, કામરેજમાં 8 મીમી, મહુવા, ચોર્યાસીમાં 30 મીમી, માંડવીમાં 9 મીમી, ઓલપાડમાં 1 મીમી, પલસાણામાં 21 મીમી અને ઉમરપાડામાં 11 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉકાઇ ડેમની સપાટી 329.45 ફૂટ નોંધાઇ હતી. જ્યારે ઇનફલો 13247 ક્યુસેક અને આઉટફલો 200 ક્યુસેક હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક શહેર-જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે શહેરનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...