હવામાન:આગાહી વચ્ચે લો-પ્રેશર ફંટાઇ જતાં આજે વરસાદની શક્યતા નહીંવત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદની સિસ્ટમ નબળી પડતાં હવે શહેરમાં ઠંડી વધશે
  • વાદળિયા હવામાન વચ્ચે રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધ્યું

બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ રાજસ્થાન તરફ આગળ વધતાં સોમવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. રવિવારે રાત્રે માત્ર ઝાપટાં પડી શકે છે. આ સિસ્ટમ નબળી પડ્યા બાદ આગામી દિવસમાં શહેરમાં ઠંડીનું પ્રમાણ વધશે.

રવિવારે શહેરમાં દિવસભર આકાશમાં આછા વાદળો છવાયા હતા. જેને લઇ રાત્રિનું તાપમાન 3 ડિગ્રી વધી ગયું હતું. જ્યારે દિવસના તાપમાનમાં 0.3 ડિગ્રીનો સામાન્ય વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 61 ટકા રહ્યું હતું. ઉત્તર દિશાથી સરેરાશ 4 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા જોતાં ઉકાઇમાં પાણીની આવક વધી શકે
લો-પ્રેશર સિસ્ટમથી કેરળમાં ભારે વરસાદથી તબાહી મચાવી હતી. આ સિસ્ટમ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર થઇ મધ્યપ્રદેશ, રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. જેના કારણે ઉકાઇ ડેમના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રેઇન ગેજ સ્ટેશનમાં વરસાદ થવાની શક્યતા છે. જોકે ભારે વરસાદની શક્યતા નહિવત્ જણાઇ રહી છે. ઉપરવાસમાં વરસાદ પડે તો ઉકાઇ ડેમમાં પાણીની આવક વધશે. હાલમાં ડેમ 345.02 ફૂટે 100 ટકા ભરાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...