રેલવે પોલીસે 7 મહિનામાં જ સ્ટેશન ઉપર બિનવારસી મળી આવેલા 184 વ્યક્તિઓનું તેના પરિવારની સાથે મિલન કરાવ્યું હતું. આ તમામમાં ૭૨ ટકા એટલે કે 132 સગીરો છે. જ્યારે કોઇ વ્યક્તિ ખોવાઇ જાય ત્યારે સૌપ્રથમ પોલીસ અને ત્યારબાદ રેલવે સ્ટેશન વિસ્તાર ખુંદી વળીએ છીએ. જેમાં પોલીસમાં ફરજ બજાવતી “શી” ટીમ પણ એટલી જ મહેનતથી કામ કરે છે. પશ્ચિમ રેલવેમાં એપ્રિલ મહિનામાં શી ટીમની રચના થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં સુરત જીઆરપીએફ અને શી ટીમ દ્વારા રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલીંગ કરીને 184 વ્યક્તિઓને શોધી કાઢ્યા હતા. જેમાંથી સૌથી વધારે સગીર વયના એટલે કે 8 વર્ષથી લઇને 18 વર્ષ સુધીના મળી આવ્યા હતા. શી ટીમ દ્વારા આ તમામ 184 વ્યક્તિઓની કોલ હિસ્ટ્રી તેમજ તેઓના પરિવાર સુધી પહોંચીને તેઓનું મિલન કરાવ્યું હતું.
પ્રેમમાં પાગલ અને ઘરના સભ્યોના ઠપકાથી ઘર છોડ્યાનું પ્રમાણ વધુ
જીઆરપીએફમાં શી ટીમના સભ્ય મનીષા મધુકરએ જણાવ્યું કે, છેલ્લા 7 મહિનામાં જ 184 લોકોને પરિવાર સાથે િમલન કરાવ્યું છે. પીઆઇ મહેન્દ્ર વસાવાની ટીમે પણ ખુબ સહયોગ આપ્યો છે. મોટાભાગે નાની ઉંમરમાં સગીરાઓ અન્યના પ્રેમમાં પાગલ થઇ જાય છે અને તેઓને શોધતી શોધતી રેલવે સ્ટેશન સુધી આવી જાય છે, પરંતુ તેનો પ્રેમી મળતો નથી અને આખરે અમે તેવી સગીરાઓને શોધીને નારી હોમમાં મોકલ્યા બાદ પરિવારનો સંપર્ક કરીએ છીએ. આ ઉપરાંત નાની ઉંમરમાં બાળકોને તેના પરિવારના સભ્યો ઠપકો આપે છે ત્યારે આ બાળકો ઘર છોડીને ભાગી જાય છે.
માનસિક બિમાર ગર્ભવતી મહિલા 4 વર્ષની બાળકીને છોડી ગઈ હતી
માનસિક બિમાર મહિલા 4 વર્ષની પુત્રી સાથે સુરત આવી હતી. ત્યાર બાદ તે ખોવાઇ ગઇ હતી. શી ટીમે બાળકીને જૂવેનાઇલ હોમમાં મોકલી આપી હતી. 4 મહિના બાદ તેની માતા લેવા આવી હતી.
3 દિવસ પહેલા યુપીની સગીરા ઘર છોડીને સુરત આવી ગઈ હતી
3 દિવસ પહેલા જ યુપીથી 16 વર્ષિય સગીરા આવી હતી. માતાએ બીજા લગ્ન કરતાં તે નાનીના ઘરે રહેતી હતી. જ્યાં અયોગ્ય વર્તન થતું હતું. શી ટીમે પરિવારનો સંપર્ક કરી સોંપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.