સુરતના કતારગામ વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા અન્ય નશાયુકત દવાનું વેચાણ કરતા ધ્રુવ મેડીકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી 647 નંગ ટેબલેટ તેમજ 172 નંગ સીરપની બોટલો કબજે કરી હતી.
નશાખોરીમાં ઉપયોગમાં લેવાતી સીરપ ઝડપાઈ
સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા ટેબલેટનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. આ ઉપરાંત આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચડી રહ્યા છે. જેથી આવા મેડીકલ સ્ટોર ઉપર કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનરે સુચના આપી હતી
SOG અને ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઓપરેશન
સુરત એસઓજી પોલીસને ધ્યાને આવ્યું હતું કે કતારગામ રત્નમાલા કોમ્પ્લેક્સમાં આવેલા ધ્રુવ મેડીકલ નામના મેડીકલ સ્ટોર ઉપર કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવાનું વેચાણ થઇ રહ્યું છે. જેથી એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ડમી ગ્રાહક મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક અલ્પેશ દેવુભા ગોહિલે કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવાનું વેચાણ કર્યું હતું. જેથી એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી અહી મેડીકલ સ્ટોરમાં દરોડો પાડ્યો હતો.અહીથી પોલીસે નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી 647 નંગ ટેબ્લેટ તેમજ 172 નંગ સીરપની બોટલો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ
પોલીસે જણાવ્યું હતું કે મેડીકલ સ્ટોરમાંથી મળી આવેલા ટેબલેટ તથા સીરપના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી તેઓ દ્વારા મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.