સાવધાની અને વેક્સિન ચૂકશો નહીં:ત્રીજી લહેરમાં સંક્રમિત થયા છો તો શું કાળજી રાખશો? કેવો આહાર લઈ શકાય? જાણો નિષ્ણાત ડોક્ટર પાસેથી

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડો. પ્રતિક સાવજે કહ્યું કે, ઓમિક્રોન સંક્રમણ ઝડપથી ફેલાતું હોવાથી સાવધાની ખૂબ જરૂરી છે. - Divya Bhaskar
ડો. પ્રતિક સાવજે કહ્યું કે, ઓમિક્રોન સંક્રમણ ઝડપથી ફેલાતું હોવાથી સાવધાની ખૂબ જરૂરી છે.
  • કોરોના સંક્રમણ વધતા સરકાર માટે નવા પડકારો ઊભા થયા છે
  • વિશ્વભરમાં થયેલો સંશોધનના આધારે ક્વોરન્ટીનના નિયમોમાં ફેરફાર

સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે. ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે. સરકારની નવી નીતિ પ્રમાણે કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિને હોમ ક્વોરન્ટીન થવા માટેના કેટલાક નિયમોમાં ફેરફાર થયા છે. જે સંદર્ભમાં સુરતમાં ઇન્ફેકશન નિષ્ણાંત ડૉ. પ્રતિક સાવજ સાથે દિવ્યભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે હોમ ક્વોરન્ટીન સહિતની બાબતોમાં વિશ્વમાં થયેલા સંશોધનનો અંગેનો ચિતાર આપ્યો હતો.સાથે જે તેમણે વેક્સિન અને સાવધાની પર ખાસ ભાર મૂકવાની સાથે સાથે ઓમિક્રોનને હળવાશી ન લેવા અને સંક્રમણની અસર લાગે તો દર્દીને ઘરમાં જ આઈસોલેટ વધુ સમય રહેવાનો આગ્રહ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર: કોરોના સંક્રમિત વ્યક્તિને હવે માત્ર 7 દિવસ જ આઈસોલેશનમાં રહેવું પડશે. એ પ્રકારની નવી ગાઈડ લાઈન કેટલી યોગ્ય ?
ડૉ. પ્રતિક સાવજ : કોરોના વાઈરસને લઈને વિશ્વભરની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વકનું રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે. નવા રિસર્ચમાં કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં આવી છે. કોરોના સંક્રમિત થયેલ વ્યક્તિ ત્રણથી ચાર દિવસમાં નેગેટિવ થઈ જાય છે. સેન્ટ્રલ ઓફ ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સંસ્થાએ આ રિસર્ચ કર્યું છે.

દિવ્ય ભાસ્કર: કોરોના સંક્રમિત વ્યક્તિ 7 દિવસ માટે હોમકોરન્ટીન થાય તેના પાછળનું કારણ તમને શું લાગે છે?
ડૉ. પ્રતિક સાવજ : નવા રિસર્ચ પ્રમાણે એવું માનવામાં આવે છે કે, જ્યારે વ્યક્તિ કોરોના સંક્રમિત થયો છે. તે મોટાભાગના કેસમાં પોઝિટિવ આવતો હોય તેના એક દિવસ પહેલાથી તે સંક્રમિત થઈ ગયો હોય શકે છે. તેથી એક દિવસ પહેલાનો અને સંક્રમિત થયા બાદના પાંચ દિવસમાં તે નેગેટિવ થઈ જાય છે. નવા રિસર્ચમાં આ પ્રકારના તથ્યો સામે આવ્યા છે. જેને વિશ્વભરની અંદર સ્વીકારવામાં આવ્યું છે. તેના આધારે હોમ કવોરન્ટીનના દિવસો ઓછા કરી દેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર : કોરોના સંક્રમિત થયેલ વ્યક્તિ સાત દિવસ બાદ ઘરની બહાર નીકળી શકે?
ડૉ. પ્રતિક સાવજ: નવી જે ગાઈડ લાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેને ખૂબ કાળજીપૂર્વક સમજવાની જરૂર છે. જો વ્યક્તિ કોરોના સંક્રમિત થયો હોય અને તે પોઝિટિવ આવ્યાના બે દિવસ બાદ દવા લીધા પછી તાવ કે અન્ય કોઇ લક્ષણ ન જણાય તો તે બહાર નીકળી શકે છે. ઘણા ખરા કિસ્સામાં આપણે જોઈએ છે કે, ઘણા લોકોને સાત દિવસ સુધી પણ તાવ હોવાનું જોવા મળ્યું હતું, તો એવા સંજોગોમાં વ્યક્તિએ પોતાની રીતે પણ થોડું સાજા થવાની જરૂર છે અને બહાર નીકળવાની ઉતાવળ રાખ્યા વગર જો 3 દિવસ કરતાં પણ વધારે સતત જણાય તો તાત્કાલિક ફરીથી ડોક્ટરનો સંપર્ક કરી લેવો જરૂરી છે. આવા વ્યક્તિઓને હોમ આઇસોલેશનમાં વધારે દિવસ રહેવું પડી શકે છે અથવા તો હોસ્પિટલમાં દાખલ થવું પડે.

દિવ્ય ભાસ્કર: કોરોના સંક્રમિત વ્યક્તિ સાત દિવસ બાદ સામાન્ય રીતે કામકાજ કરી શકે?
ડૉ. પ્રતિક સાવજ : કોરોના સંક્રમિત થયા બાદ વ્યક્તિ એકાદ મહિના સુધી પોતાને અશક્તિ અનુભવે છે. તેવા અનેક દાખલાઓ આપણી સામે છે. પરંતુ તે પોતાના સામાન્ય કામકાજ કરતા હોય તે રીતે કામ કરી શકે છે. સંતુલિત આહાર લેવાનું તેણે ખાસ કાળજી રાખવી જરૂરી છે. જેથી કરીને તે ફરીથી એક વખત પોતાની રોગ પ્રતિકારક શક્તિને એકત્રિત કરી શકે અને તે સ્વસ્થ થતાં અનુભવી શકે.

દિવ્ય ભાસ્કર: કોરોના સંક્રમિત વ્યક્તિ 7 દિવસ બાદ પોતે કેવી રીતે કાળજી લઈ શકે?
ડૉ.પ્રતિક સાવજ: કોરોના સંક્રમિત વ્યક્તિ પાંચથી સાત દિવસ બાદ જ્યારે ઘરમાં કે ઘરેથી બહાર નીકળે ત્યારે તેણે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. સરકારની SOP સંપૂર્ણ રીતે પાલન કરાવવાનું રહેશે.સોશિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમોને પાળવા જરૂરી છે.

દિવ્ય ભાસ્કર: ઓમિક્રોન વાઈરસ પર વિશ્વભરનાં નિષ્ણાતોનો શું અનુભવ રહ્યો છે?
ડૉ. પ્રતિક સાવજ : ઓમિક્રોનને હળવાશથી લેવું એ ભૂલ ભરેલું છે. ઓમિક્રોન ખુબ જ ઘાતક વેરિયન્ટ છે. ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિ 15 દિવસ બાદ હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા વધી જાય છે. હાલ આપણે ત્યાં જે કેસ નોંધાઈ રહ્યા છે તે એટલા માટે ચિંતાજનક છે કે આવનારા 20થી 25 દિવસમાં આપણે ત્યાં કેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે.તેનાથી કેટલી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે તે સમજી શકાશે.

દિવ્ય ભાસ્કર: વિદેશોમાં માત્ર 5 દિવસ માટે જ હોમ આઇસોલેશન રાખવામાં આવે છે. એની પાછળનું કારણ શું હોય શકે?
ડૉ. પ્રતિક સાવજ : સાચી વાત છે. વિદેશમાં માત્ર 5 દિવસ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. અમેરિકામ CDCએ કરેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે, પાંચ દિવસ બાદ દર્દી અન્ય લોકોને સંક્રમિત કરી શકતો નથી. આ રિસર્ચ આપણી પાસે પણ અવેલેબલ છે. પરંતુ આપણે સરકાર સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધુ 1થી 2 દિવસ આઇસોલેશનના સમયમાં વધારો કર્યો છે. જેથી કરીને સંક્રમિત થઈ વ્યક્તિ અન્ય કોઈને સંક્રમિત પણ ન કરી શકે અને તે પોતે પણ ઘરમાં જ સુરક્ષિત રહી શકે.

દિવ્ય ભાસ્કર: સુરતની હાલની સ્થિતિ કેવી છે અને લોકોને શું સંદેશ આપશો?
ડૉ. પ્રતિક સાવજ: સુરતમાં ખૂબ જ વધુ કેસો પોઝિટિવ આવી રહ્યા છે. જેને લોકોએ ગંભીરતાથી લેવા જોઈએ. અગાઉ કીધું એ મુજબ ઓમિક્રોનને હળવાશથી લેવું જોખમી પુરવાર થઈ શકે. એકમાત્ર વેક્સિન જ તેનો ઉપાય છે. ઝડપથી 2 ડોઝ લેવા જોઈએ. સારી બાબતએ છે કે, નવી એન્ટિબાયોટિક દવાઓ ધીરે ધીરે ઉપલબ્ધ થવા માંડી છે. જે અસરકારક પુરવાર થઈ શકે છે.