બોલિવૂડ સિંગરની નવરાત્રિમાં ધૂમ:ફિલ્મજગતમાં 'કાલા શા કાલા ગર્લ' ગીતથી જાણીતી બનેલી પૂર્વા મંત્રીએ કહ્યું- 'બે મહિનાની પ્રેક્ટિસ બાદ ગુજરાતી ગરબા ગાવ છું'

સુરત2 મહિનો પહેલા

હાલ નવરાત્રિનો ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓને ગરબે રમાડવા માટે બોલીવૂડના મ્યુઝિશિયનો અને ગાયક પણ પરસેવો પાડી રહ્યા છે. ત્યારે બોલીવૂડમાં ‘કાલા શા કાલા ગર્લ’ તરીકે જાણીતી બનેલી સિંગર પૂર્વા મંત્રીએ સુરતીઓને ગુજરાતી ગરબા સંભળાવીને ઘેલું લગાડ્યું છે. પૂર્વા મંત્રીએ કહ્યું હતું કે, હું ગરબા ગાવા માટે મહિનાઓ સુધી પ્રેક્ટિસ કરતી હતી. ગુજરાતી ન આવડતા બે મહિના સુધી હિન્દી વર્ડમાં ગુજરાતીના લિરિક્સ શીખ્યા હતા. હાલ પૂર્વા સુવર્ણ નવરાત્રિમાં ગીત ગાઈને ખેલૈયાઓનો ઉત્સાહ વધારી રહી છે.

રોજની આઠ આઠ કલાક પ્રેક્ટિસ કરી
પુર્વાએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલીવાર ગરબા ગાવાનું હતું ત્યારે રોજની આઠ-આઠ કલાક પ્રેક્ટિસ કરતી હતી. પહેલીવાર જ્યારે પરફોર્મન્સ કર્યું ત્યારે પહેલા મને તૈયારી કરવામાં બે મહિનાનો સમય લાગ્યો હતો. સૌથી પહેલા તો લિરિક્સ શીખી હતી અને ત્યારબાદ રિહર્સલ કર્યું હતું. હું અહીં ગુજરાતી, હિન્દી અને રાજસ્થાની મિક્સ ગીતો રજૂ કરી રહી છું. કેમ કે હું માનું છું કે ગરબા એટલે ગુજરાતી ગીતો કેમ કે, એ ગીતોમાં જ લોકોને ગરબા સાંભળવાનું ગમે છે.

ઇન્દોરમાં પણ ગરબા રમાય છે
પુર્વાની ભાષા હિન્દી ભાષા છે તેમ છતાં હિન્દી થઈને ગુજરાતી ગરબા કઈ રીતે શીખ્યા તે અંગે જણાવ્યું હતું કે, ઈન્દોરમાં પણ ગરબા રમાય છે, પણ ત્યાં હિન્દી ગીતો વધારે ચાલે છે. આથી ત્યાં વધુ હિન્દી ગીતો ગવાય છે. સિંગિંગ શરૂ કર્યું તો ખબર પડી ગરબા માટે ગુજરાતી ખૂબ જ જરૂરી છે. જેથી ગુજરાતી ગીતોના હિન્દીમાં લખેલા લિરિક્સવાળું પુસ્તક ખરીદીને તેના લિરિક્સ યાદ કરતી હતી. એ સાથે જ ગીતમાં ફીલ આવે તે માટે દરેક શબ્દનો મતલબ પણ શીખતી હતી. જે માટે મેં બે મહિના સુધી સખત મહેનત કરી હતી.

ધો.11માં ઓછા માર્ક મળતા ગાયિકા બની
પુર્વાએ મ્યુઝિકની જર્ની વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મને વારસામાં જ સંગીત મળ્યું છે, ધોરણ 11માં મને ખૂબ જ ઓછા માર્ક મળ્યા એટલે મારા પિતાએ મને પૂછ્યું કે, શું થયું? ત્યારે મેં કહ્યું કે, મારે 9થી 9ની જોબ કરવી નથી. મને સિંગિંગ કરવું છે. મારા પિતા મને પ્રિન્સિપાલ પાસે લઈ ગયા અને મને પરમિશન અપાવી હતી કે હું સ્કૂલમાં આવતી પરીક્ષા આપી શકું છું. મેં સુરતથી મુંબઈ એક વર્ષ સુધી અપ-ડાઉન કરી સિંગિંગના ગુણો શીખ્યા હતા.

સોલો પફોર્મન્સમાં 20 હજાર લોકો આવેલા
પુર્વાએ વધુમાં જણાવ્યું હતું કે, સમય મળે ત્યારે ઘરે જઈ માતા-પિતા અને ભાઈ સાથે સમય પસાર કરું છું. પહેલીવાર મેં સુરતમાં જ એક કંપનીના એન્યુઅલ ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું. જેમાં 20,000 લોકો મને સાંભળવા માટે આવ્યા હતા. સુરતમાં મારું પહેલું પરફોર્મન્સ બેસ્ટ મોમેન્ટ હતી.

પુર્વાના જાણીતા ગીતો
હજીરામાં થોડાં વર્ષો માટે શાળામાં અભ્યાસ કરનાર પુર્વા એક સફળ અને સ્વતંત્ર કલાકાર છે તથા તેમણે કાલા શા કાલા, રાંઝણા વે, પાપા સોંગ વગેરે જેવાં સુપરહીટ સોંગને વોઇસ આપ્યો છે. તેમણે બપ્પી લહેરી, સોનુ નિગમ, વિશાલ-શેખર, રાહત ફતેહ અલી ખાન જેવાં દિગ્ગજ કલાકારો સાથે પણ પફોર્મ કર્યું છે.