સુરતની કોર્ટમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને કોર્ટે દોષિત ઠેરવીને 2 વર્ષની સજા ફટકારી છે. જોકે તેમને જામીન પણ મળી ગયા છે. ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલી વધારીને દિલ્હીથી ડાયમંડ નગરી સુરતમાં ધક્કા ખાવા મજબૂર કરનાર અને કેસ કરનાર પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે રાજકીય પક્ષની રીતે અમે અલગ છીએ, પરંતુ આ મુદ્દો રાજકીય નથી, સામાજિક પ્રશ્ન છે, જેથી કોર્ટમાં કેસ કર્યો હતો. આજે જે ચુકાદો આવ્યો છે એનું અમે સ્વાગત કરીએ છીએ.
કર્ણાટકમાં નિવેદન આપ્યું હતું
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ 13 એપ્રfલ 2019માં નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક 'મોદી' જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના 'મોદી' અટક ધરાવતાં સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો.
નિવેદન ધ્યાનમાં આવતાં કેસ કર્યો
પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા મોદી અટકવાળા લોકો પર કરવામાં આવેલા નિવેદનને લઈને અમારા સમાજમાં રોષ વ્યાપી ગયો હતો, જેથી મારા ધ્યાનમાં આવતાં જ સુરત કોર્ટમાં કેસ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગેના રેકોર્ડિંગ, સીડી સહિતના પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં સ્થાનિક કોર્ટ અને હાઈકોર્ટમાં પણ આ કેસને લઈને જવું પડ્યું હતું.
સમાજ માટે નિવેદન યોગ્ય નથી
કોઈપણ રાજકીય આગેવાન હોય તેમણે કોઈપણ સમાજ માટે નિવેદન આપવું ન જોઈએ એમ ઉમેરતાં પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમારા સમાજમાં પણ રોષ હતો. રાહુલ ગાંધીએ બે-પાંચ લોકોને ટાર્ગેટ કરવાની જગ્યાએ અમારા આખા સમાજ પણ નિશાન સાધ્યું હતું. એટલે અમે કેસ કર્યો હતો. હા ચોક્કસ અમે રાજકીય પક્ષની રીતે અલગ અલગ પક્ષમાં છીએ, પરંતુ આ કોઈ રાજકીય રીતે કેસ નથી કરાયો. આ સામાજિક પ્રશ્ન હોવાથી કેસ કર્યો હતો. આમાં કોઈ રાજકીય લાભ લેવાની વાત નથી.
અમારી અટક ભલે અલગ હોય, છીએ એક
તેમણે વધુમાં કહ્યું હતું કે સુરતમાં જે લોકો જે કામ કરે છે એ પ્રમાણે અટક પડતી હોય છે. કોઈ લાકડાનો ધંધો કરે તો લાકડાવાલા, દેગડવાલા, સરસવાલા, તમાકુવાલા એ પ્રકારે અટક છે, પરંતુ બધા એક જ સમાજના છે. મોદી અટક પર આ રીતની ટિપ્પણથી તમામમાં રોષ હતો એટલે કેસ કરવામાં આવ્યો હતો.
દેશમાં અન્ય જગ્યાએ પણ કેસ થયા છે
રાહુલ ગાંધી સામે દેશમાં અન્ય જગ્યાએ પણ માનહાનિના કેસ થયા હોવાનું કહેતાં પૂર્ણેશ મોદીએ કહ્યું કે હા, એ બાબત અમારા ધ્યાનમાં આવી છે. આ ચુકાદાથી અમને પણ આશા છે કે ત્યાં પણ આવકારદાયક ચુકાદા આવશે.
કોણ છે પૂર્ણેશ મોદી
પૂર્ણેશ મોદી ભારતીય જનતા પક્ષના સિનિયર નેતા છે, સાથે જ બે ટર્મથી તેઓ સુરતના ધારાસભ્ય પણ છે. અગાઉ તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સાથે મોઢ સમાજમાં તેઓ વિવિધ હોદ્દાઓ પર પણ ફરજ નિભાવે છે. સંઘ સાથે સંકળાયેલા પૂર્ણેશ મોદી દિલ્હીના નેતાઓ સાથે નિકટનો સંબંધ ધરાવતા હોવાનું પણ ઘણી વખત સામે આવી ચૂક્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.