ભાસ્કર એક્સક્લૂઝિવ:સુરતમાં પુણા, મોટા વરાછા, ઉતરાણની સરકારી સ્કૂલો ખાનગી કરતાં સારી, પ્રવેશ માટે 3 ગણી અરજી

સુરત10 દિવસ પહેલાલેખક: મનોજ તેરૈયા
  • કૉપી લિંક
પુણાની સ્કૂલમાં 200ની સામે 2000,  ઉતરાણની સ્કૂલમાં 1100  સામે 4200 અને મોટા વરાછાની સ્કૂલમાં 700ની સામે 2000 અરજી આવી. - Divya Bhaskar
પુણાની સ્કૂલમાં 200ની સામે 2000, ઉતરાણની સ્કૂલમાં 1100 સામે 4200 અને મોટા વરાછાની સ્કૂલમાં 700ની સામે 2000 અરજી આવી.
  • આચાર્યો-સ્ટાફની જહેમતને કારણે વાલીઓમાં આકર્ષણ
  • ઘણા વાલીએ ખાનગીમાંથી ઉઠાડી સરકારીમાં પ્રવેશ લીધો

નવી પેઢી બાળકોને ખાનગી સ્કૂલોમાં ભણાવવાનો આગ્રહ રાખતા હોય છે. જો કે, પૂણા મોટા વરાછા, ઉતરાણ જેવા વિસ્તારોમાં બનેલી સરકારી શાળા ખાનગીને ટક્કર મારે તેવી છે, જેને કારણે આ સ્લૂલોની ક્ષમતા કરતા 3થી 10 ગણી અરજીઓ આવી રહી છે. ઉતરાણ શાળામાં દર વર્ષે પ્રવેશ કતારો લાગે છે. મોટા વરાછાની પ્રથમ સત્રથી શરૂ થતી સ્કૂલમાં 4 ગણી અરજી આવી છે. પુણાની સ્કૂલમાં પણ લગભગ આવી જ હાલત છે.

સુમન હાઈસ્કૂલ, ઉતરાણ.
સુમન હાઈસ્કૂલ, ઉતરાણ.

પૂણા મહાત્માગાંધી સ્કૂલમાં ધોરણ 1માં 4 કલાસ મળી 200 વિદ્યાર્થી જ લેવાના હતા વધુમાં વધુ 250ની સામે 2000 અરજી આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહ સ્કૂલમાં 800 વિદ્યાર્થી ભણે છે. વધુ 300 વિદ્યાર્થી સમાવવાની ક્ષમતા સામે 4200 અરજી આવી છે. મોટા વરાછા ફાયર સ્ટેશન નજીક બનેલી નવી સ્કૂલમાં 700ની ક્ષમતા સામે 2000 અરજી આવી છે.

પ્રાથમિક શાળા, મોટા વરાછા.
પ્રાથમિક શાળા, મોટા વરાછા.

આ સ્કૂલો અંગે ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ કહ્યું હતું કે, ‘અમે પણ સરકારી સ્કૂલમાં ભણ્યા છીએ પરંતુ ત્યારે વિશેષ સુવિધા ન હતી, તેથી સદ્ધર બાળકો ખાનગી શાળાઓમાં ભણતા. આજે પાલિકા સંચાલિત ઘણી સ્કૂલોમાં તમામ સુવિધા હોવાથી આર્થિક સક્ષમ વાલીઓ પણ બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવવાનો આગ્રહ રાખી રહ્યા છે.

અમારા ગ્રુપનાં તમામ બાળકો સરકારી સ્કૂલમાં
ખાનગી સ્કૂલ માટે સક્ષમ હોવા છતાં અમારા ગ્રુપે નક્કી કર્યું છે કે બાળકોને સરકારી શાળામાં જ ભણાવવા. મોટાભાગના મિત્રોએ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. કેટલાકે ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. > પંકજ સિદ્ધપરા, સામાજિક અગ્રણી

વાલી કમિટીની હાજરીમાં જ ડ્રો કરીને પ્રવેશ
અમારી સ્કૂલમાં પ્રવેશ લેવા માટે કોર્પોરેટરો, ધારાસભ્ય, અને મંત્રી લેવલના આગેવાનો પાસે ભલામણ કરાવતા હોય છે પરંતુ અમે પ્રવેશ પ્રક્રિયા માટે ડ્રો સિસ્ટમ રાખી છે જેથી કરીને કોઈને અન્યાય થાય નહીં. વાલી કમીટીની હાજરીમાં ડ્રો કરીએ છીએ. > ચેતન હિરપરા, આચાર્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી

અન્ય સમાચારો પણ છે...