શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત બનાવાતા સાઇકલ ટ્રેક ઇજારદારો માટે ભ્રષ્ટ્રાચાર ટ્રેક બની ગયો છે. માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં સાઇકલ ટ્રેકનો કલર નિકળવાનો શરૂ થતા મોટા ભ્રષ્ટ્રાચારની ગંધ આવવા માંડી છે. ટ્રેકની લાયાબિલીટી પિરિયડ 1 વર્ષની છે. પરંતુ 3 મહિનામાં જ સાઇકલ ટ્રેક અદ્રશ્ય થવાના શરૂ થઇ જતા પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. આ મુદ્દે શાસકપક્ષ સાથે વિપક્ષનું પણ ભેદી મૌન છે. શહેરમાં સાઇકલ ટ્રેકનો રંગ ઉડવા મુદ્દે કડક કાર્યવાહી કરવાના બદલે શાસકો વધુને વધુ વિસ્તારોમાં સાઇકલ ટ્રેકને મંજૂરી આપી રહ્યા છે.
સાઇકલ ટ્રેક બનાવવાના 42.85 લાખના કામને મંજૂરી અપાઇ
ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ઉધના ઝોન-બી કનકપુરના વિવિધ વિસ્તારમાં ડામર તથા સીસી રોડ પર સાઇકલ ટ્રેક બનાવવાના રૂા.42.85 લાખના કામને મંજૂરી અપાઇ હતી.સુરત મહાનગર પાલિકાએ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 75 કિલોમીટરથી વધુનો સાઇકલ ટ્રેક તૈયાર કર્યો છે. એપ્રિલ મહિનામાં શહેરમાં નેશનલ સ્માર્ટ સિટી સમિટ યોજાઇ હતી.
શહેરમાં બનાવવામાં આવેલા સાઇકલ ટ્રેકમાં વેઠ ઉતારવામાં આવી
જેમાં દેશભરના વિવિધ શહેરોના ડેલીગેટસ સુરત આવ્યા હતા ત્યારે રાતોરાત શહેરમાં બનાવવામાં આવેલા સાઇકલ ટ્રેકમાં વેઠ ઉતારવામાં આવી છે. માત્ર ત્રણ મહિનામાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં સાઇકલ ટ્રેકનો કલર નિકળવાનો શરૂ થઇ ગયો છે. આવી જ હાલત રહી તો થોડા સમયમાં શહેરના રસ્તા ઉપરથી સાઇકલ ટ્રેક જ અદ્રશ્ય થઇ જશે.
કોન્ટ્રાક્ટરને રિપેરિંગ માટે નોટિસ અપાઈ છે
ફરિયાદ મળતા કોન્ટ્રાક્ટરને રિપેરીંગ માટે નોટીસ ફટકારવામાં આવી છે. પેમેન્ટ હાલ અટકાવ્યું છે. કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરીંગ કરાશે. - સુજલ પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર, ઉધના ઝોન
કોન્ટ્રાક્ટર સામે તપાસ કરીને પગલાં લેવાશે
રાંદેરમાં ઉગત-પાલનપુર કેનાલ રોડ પર સાઇકલ ટ્રેકનો કલર નિકળવા મુદ્દે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. કેટલા રૂપિયાના ખર્ચે સાઇકલ ટ્રેક બન્યો છે તે હાલ માહિતી નથી. - સી.બી.વસાવા, કાર્યપાલક ઇજનેર, રાંદેર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.