બોટાદમાં લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે સુરતમાં પાંડેસરાના નાગસેન નગરમાં ખુલ્લેઆમ દેશીદારૂ વેચાતો હોવાનું સામે આવ્યું છે. દિવ્ય ભાસ્કર દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી તો ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષોથી પાંડેસરાના નાગસેનનગરમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ વિસ્તારના વડીલો, યુવાનોથી લઈને નાના છોકરાઓ પણ દારૂના રવાડે ચડી ગયા છે અને મોતને પણ ભેટ્યા છે. આ વિસ્તારની મહિલાઓએ પોતાની વ્યથા દિવ્યભાસ્કરને સંભળાવતા કહ્યું હતું કે, યુવાન દીકરાઓ મોતને ભેટ્યાં, વહુ-દીકરીઓ વિધવા થઈ રહી છે છતાં કોઈ સાંભળવા વાળું નથી.
મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવી
લઠ્ઠાકાંડે ફરી એક વખત ચર્ચામાં આવતાની સાથે જ અનેક લોકો પણ સામે આવી રહ્યા છે. રાજ્યભરમાં છુપી રીતે દારૂ વેચવાની વાત કોઈ નવી નથી પરંતુ જ્યારે મોટી સંખ્યામાં લોકો આ દારૂના કારણે મોતને ભેટ્યા છે ત્યારે વહીવટી તંત્રના નિષ્ક્રિય વલણને કારણે આ ઘટના બની છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. દિવ્યભાસ્કરની ટીમે જ્યારે પાંડેસરાના નાગસેનનગરની મુલાકાત લીધી ત્યારે આશ્ચર્યજનક સ્થિતિ જાણવા મળી અને મહિલાઓએ પોતાની વ્યથા દિવ્યભાસ્કરને સંભળાવી હતી.
દારૂનું વેચાણ છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે
ઉધના, પાંડેસરા, લિંબાયતના અલગ અલગ વિસ્તારોની અંદર ઠેર ઠેર દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને જે દેશીદારૂ છે તેનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. નાગસેનનગરની અંદર દારૂનું વેચાણ છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે. સ્થાનિક મહિલાઓ અને લોકો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી રહી છે પરંતુ દારૂનો અડ્ડો હજી સુધી બંધ થયો નથી. સ્થાનિક લોકો દ્વારા અનેક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
અનેક અડ્ડાઓ ચાલે છે
વિશ્વાસભાઈ નનવણેએ જણાવ્યું કે આ વિસ્તારની અંદર અનેક અડ્ડાઓ ચાલે છે. અમે ગરીબ માણસો છીએ અમારી ફરિયાદનું કોઈ મહત્વ નથી. બેરોકટોક દારૂની ખેપ મારવાવાળા રાત્રે અમારા વિસ્તારમાં ફરતા રહે છે અને દારૂના અડ્ડાઓ પર દેશીદારૂનો સપ્લાય થતો રહે છે. ગરીબ માણસની ફરિયાદ સાંભળવાવાળો અહીં કોઈ જ નથી.
પોલીસ દારૂના અડ્ડા તરફ જોતી પણ નથી
સિંધુબેન સોનવણે જણાવ્યું કે અમારા ઘરની બાજુમાં જ વર્ષોથી દારૂનું વેચાણ થાય છે. સ્થિતિ એટલી ખરાબ છે કે વડીલોથી લઈને નાના છોકરાઓ વહેલી સવારમાં દારૂ પીવા આવી જાય છે. દારૂ પીને પોટલીઓ અમારા ઘરના ઓટલા ઉપર ફેંકે છે. અમારી વહુ દીકરીઓ ઘરની બહાર ઉભી રહે છે ત્યારે તેમને ગંદા ઈશારાઓ કરે છે અને લડાઈ ઝઘડાઓ કરે છે. અમે ઘણી વખત પોલીસને પણ કહ્યું છે પરંતુ પોલીસ માત્ર હપ્તાખોરી કરે છે. પોલીસ હપ્તો લઈને જતી રહે છે અને આ દારૂના અડ્ડા તરફ જોતી પણ નથી.
વારંવાર રજૂઆત પણ કોઈ સાંભળતું નથી
ઉષાબેનએ જણાવ્યું કે મારો પોતાનો પુત્ર દારૂની લતે ચડી ગયો છે અને મારો યુવાન ભત્રીજો પણ મોતને ભેટ્યો છે. અમારી વહુ દીકરીઓ વિધવા થઈ રહી છે. એનું એકમાત્ર કારણ દેશીદારૂ છે. પોલીસવાળાઓ પણ દારૂનો અડ્ડો બંધ કરાવતા નથી. અમારા ત્યાંના કેટલાક સારા છોકરાઓ છે તેઓ વારંવાર રજૂઆત પણ કરી આવે છે પરંતુ તેઓનું કોઈ સાંભળતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.