દાદીમાનું વક્તવ્ય સાંભળીને પ્રેરણા મળી:સુરતના PSIએ સૌરાષ્ટ્રના 100 બાળકોને દત્તક લીધાં બાળકો જ્યાં સુધી ભણશે ત્યાં સુધી તમામ ખર્ચ ઉઠાવશે

સુરત2 મહિનો પહેલાલેખક: પ્રદીપ કુલકર્ણી
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં દત્તક લીધેલાં સ્કૂલના બાળકો સાથે પીએસઆઇ જેબલિયા. - Divya Bhaskar
સૌરાષ્ટ્રમાં દત્તક લીધેલાં સ્કૂલના બાળકો સાથે પીએસઆઇ જેબલિયા.
  • વૃદ્ધાશ્રમમાં 83 વર્ષના એક દાદીમાનું વક્તવ્ય સાંભળીને પ્રેરણા મળી

સરથાણા પોલીસના PSIના સામાજિક કામોથી લોકો એટલા પ્રભાવિત છે કે તેમના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સ થઈ ગયા છે. PSIનું માનવું છે કે ફોલોઅર્સ પણ સારું કામ કરે તે માટે તેમણે અમરેલીના ધારી તાલુકાના દહિડા ગામની સરકારી શાળાના 100 બાળકોને દત્તક લીધા છે. આ બાળકો જ્યાં સુધી ભણશે ત્યાં સુધી તમામ ખર્ચ PSI એચ.એલ. જેબલિયા ઉઠાવશે.

2017માં PSIની સીધી ભરતીથી જોડાયા હતા
મૂળ જુનાગઢ-કેશોદ તાલુકાના બડોદરાના વતની PSI જેબલિયા વર્ષ 2017માં PSIની સીધી ભરતીથી જોડાયા હતા. સોશિયલ મીડિયામાં તેમના એકાઉન્ટ છે. ફરજ દરમિયાન તેઓ નાના-મોટા સામાજિક કામો પણ કરે છે અને તેની પોસ્ટ પણ કરે છે. જે જોઈને લોકો લાઇક્સ તથા ફોરવર્ડ કરે છે. આ દરમિયાન તેમના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સ થઈ ગયા હતા. એટલે હાલમાં જ તેમણે એક એવો નિર્ણય લીધો છે જેનાથી જરૂરિયાતમંદ બાળકોનું જીવનધોરણ સુધરી શકે. તેમણે દહિડા ગામના 100 બાળકોને સ્કૂલબેગ, ચોપડાં, મોજા-શૂઝ, કમ્પાસ વગેરે શૈક્ષણિક સાધનો આપવાનો પ્રણ લીધો છે.

દાદીમાએ કેક કાપીને આપેલું 15 મિનિટનું વક્તવ્ય સ્પર્શી ગયું
PSI જેબલિયાએ જણાવ્યું કે, 2019માં હું અને મારા મિત્રો બર્થ ડે સેલિબ્રેશન માટે એક વૃદ્ધાશ્રમમાં ગયા હતા. જ્યાં અમે 83 વર્ષના એક દાદીમા પાસે કેક કપાવી હતી. આ સમયે દાદીમાએ 15 મિનિટનું વક્તવ્ય આપ્યું હતું, જે સાંભળી મને સોશિયલ મીડિયા થકી સામાજિક કામો કરવા પ્રેરણા મળી હતી.

શિક્ષણ સ્તર ઊચું આવે તે ચકાસવા ટીમ પણ બનાવી
PSIએ માત્ર બાળકોને દત્તક લેવાની જાહેરાત જ નથી કરી પણ તેમનું શિક્ષણનું સ્તર ઉચું આવે તે માટે એક સિસ્ટમ પણ ગોઠવી છે. તેમણે એક મોનિટરિંગ ટીમ બનાવી રાખી છે. જે દર ત્રણ-ચાર મહિને ગામમાં જઈને બાળકોનું મોનિટરિંગ કરશે અને અગાઉ કરતા બાળકોનું શિક્ષણ સ્તર ઉચું આવ્યું છે કે કેમ? અને ન આવ્યું હોય તો તેના કારણો શોધીને તેમાં સુધારો પણ લાવશે.

અન્ય સમાચારો પણ છે...