હાલમાં કોરોનાની સ્થિતિ વચ્ચે શહેરના લાખો લોકો સામે પૂરતી આવકનો વિકટ પ્રશ્ન છે ત્યારે આવા કપરા કાળમાં પણ ઘણા લોકો પોતાની મુશ્કેલીઓ ભૂલીને અન્ય જરૂરિયાતમંદોની ચિંતા કરી રહ્યા છે. શહેરના વરાછા રચના સર્કલ પ્રભુ નગર સોસાયટી ખાતે રહેતા રિક્ષાચાલક વીરભદ્રસિંહ ઝાલાએ આ જ દિશામાં આગળ વધવાનું બીડું ઝડપ્યું છે. વીરભદ્રસિંહે પોતાની રિક્ષા પાછળ બોર્ડ મારી લખ્યું છે કે, ‘દવાખાને જવા માટે અથવા અંધ કે અપંગ વ્યક્તિ પાસેથી ભાડું લેવામાં આવશે નહીં’. પ્રથમ દૃષ્ટિએ સામાન્ય લાગતું આ વાક્ય રિક્ષા ચલાવીને પેટિયું રળતી વ્યક્તિની ઉદાર ભાવનાનું અસામાન્ય પ્રતિક છે. શહેરમાં ઘણા રિક્ષાચાલકોએ પ્રેરણા મેળવીને આવી સેવા શરૂ કરી છે.
પોતાનું દુ:ખ ભૂલીને જરૂરિયાતમંદોને મદદ કરવાનું બીડું ઝડપનારા વીરભદ્રસિંહ
આવી પ્રેરણા ક્યાંથી મળી તેવા સવાલના જવાબમાં વીરભદ્રસિંહે જણાવ્યું હતું કે મારા પિતા મહિધરપુરા હીરાબજારમાં પહેરેદાર છે. પાંચ વર્ષ પહેલાં તેમણે મને સમજાવ્યું હતું કે, આપણે ક્ષત્રિય છીએ, તેથી નિરાધાર કે દુઃખી લોકોને સહાયરૂપ બનવું તે આપણો ધર્મ છે. પિતાજીની આ વાતથી જ હું પ્રેરિત થયો અને મેં આ સેવાકાર્યની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં મેં અનેક જરૂરિયાતમંદોને વિનામૂલ્યે તેમના ઘેર અથવા હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. આ સેવા કરવામાં મને આત્મિય શાંતિ મળે છે. આ રીતે દરરોજ એકથી બે પેસેન્જરની સેવા કરવાનો લાભ મળી રહ્યો છે.
કોરોનાગ્રસ્ત બાળકીને સ્મીમેર પહોંચાડી
કાપોદ્રાની ઝુપડપટ્ટીમાં એક હિન્દી ભાષી ગરીબ પરિવારની નાની બાળકીને કોરોના હોવાથી કોઈ દવાખાને લઇ જતું નહોતું. મેં તેમને નિશુલ્ક સ્મીમેર પહોંચાડ્યા. તેમની પાસે દવાના પણ પૈસા નહોતા. કંઈ કામ પડે તે માટે મેં ફોન નંબર આપ્યો તો તેઓ ભાવવિભોર થઈ રડી પડ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.