સુરત ઔદ્યોગિક નગરી છે. તમામ પ્રકારના વ્યવસાયો અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તરેલા છે. ઉદ્યોગ જગતને લઈને સરકાર જ્યારે કોઈ પણ નિર્ણય કરતી હોય છે. ત્યારે પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે વેપારી પર તેની સીધી અસર થતી હોય છે. જીએસટીના દરમાં વધારાના નિર્ણયને લઈને કાપડ ઉદ્યોગ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે હવે ફૂટવેર ઉદ્યોગ સાથે જોડાયેલી એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. ઉધના દરવાજા ખાતે ફૂટવેર એસોસિએશનના વેપારીઓએ ભેગા થઈને કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.વેપારીએ જીએસટીનો દર 5 ટકા યથાવત રાખવાની માગ કરી છે.
સરકારમા રજૂઆત
ટેક્સટાઇલ ઉદ્યોગની માફક જ ફૂટવેર ઉદ્યોગ ઉપર પણ જીએસટી દરમાં વધારો કરવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. ફૂટવેર ઉપર હાલ પાંચ ટકા જીએસટી લગાડવામાં આવી રહ્યો છે. જેને વધારીને 12 ટકા કરવાનો નિર્ણય કરાતા જીએસટી મુદ્દે વિરોધના સૂર ઊઠી રહ્યા છે. કોરોના કાળમાં લોકોની આવક ઘટી છે અને જીએસટીમાં જ વધારો થાય તો ચીજ વસ્તુઓ ઉપર પણ તેની સીધી મોંઘવારીની અસર થતી હોય છે. આવી સ્થિતિમાં ફૂટવેર ઉપર જીએસટી વધારવામાં આવે તો ગ્રાહકો ખરીદવાનું ઘટાડી શકે છે અને તેની સીધી અસર ઉદ્યોગ ઉપર થવાની શક્યતા છે. ફૂટવેર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પણ હવે જીએસટી યથાવત રાખવા માટે સરકારને રજૂઆત કરી રહ્યા છે.
ફેરવિચારણાની જરૂર
વેપારી સ્વપ્નિલ કોઠારીએ જણાવ્યું કે, જીએસટી કાઉન્સિલ દ્વારા એક હજાર રૂપિયાની એમઆરપી નીચેની પ્રોડક્ટ પર 12% જી.એસ.ટી વધારવાનો નિર્ણય કર્યો છે. અમે ફૂટવેરના વેપારીઓ મહદઅંશે એક હજારથી નીચેના બૂટ-ચપ્પલ વેચતા હોઈએ છીએ. જેથી જીએસટી પાંચ ટકાને બદલે 12% ટકા લેવામાં આવશે તો તેની સીધી અસર અમારા વેચાણ ઉપર થશે. સરકાર પાસે અમારી માગણી છે કે, જીએસટી 5% યથાવત રાખવામાં આવે. જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે કંપનીઓ પાસેથી ખરીદવાનું બંધ કરી દઈશું. જેથી કરીને અમારી ખરીદીમાંથી સરકારને જે જીએસટી અમે ચૂકવીએ છીએ તે બંધ થઈ જશે અને સરકારને પણ તેનું નુકસાન થશે. જીએસટી કાઉન્સિલ દ્વારા જે નિર્ણય લેવાયો છે તેને ફેરવિચારણા કરવાની જરૂર છે.
હવે CR અને CM પણ રજૂઆત કરાશે
‘સરકારે ફૂટવેર પર જીએસટીનો દર વધાર્યો છે, જેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં મોટા ભાગની ફૂટવેર શોપ બંધ હતી. એસોસિએશન હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે.’ -રાહુલ બાફના, મંત્રી, ફૂટવેર એસો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.