દુષ્કર્મીને ફાંસી આપવા માંગ:દિલ્હીમાં વાલ્મિકી સમાજની દીકરી ઉપર થયેલા દુષ્કર્મ મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન, આરોપીના પુતળાને જાહેરમાં ફાંસી આપી

સુરત3 મહિનો પહેલા

દિલ્હીમાં વાલ્મિકી સમાજની નવ વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મને લઈને દેશભરના વાલ્મિકી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે સુરતના રામપુરામાં આવેલા વાલ્મિકી નગરમાં આ દુષ્કર્મ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.

વાલ્મિકી નગર ખાતે લોકોએ પોસ્ટર બેનર સાથે એકત્રિત થઈને ન્યાયની માંગણી કરી હતી. સમાજના લોકોએ પ્રતીકાત્મક રીતે ઝાડ ઉપર આરોપીના પૂતળાને લટકાવીને ફાંસીની સજા આપી વિરોધ વ્યક્ત કર્યો હતો. અંદર થોડા દિવસ અગાઉ યુપીના હાથરસમાં બનેલી ઘટના હોય કે દિલ્હીમાં તાજેતરની દુષ્કર્મની ઘટના હોય તેના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડ્યા છે. વિશેષ કરીને કોઇપણ બાળકી ઉપર નરાધમો આ પ્રકારે સૃષ્ટિ વિરુદ્ધનું કરતા હોય અથવા તો બળાત્કાર જેવી ઘટનાને અંજામ આપીને તેની હત્યા કરી નાખતા હોય તે ખરેખર સભ્ય સમાજ માટે ખૂબ જ દુઃખદ બાબત છે.

સમગ્ર કેસની CBI તપાસ થવી જોઇએઃ કિરીટ વાઘેલા
સમગ્ર કેસની CBI તપાસ થવી જોઇએઃ કિરીટ વાઘેલા

દુષ્કર્મીને ફાંસીની સજા આપવી જોઈએઃ વાલ્મિકી સમાજ
આ અંગે વાલ્મિકી સમાજના અગ્રણી કિરીટ વાઘેલાએ જણાવ્યું કે અવારનવાર દેશમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે. દિલ્હીમાં નવ વર્ષની બાળકીને જે રીતે પીંખીને તેની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે તે આ સમગ્ર દેશ માટે શરમજનક છે. કેટલાક વર્ગના લોકો દલિત સમાજની યુવતીઓ અને બાળકોને ટાર્ગેટ કરીને આ પ્રકારનું કૃત્ય આચરતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને લઇને વાલ્મિકી સમાજની લાગણી સમયાંતરે દુભાતી રહી છે, પરંતુ ક્યારેય ન્યાય મળ્યો નથી. બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા આપવી જોઈએ. તેમજ સમગ્ર કેસની CBI તપાસ થવી જોઇએ.