સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડના આરોપિતો સામે તાજેતરમાં જ ચાર્જફ્રેમ થયું છે. તે પછી કેટલાક આરોપીઓ જામીન ઉપર પણ છે. તે પૈકીના પાલિકાના ફાયર ઓફિસર તથા જુનિયર ઇજનેરને પરત નોકરી ઉપર લેવાના નિર્ણય સામે ગુરૂવારે 22 મૃતક વિદ્યાર્થીઓના વાલીઓએ મુગલીસરા પાલિકા કચેરી ઉપર વિરોધ નોંધાવી બંનેને ડિસમસ કરવાની માંગ કરી હતી. સાથે કોર્ટમાં 173(8) મુજબની અરજી કરી કાનુની રાહે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે.
કડોદરા રોડના જયસુખભાઇ ગજેરાએ પાલિકા કમિશનર અને મેયરને આપેલાં આવેદનમાં જણાવ્યું કે, તક્ષશિલા અગ્નિકાંડના આરોપી તરીકે જુનિયર ઇજનેર અતુલ ગોરસાવાલા તથા ફાયર ઓફિસર એસ. કે. આચાર્યનો પણ છે. કેસમાં ચાર્જફ્રેમ થયાં બાદ અતુલ ગોરસાવાલા અને એસ.કે.આચાર્ય જામીન પર છૂટ્યા બાદ બંનેને પાલિકાએ ફરજ પર ફરીથી લીધાં તે યોગ્ય નથી.બિલ્ડર હસમુખ વેકરીયા, રવિન્દ્ર કહાર અને સવજી પાઘડાળની પત્નીને આરોપી બનાવવા ફરિયાદ પક્ષ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે આ અરજી નામંજુર કરી હતી. દરમિયાન મુળ ફરિયાદી તરફેના વકીલ પિયુષ માંગુકીયા દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે.
પીએમ કરનાર તબીબની સરતપાસ કરાઇ
તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓનું પીએમ કરનાર વધુ એક તબીબ સ્મીમેરના ડો.રાજેશ એન.પટેલની સરતપાસ અને ઉલટ તપાસ કરાઇ હતી.22 માસુમ મૃતકો પૈકી ખુશાલી કિરીટ કોઠાડીયા (કડોદરા), હસ્તી હિતેશ સુરાણી (સરથાણા) તથા યશ્વી દિનેશ કેવડીયા (નાના વરાછા)નું સ્મીમેરના તબીબ રાજેશ એન.પટેલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.