ભેસ્તાનમાં ખખડધજ આવાસ બનાવનાર ઇજારદાર એ.એમ. ભંડેરીને પાલનપોર અને ભેંસાણમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો નિર્માણ કરવાનું રૂા.47.61 કરોડનું કામ સોંપવાની દરખાસ્ત ભારે વિવાદ થતાં આખરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દફતરે કરવામાં આવી છે.
આ અંદે પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, ભેસ્તાનના સરસ્વતી આવાસ પ્રકરણમાં હજુ સુધી માંકડિયા તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યો નથી.
સ્થાયી ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, આવાસ ૭ વર્ષમાં જ જર્જરિત થઇ જાય તે ગંભીર બાબત છે. આ કેસમાં તપાસ રિપોર્ટ અઠવાડિયામાં આવી જશે. ટી.પી સ્કીમ નં 9 પાલનપોર-ભેંસાણ ફાઇનલ પ્લોટ નં 174 ખાતે ઇડબલ્યુએસ-2 કેટેગરીના 588 આવાસો બનાવવાનું રૂા. 47.61 કરોડનું કામ દફતરે કરાયું છે.
નોંધનીય છે કે, ભેસ્તાનના સરસ્વતી આવાસમાં વિવાદી ઇજારદાર એ.એમ. ભંડેરીએ 20 ટાવરમાં 640 આવાસ બનાવ્યા હતા. જો કે, માત્ર 5 વર્ષમાં જ આવાસ જર્જરિત થઇ ગયા હતા. આ જર્જરિત આવાસમાં સ્લેબ તેમજ પોપડા પડવાથી અત્યાર સુધીમાં 3 રહીશોનાં મોત પણ થઇ ચૂક્યા છે. આગામી અઠવાડિયે તપાસ કમિટી શું રિપોર્ટ આપે છે એના પર સૌ કોઈની મીટ મંડાઈ છે.
જો તપાસમાં ઈજારદાર કસૂરવાર સાબિત થાય છે તો તેની સામે બ્લેકલિસ્ટ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે કે કે કેમ તેમાં પણ શાસકો નું પાણી મપાઈ જશે. હાલમાં ઇજારદારનાં શહેરમાં પ્રધાનમંત્રી આવાસનાં કામો ચાલી રહયા છે.
અગાઉની વિજિલન્સ તપાસનો રિપોર્ટ પણ માંકડિયાએ મેળવ્યો
ભેસ્તાન આવાસ મામલે રિપેરિંગ કઇ રીતે થઇ શકે, કેટલું નુકશાન છે તે માટે તજજ્ઞની ટીમ બનાવવા નક્કી થયું હતું ત્યારે સ્લમ અપગ્રેડેશન સેલ ડે. કમિ. કેતન પટેલ પાસે હતો. પરંતુ કમિશનર એમ.થૈન્નારાશને ફાઇલ સાથે સેરો મારીને વિજીલન્સનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ વિજિલન્સ વિભાગના જે.એન.ચૌહાણની ટીમે તપાસ કરી રિપોર્ટ આપ્યો હતો.
જે હાલમાં તપાસ કરતાં અધીકારી આર.જે.માકડિયાએ પણ મેળવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરભંડેરીએ 2012-13માં બાંધકામ શરૂ કરી 2014માં હેન્ડ ઓવર કર્યું, બાંધકામ ડિફેક્ટ લાયબિલિટી પિરીયર્ડમાં જ લીકેજ થાય છે. સ્ટ્રકચરલમાં પોપડા પડે છે, પ્લાસ્ટર કોલમમાં તિરાડ હોવાનો નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.