દરખાસ્ત:જિલ્લાની 13 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નીમવા માટેની દરખાસ્ત મોકલાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીપંચ દ્વારા કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી
  • એપ્રિલ માસમાં સરપંચ અને સભ્યોની મુદત પૂરી થાય છે

આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ તેવી શક્યતાઓ વચ્ચે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ સુરત જિલ્લાની 13 જેટલી ગ્રામ પંચાયતોની ચાલુ માસે મુદત પૂરી થતી હોવા છતાં ચૂંટણી પંચે જાહેરનામું બહાર નહીં પડતા આ ગામમાં વહીવટદાર નીમવા માટે જિલ્લા પંચાયત દ્વારા સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી છે.

સુરત જિલ્લાના માંડવી, ઉમરપાડા અને માંગરોળ તાલુકાની 13 ગ્રામ પંચાયતોની મુદ્દત એપ્રિલ માસમાં પૂરી થઈ રહી છે. સામાન્ય રીતે ચૂંટણીના નિયમો અનુસાર ગ્રામ પંચાયતોની મુદત પૂરી થાય તેના પહેલા દોઢ મહિના અગાઉ ચૂંટણી પંચ જાહેરનામું બહાર પાડી દેતું હોય છે. સાથે સાથે ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડના સભ્યો ના રોટેશન પણ જાહેર થતા હોય છે.

જોકે, આ વખતે ચૂંટણીપંચ દ્વારા જાહેરનામુ બહાર નહીં પાડવામાં આવતા સુરત જિલ્લા ચૂંટણી તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે. 13 ગ્રામ પંચાયતોની મુદત પૂરી થાય છે. ત્યારે હજુ ચૂંટણીપંચ દ્વારા જાહેરનામુ નહીં બહાર પડાતા આ ગ્રામ પંચાયતોમાં વહીવટીદારની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા જિલ્લા પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

આ ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવા માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. નિયમાનુસાર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કોઈ નિર્દેશ ન મળે કે જાહેરનામુ બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી ચૂંટણીની કામગીરી શરૂ થઈ શકતી નથી.એટલે હવે આ ગ્રામ પંચાયતો વહીવટદાર ના હાથમાં રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે મે મહિનામાં સુરત જિલ્લાની વધુ સાત જેટલી ગ્રામ પંચાયતોની મુદત્ત પુરી થઈ રહી છે. ત્યારે આ ગ્રામ પંચાયતોમાં પણ વહીવટદાર મુકાય તેવી શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...