આક્ષેપ સાથે વિરોધ:સુરતમાં સરકારનો અન્નોત્સવ કાર્યક્રમ શાળામાં યોજાતા 'આપ' દ્વારા વિરોધ, ભાજપ-'આપ'ના કોર્પોરેટરો વચ્ચે શાબ્દિક ટપાટપી

સુરત3 મહિનો પહેલા
વિરોધ પક્ષના નેતા સહિતના આપના નેતાઓ વિરોધ કરવા પહોંચ્યા હતા.
  • શાળામાં શૈક્ષણિક કાર્યને ખલેલ પહોંચાડીને પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ

સુરતમાં સરકારના અન્નોત્સવ કાર્યક્રમને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે. સત્તાનો દુરુપયોગ કરીને શાળાઓમાં ઉત્સવો ઊજવી રહ્યા છે. સરકારના અન્નોત્સવ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીએ મગોબ ખાતે આવેલી શાળા નંબર-87માં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના કોર્પોરેટરો ત્યાં હાજર હોવાથી આપ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.

કાર્યક્રમ દરમિયાન શિક્ષકો પણ અન્નોત્સવના કાર્યક્રમમાં જોડાયા
આમ આદમી પાર્ટીએ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક કાર્યને ખલેલ પહોંચાડતું હોવાની વાત ત્યાં હાજર ભાજપના કોર્પોરેટરોને કરી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો પણ અન્નોત્સવના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમજ બીન શૈક્ષણિક સ્ટાફ પણ કાર્યક્રમના આયોજનમાં લાગી ગયા હતા. મોટી સંખ્યામાં શાળામાં લાભાર્થીઓને ભેગા કરવામાં આવ્યા હતા. અંદાજે 200 કરતાં વધુ લાભાર્થીઓને શાળામાં બોલાવીને ઉજવણી કરવામાં આવી.

ગરીબોને લાભથી વંચિત રાખવા માટે વિરોધ કરતા હોય તેવું લાગી રહ્યું છેઃ ભાજપ કોર્પોરેટર
ભાજપના કોર્પોરેટર મનીષા આહિરે જણાવ્યું કે આમ આદમી પાર્ટી માત્ર વિરોધ કરી રહી છે. ગરીબોને અનાજ આપવાની સરકારની યોજનાનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી ગરીબોને અનાજ જ સરકાર આપે તે સહન થતું નથી એવું લાગે છે. માત્ર વિરોધ કરવાની નીતિને કારણે તેઓ ગરીબોને લાભથી વંચિત રાખવા માટે વિરોધ કરતા હોય તેવું લાગી રહ્યું છે. હવે ભાજપના ખેસ કે બેનર નથી લગાડ્યા.

મોટી સંખ્યામાં આપના કોર્પોરેટરો કાર્યકરો સાથે કાર્યક્રમમાં પહોંચી ગયા હતા.
મોટી સંખ્યામાં આપના કોર્પોરેટરો કાર્યકરો સાથે કાર્યક્રમમાં પહોંચી ગયા હતા.

શૈક્ષણિક કાર્યમાં દખલ થાય એ રીતના કાર્યક્રમ કરવાની કોઈ જરૂરિયાત નથીઃ આપના કોર્પોરેટર
કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે શૈક્ષણિક કાર્યમાં દખલ થાય એ રીતના કાર્યક્રમ કરવાની કોઈ જરૂરિયાત નથી. કાર્યક્રમ શાળામાં કરવામાં આવતો હોય ત્યારે બે-ત્રણ દિવસ અગાઉથી શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તૈયારીમાં લાગી જાય છે. પરિણામે બાળકોના અભ્યાસ ઉપર અસર થાય છે. શાળાઓમાં સ્ટેજ બનીને ભાજપના નેતાઓ શા માટે સ્ટેજ ઉપર બેસી જાય છે. સરકારનો કાર્યક્રમ છે તો ભાજપના નેતાઓ શા માટે આવી રીતે કરી રહ્યા છે.

ભાજપ અને આપના કાર્પોરેટરોએ સામ સામે આક્ષેપો કર્યા હતા.
ભાજપ અને આપના કાર્પોરેટરોએ સામ સામે આક્ષેપો કર્યા હતા.

ગરીબોના ઘરે સીધું અનાજ પહોંચે તેવું આયોજન કેમ નથી કરતાઃ આપના કોર્પોરેટર
ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું કે ગરીબોને લાભ આપવાની ખરી દાનત હોય તો સસ્તા અનાજની દુકાનેથી ગરીબોના ઘરે સીધું અનાજ પહોંચે તેવું આયોજન કેમ નથી કરતા. સસ્તા અનાજની દુકાનમાં પણ ઘણા લાભાર્થીઓને અનાજ અપાવી શકવામાં ભાજપ નિષ્ફળ થાય છે. સત્તાનો દુરુપયોગ કરીને શાળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને એકત્રિત કરવાનો કોઈ અર્થ નથી. ભાજપ કામ ઓછું અને દેખાવ વધારે કરવામાં માને છે.