ભાજપનું સ્નેહમિલન:ભાજપનું શક્તિપ્રદર્શન અને અડધું સુરત અટવાયું, મુખ્યમંત્રીએ કાર્યકરોને કહ્યું- ગાંધીનગર આવો તમારો વટ પાડી દઈશ

સુરત2 મહિનો પહેલા
મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા.
  • 2022ની ચૂંટણીમાં આઝાદી પછી સૌથી વધુ બેઠકો જીતીને રેકોર્ડ બનાવજોઃ અમિત શાહ
  • આજે હું અહીંયા બેઠો છું તમે પણ અહીં (CM) બેસી શકો છોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પટેલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને સીઆર પાટીલ રેલી દ્વારા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. રેલીના કારણે અડધું શહેર અટવાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. નિર્મલ હોસ્પિટલથી લઈને અઠવાગેટ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ વર્ચ્યુલી જોડાયા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જેમ અમે અહીં આવ્યા તો અમારો વટ પાડી દીધો, તેમ તમે ગાંધીનગર આવો હું તમારો વટ પાડી દઈશ.

સુરતે નામેય ભાજપને હાર આપી નથીઃ અમિત શાહ
ભાજપના સ્નેહમિલનમાં વર્ચ્યુઅલી જોડાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપના તમામ કાર્યકર્તાઓને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું. હવે સ્વછતામાં હવે નંબર-1નું સ્થાન મેળવજો. સુરતમાં લઘુભારત છે એટલે સુરતમાં વિજય એટલે દેશભરમાંથી મેન્ડેટ આપ્યો છે એવું સમજવું. સી. આર. પાટીલનો પેજ પ્રમુખનો પ્રયોગ આજે દેશભરના પાર્ટી કાર્યકર્તા માટે મોડેલ રૂપ બન્યું છે. સીઆર પાટીલને કહ્યું છે કે ડિસેમ્બરમાં કાર્યક્રમ ગોઠવજો હું ચોક્કસ આવીશ. ગુજરાતની જનતાએ ભાજપને સાથ-સહકાર આપ્યો છે. સુરતે તો નામેય ભાજપને હાર આપી નથી. 2022ની ચૂંટણીમાં આઝાદી પછી સૌથી વધુ બેઠકો જીતીને રેકોર્ડ બનાવજો.

સુરતના કાર્યકર્તાઓએ મારો વટ પાડી દીધોઃ ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેર ભારતમાં બીજા સ્થાને આવ્યું છે તેના માટે અભિનંદન છે. સુરતના કાર્યકર્તાઓએ મારો વટ પાડી દીધો છે. કાર્યકર્તા મારામાં જીવંત રહ્યો છે એ તમારા કારણે થયું છે. આજે હું અહીંયા બેઠો છું તમે પણ અહીં (CM) તરીકે બેસી શકો છો. જેમ અમે અહીં આવ્યા તો અમારો વટ પાડી દીધો તેમ તમે ગાંધીનગર આવો હું તમારો વટ પાડી દઈશ.

આ છે ભાજપની તાકાતઃ પાટીલ
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે આ છે ભાજપની તાકાત. ભાજપના કાર્યકરોના કારણે ભાજપની આ તાકાત ઊભી થઈ છે. ભાજપના કર્યકરોના કારણે જ ભાજપ આ સ્થાન સુધી પહોંચી શકી છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું માર્ગદર્શ સતત મળતું રહે છે.

બાઈક રેલીને કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામ
કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનો આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પટેલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે. જ્યારે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા છે. ભાજપની બાઈક રેલીને કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને દર્શના જરદોષ સ્ટેજ પર પહોંચ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને દર્શના જરદોષ સ્ટેજ પર પહોંચ્યા.

કાર્યક્રમને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ
સ્નેહમિલન કાર્યક્રમને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતોછે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી પડ્યા હતા અને તમામ કાર્યકર્તાઓએ કેસરી સાફો પહેર્યો હતો. દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતભરના ઉત્સાહનો સંચાર થયો છે. સુરત ઇતિહાસ રચવામાં માને છે.

સ્વચ્છતામાં દ્રિતીય ક્રમાંક મેળવવા બદલ અભિનંદન આપ્યા.
સ્વચ્છતામાં દ્રિતીય ક્રમાંક મેળવવા બદલ અભિનંદન આપ્યા.

સુરત મહાનગરપાલિકા ટીમ અને સફાઈમિત્રોને પ્રોત્સાહિત કર્યા
કેન્દ્ર સરકારના 'સ્વચ્છતા સર્વેક્ષણ-2021' અંતર્ગત સુરતને દેશભરમાં સ્વચ્છતામાં દ્રિતીય ક્રમાંક, '5 સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી' અને 'સ્વચ્છતા મિત્ર સુરક્ષા ચેલેન્જમાં પાંચમો રેન્ક' પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત એરપોર્ટ પર સુરત મહાનગરપાલિકા ટીમ અને સફાઈમિત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પાલિકાના તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવી શિરમોર સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સુરત મહાનગરપાલિકાના વિભાગીય અધિકારીઓ, સફાઈમિત્રો, આરોગ્ય અધિકારીઓ, વિવિધ ઝોનના સ્ટાફ સાથે સામૂહિક તસવીર ખેંચાવીને ઉત્સાહ અને જુસ્સો વધાર્યો હતો. મુખ્યમંત્રીએ સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાને પણ સન્માનિત કરી હતી. સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું બેન્ડ વાજાની મધુર સૂરાવલિ છેડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાટીલનું કદ મજબૂત
સમગ્ર રાજ્યમાં જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કામ કરી રહ્યા છે. તે જોતાં સ્વભાવિક રીતે જ તેમની મહત્વકાંક્ષાને લઈને પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઝળહળતી સફળતા અપાવવા માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સી.આર.પાટિલ માટે આંતરિક કલહ ને પહોંચી વળવું સૌથી વધુ કપરું લાગી રહ્યું છે. સી.આર.પાટીલ માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીમાં જે પ્રકારે ભાજપને સફળતા આપવામાં તેમની રણનીતિ કારગર સાબિત થઈ છે. તેને કારણે પાર્ટીમાં તેમનું કદ વધુ મજબુત થઇ રહ્યું છે.

રોડ શો કરી મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા.
રોડ શો કરી મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા.

ખટરાગ તાકાતથી દબાશે
સી.આર.પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ખૂબ જ ઊંચી લીડથી જીતતા આવ્યા છે. સી. આર. પાટીલનું માઈક્રો મેનેજમેન્ટ અને કાર્યકર્તાઓની ફોજ ને કારણે તેઓ દક્ષિણ ગુજરાતમાં કદાવર નેતા તરીકેની ઇમેજ ઊભી કરવામાં સફળ રહ્યા છે. કાશીરામ રાણા બાદ પાટીલે પોતાનો દબદબો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બનાવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ બની ગયા બાદ સી.આર.પાટીલ હવે ભાજપના પ્રથમ પંક્તિના નેતાઓમાં ગણાય છે. ગુજરાતમાં સી.આર.પાટીલને લઈને જે થોડા ઘણા અંશે પણ સંગઠનાત્મક રીતે ખટરાગ દેખાઈ રહ્યો છે. તેને સ્નેહમિલન કાર્યક્રમ થકી પોતાની તાકાત બતાવવી દેવાનો પૂરતો પ્રયાસ કરશે.

ભારત માતા કી જયના નારા લગાવાયા.
ભારત માતા કી જયના નારા લગાવાયા.

ભવ્ય સ્ટેજ બનાવ્યું
સ્નેહમિલન સમારોહમાં શહેરના 30 હજાર કરતાં વધુ કાર્યકર્તાઓ હાજર રહેશે. સમારોહ માટે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડમાં એલઇડી ટીવી ગોઠવવામાં આવી છે. ગ્રાઉન્ડની બહાર 72/18 ઇંચની એલીડી ગોઠવવામાં આવી છે. કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને ઉપસ્થિત રહેવાના હોવાથી શહેર ભાજપ સંગઠનમાં જુસ્સો અને જોમ વધુ મજબૂત થયો છે.