સુરતમાં ટ્રાફિક શાખાના લોકરક્ષકે ચૂંટણી દરમિયાન બેલેટ પેપરમાં આપ પાર્ટીને મત આપી તેનો ફોટો ટ્વીટર પર અપલોડ કર્યો હતો અને તેમાં એક મોકો કેજરીવાલને એક મોકો ઇસુદાનને જેવું લખાણ લખ્યું હતું. આ મામલે તેની સામે સુરત સાયબર સેલના પી.આઈ દ્વારા આચારસંહિતા ભંગ અંતર્ગત ગુનો નોંધાયો છે.
લોકરક્ષકના જવાનને મતદાન બાદ સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરવો ભારે પડ્યો
હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્ણ થઇ છે. ત્યારે સુરતમાં ટ્રાફિક શાખાના લોકરક્ષક હિરેન મુકેશભાઈ જેતાણી દ્વારા 25 નવેમ્બરના રોજ બેલેટ પર મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેણે જે પાર્ટીને મત આપ્યો છે તે ફોટો પાડીને સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું જે ચૂંટણી બાદ તેને હવે ભારે પડી રહ્યું છે. લોકરક્ષક હિરેન જેતાણી દ્વારા આપ પાર્ટીને આપેલા મતદાનનો ફોટો ટ્વીટર પર અપલોડ કર્યો હતો. અને તેમાં એક મોકો કેજરીવાલને અને એક મોકો ઇસુદાનને એવું લખાણ લખી આમ આદમી પાર્ટીના ઉમેદવારની ચૂંટણીની તકો વધારવાનું કાર્ય વ્યાજબી કારણ વિના પોતાની હોદાકીય ફરજનો ભંગ કર્યો હતો.
સાયબર સેલ દ્વારા નોંધાયો ગુનો
આ મામલે સુરત શહેરમાંથી સરકારી કર્મચારીઓએ આ રીતે ફેસબુક અને ટવીટર પર મુકેલા ફોટાની તપાસ કરી રહેલી સુરત સાયબર ક્રાઈમને આ હકીકત જાણવા મળી હતી. તે હકીકતની ખરાઈ કર્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા તેમજ વિધાનસભા ચૂંટણી માટે બલ્ક એસએમએસ અને સોશીયલ મીડિયા દેખરેખ માટેના નોડલ ઓફિસર જી.એમ.હડીયાએ ચૂંટણી બાદ પોતાની હોદ્દાકીય ફરજનો ભંગ કરનાર લોકરક્ષક હિરેન જેતાણી વિરુદ્ધ લોક પ્રતિનિધિત્ત્વ અધિનિયમ 1951ની કલમ 129 (2) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.