ભણતરને અસર:સુરતમાં પ્રાથમિક શાળાઓ શરૂ, કોરોનાકાળમાં શાંત બની ગયેલા વિદ્યાર્થીઓને લખવામાં મુશ્કેલી પડી રહ્યાનું શિક્ષકોનું તારણ

સુરત4 દિવસ પહેલા
વિદ્યાર્થીઓ સ્કૂલે આવતાં થયાં બાદ શિક્ષકોના ધ્યાનમાં ચોંકાવનારી બાબતો સામે આવી.
  • બાળકોને ફરી લખતા કરવા એ શિક્ષકો માટે પડકાર-આચાર્ય

કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા નાના ભૂલકાઓને શાળામાં મોકલવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. સોમવારથી શરૂ થયેલી શાળા આજથી રાબેતા મુજબ તમામ વિદ્યાર્થીઓ સંમતિ પત્ર સાથે પૂર્ણ સંખ્યામાં હાજર વર્ગખંડમાં દેખાયા હતાં. અત્યાર સુધીમાં ખંડમાં આવેલા બાળકોનું નિરીક્ષણ કરતા તેમના વર્તનમાં બદલાવ જોવા મળ્યો હોવાનું કહેતા શિક્ષકોએ ઉમેર્યું કે, બાળકો ખૂબ જ શાંત દેખાયા હતા.બાળકોમાં લખવાની પ્રેક્ટિસ ખૂબ ઓછી થઈ ગઈ હોય તે ચિંતાજનક છે.

કોરોનાકાળમાં ઘરે રહેલા વિદ્યાર્થીઓમાં તોફાન ઓછા દેખાય છે.
કોરોનાકાળમાં ઘરે રહેલા વિદ્યાર્થીઓમાં તોફાન ઓછા દેખાય છે.

લખવામાં સૌથી વધુ મુશ્કેલી
દોઢ-બે વર્ષ પછીના સમયગાળા બાદ શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી શાળામાં આવી રહ્યા છે. અત્યાર સુધી બાળકો ઓનલાઇન અભ્યાસ કરતા હતા. પરંતુ હવે ફરીથી તેઓ રાબેતા મુજબ ઓફલાઈન અભ્યાસ શરૂ કરી રહ્યા છે. ઘણા સમયથી તેઓ શાળાએ આવ્યા ન હોવાથી શિક્ષકોએ એક બાબતની ચિંતા વ્યક્ત કરી છે. જેમાં બાળકો લખવાનો ભૂલી ગયા હોય તેવું રહ્યું છે. શાળાના વર્ગમાં બાળકોને લખવા માં સૌથી વધુ મુશ્કેલી આવ્યો હવાનું શિક્ષકોના ધ્યાન પર આવ્યું છે.

વિદ્યાર્થીઓના લખવાના સમયમાં પણ ફેરફાર થયો છે.
વિદ્યાર્થીઓના લખવાના સમયમાં પણ ફેરફાર થયો છે.

બાળકો શાંત થયાનું તારણ
સામાન્ય રીતે વર્ગખંડમાં બાળકો ખૂબ જ મસ્તી કરતા હોય છે અને તે પણ નાના ભૂલકાઓ માં આ બાબત તેમના વર્ગખંડ માં આપણને જોવા મળતી હોય છે. પરંતુ જે બાળકો શાળામાં આવ્યા છે તેઓના વર્તનમાં બદલાવ જોઈને શિક્ષકો પણ આશ્ચર્યચકિત છે. બાળકો એકબીજા સાથે વાત કરતા અને મસ્તી કરતા પણ ખૂબ ઓછા જોવા મળ્યા. માનસિક રીતે ઘરે છત રહેવાના કારણે તેઓ શાળાની શરૂઆતના દિવસોમાં ખૂબ શાંત દેખાયા અને શિક્ષકો જે પ્રમાણે કહેતા હતા તે પ્રમાણે તેઓ અનુસરતા દેખાયા હતા.

સ્પીડની સાથે અક્ષરો પણ નબળાં થઈ રહ્યાનું સામે આવ્યું છે.
સ્પીડની સાથે અક્ષરો પણ નબળાં થઈ રહ્યાનું સામે આવ્યું છે.

બાળકોને લખતાં કરવા પડકાર
પ્રેસિડન્સી શાળાના આચાર્ય કુમારી દીપીકા શુક્લાએ જણાવ્યું કે, ઓનલાઇન અભ્યાસને કારણે બાળકો પોતાના ઘરમાં રહીને અભ્યાસ કરતા હતા. બાળકો તેમને યોગ્ય લાગે તેવા સમયે લખવાનું પસંદ કરતા હશે એવું મારૂં અનુમાન છે. જેને પરિણામે આજે વર્ગખંડમાં જેટલું શિક્ષકો લખવાનું કહે છે, તેવું તે પૂર્ણ રીતે લખી ન શકતા હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાબત અમારા માટે પણ ચિંતાજનક છે. મોટાભાગના બાળકો યોગ્ય રીતે લખી ન શકતા હોવાનું વર્ગખંડના શિક્ષકોએ પણ ઓબ્ઝર્વેશન કર્યું છે. અમારા માટે સૌથી મોટો પડકાર હવે આ બાળકોને ઝડપથી વિષય પ્રમાણે લખતા કરવા જરૂરી છે. આગામી દિવસોમાં હવે બાળકોને વધુમાં વધુ લખાણ લખવામાં રસ ઉભો કરવો જરૂરી છે. શિક્ષકો સાથે આજે અમે જ્યારે વાતો કરી ત્યારે તમામ શિક્ષકોએ આ બાબતને શું કરે છે કે, બાળકોને લખતા કરવા જરૂરી છે. હવે અમે એ દિશામાં પ્રયાસો શરૂ કરીશું.