પ્રતિષ્ઠાનો જંગ:સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભારે હંગામો, AAPના સૂત્રોચ્ચાર-ચોર છે ભાઈ ચોર છે ભાજપ સરકાર ચોર છે

સુરત5 મહિનો પહેલા
વિરોધ પક્ષે વિરોધ નોંધાવી હોબાળો મચાવ્યો.
  • નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ખેલ પાડવા માં ભાજપ સફળ
  • આમ આદમી પાર્ટીએ રિકાઉન્ટિંગ કરવાની માંગ કરી હતી
  • સત્તાપક્ષએ બેલેટ પેપર સંતાડી દીધાનો આક્ષેપ, આપે સભાખંડમાં તોડફોડ કરી
  • 12 બેઠકમાંથી 10માં ભાજપ, 1 પર અપક્ષ અને એક સીટ AAPનો વિજય

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિરોધ પક્ષના નેતા સાથે સિક્યુરિટી ગાર્ડે દાદાગીરી કરતા હોબાળો મચી ગયો હતો. નગર શિક્ષણ સમિતિની ચૂંટણી પહેલા જ ચર્ચા હતી કે કંઈક નવાજૂની થઈ શકે છે. આખરે પરિણામ આવતાની સાથે જ કોર્પોરેશનની કચેરીમાં જબરદસ્ત હોબાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ચોર છે ભાઈ ચોર છે ભાજપ સરકાર ચોર છેના સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખને યુવાને ભાન ભૂલી બૂટલેગર કહ્યા
CR પાટીલ બૂટલેગર હતો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હવે દારૂના અડ્ડા ચાલુ કરશે, એટલે જ દારૂ વાળાને લાવ્યા છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી બાદ એક યુવાન રોષમાં ભાન ભૂલ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને બૂટલેગર કહ્યા હતા. જો કે ભૂલનું ભાન થતાં માફી માગી લીધી હતી.

કોને કેટલી બેઠક મળી
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરિફ થયા હતા. જ્યારે 8 સીટની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો 6, ભાજપ પ્રેરિત 1 અપક્ષ અને 1 બેઠક આપને મળી છે.

ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.

જેનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો અપક્ષમાંથી જીત્યો
ભાજપે આખરે જે નિશાન તાક્યું હતું તે પાર પડી ગયું છે. તમામ કાવા દાવા વચ્ચે ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવાર રાકેશ ભિકડીયાનો વિજય થયો હતો. આ પહેલા રાકેશ ભિકડીયાનો દારૂની મહેફિલ માણતા વિડીયો વાયરલ થયો હતો. રાકેશ ભિકડીયાના વિડીયો વાયરલ થયા બાદ શહેરભરમાં ઉમેદવારને લઈને ભાજપ ભીંસમાં મુકાયો હતો.

વિરોધ પક્ષના સભ્યોને સભા હોલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
વિરોધ પક્ષના સભ્યોને સભા હોલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થિતિ એ હદે વણસી કે પોલીસ દોડી આવી
એક ઉમેદવારને આઠથી વધુ મત મળતા નિયમ મુજબ તેની ઉમેદવારી રદ થવાનું જાહેર થયું હતું. આપ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. સભાખંડની અંદર ગેટનો કાચ પણ તોડ્યો હતો. તેમજ એક ટેબલ પણ તોડી નાખ્યું હતું. તમામ સ્થિતિ એટલી હદે વણસી હતી કે સુરત કોર્પોરેશનની અંદર પોલીસ પણ પ્રવેશી હતી. સામાન્ય સંજોગોમાં કોર્પોરેશનમાં પોતાની જ સિક્યુરિટી હોય છે, તેમાં પોલીસ દખલ દેતી નથી. પરંતુ આ વખતે સ્થિતિ એટલી વણસી હતી કે પોલીસે કેટલાક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓની અટક કરી હતી.

વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું
વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું

સત્તાપક્ષ તાનાશાહી રીતે વ્યવહાર કરી રહ્યો છે: વિપક્ષના નેતા
વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો હતો કે સત્તાનો દુરુપયોગ કરીને સત્તા પક્ષ દ્વારા ખોટી રીતે બેલેટ પેપર સંતાડી દીધા હતા. વારંવાર રિકાઉન્ટિંગ કરવા રજૂઆત કરવા છતાં પણ અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સત્તા પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હોવાના કારણે એક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. સત્તાપક્ષ તાનાશાહી રીતે વ્યવહાર કરી રહ્યો છે.

સૂત્રોચ્ચાર કરી રહેલી આમ આદમી પાર્ટીની કાર્યકર
સૂત્રોચ્ચાર કરી રહેલી આમ આદમી પાર્ટીની કાર્યકર