સુરતમાં ગતરોજ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં આપના મહામંત્રી અને યુવા પ્રમુખને માર મારવામાં આવ્યો હતો. જેને લઈને આજે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા. આ સાથે જ માર મારનાર ભાજપના જ કાર્યકરો હોવાનો પુરાવો આપ્યો હતો.
ભાજપના કાર્યાલયમાં 400 કરતા વધારે લુખ્ખાતત્વો હાજર હતા
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં પાલિકાના માર્શલોએ બેફામ માર માર્યો, મહિલાઓના કપડાં ફાડી નાખ્યા હતા. કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાનું ગળું દબાવ્યું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આટલી હદે ભાજપની દાદાગીરી જોઈ આમ આદમી પાર્ટીએ વિરોધમાં ભાજપના કાર્યલયે જઈ રજૂઆત કરવા ગયા હતા. ગઈ કાલે ઉધના ખાતે આવેલા ભાજપના કાર્યલયે રજૂઆત કરવા ગયા હતા. અમે રજૂઆત કરવા ગયા ત્યારે ભાજપના કાર્યાલયમાં 400 કરતા વધારે લુખ્ખાતત્વો હાજર હતા. એ લોકો હિંસા કરવાની તૈયારી સાથે જ ત્યાં હતા.
બેફામ રીતે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો
વધુમાં જણાવ્યું હતું કે, વિરોધ પક્ષનું કામ હોય છે કે નિતીગતરીતે વિરોધ કરવો. ભાજપે પણ કોઈ જમાનામાં તમામ પ્રકારનો વિરોધ કરેલો છે. તમારા કાર્યાલયે કોઈ વિરોધ કરવા આવે તો હાથાપાઈ કરવી યોગ્ય નથી. ગુંડાગીરી કરવી એ ભૂતકાળમાં કે કોઈ પાર્ટીમાં કે સરકારમાં જોયું નથી. ગઈ કાલે બે કાર્યકરો દિનેશ જીકાદરા અને પંકજ આંબલિયા પર બેફામ રીતે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
આપથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા
વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં આવી ઘટનામાં કોંગ્રેસના એક પણ નેતા સામે કાર્યવાહી નામજોગ થઈ નથી. ગુંડાગીરીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. ભાજપ સામે કાર્યવાહી કરવામાં પોલીસને શરમ શા માટે આવે છે? ગત રોજ આપ પાર્ટી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ પોલીસે કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓના નામનો ઉલ્લેખ કર્યો નથી. આ ઘટના બિલકુલ નિંદનીય છે. અમે આ બાબતે લાંબી લડાઈ લડવાના છીએ. બધું જ કોર્ટમાં ચલાવવાનું હોય તો પોલીસ અને સરકાર શું કરશે? આજે આ મામલે પોલીસ કમિશ્નરને મળી રજૂઆત કરવામાં આવશે.
ઘટના શું હતી?
બે દિવસ પહેલા પાલિકામાં વિરોધ કરી રહેલી આપના કાર્યકરોને ખેંચી ખેંચીને પોલીસ અને પાલિકાના માર્શલોએ બહાર કાઢ્યા હતા.જેમાં એક કોર્પોરેટરનું ગળું દબાવવામાં આવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનો ડ્રેસ ફાડી નાખવામાં આવ્યો હતો. જેના વિરોધ માટે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરો રેલી સ્વરૂપે ભાજપના ઉધના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયા હતા. જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા આપના નેતાઓ સહિત કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.
શહેર મંત્રી સહિત બેને ગડદાપાટુનો માર મરાયો
આપના શહેર મંત્રી દિનેશ જીકાદરાએ અજાણ્યા સાત સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આપના નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા હતા. ત્યારે ઉધના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફથી 10 જેટલાનું ટોળું અમારી તરફ ઘસી આવ્યું હતું. ત્યારબાદ તમે ખોટું પ્રદર્શન કરો છો કહી માર મારવાનું શરૂ કર્યું હતું. રોડ પર પાડી દઈ ફાવે તેમ ગડદાપાટુનો માર મારી આને તો મારી નાખવાનો છે કહી મારી માર્યો હતો. દરમિયાન પોલીસે આવી બચાવ્યો હતો. મારી પાસે યુવા પ્રમુખને પણ ફાવે તેમ માર માર્યો હતો. જેમાં બંનેને ઈજા પહોંચી છે. હાલ તો પોલીસે સાત અજાણ્યા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.