બોલિવૂડમાં ગોલ્ડન કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મેરેજ સેરેમની શરૂ થઇ છે ત્યારે તેમના ચાહકો તેમને પોતાની રીતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ગિફ્ટ મોકલી રહ્યા છે. ત્યારે ડાયમંડ સિટી સુરતના એક જ્વેલર્સ દ્વારા ગોલ્ડન ફોઈલ રોઝનો એક 5 ફૂટનો બુકે ગિફ્ટમાં મોકલ્યો છે. જ્વેલર્સ દ્વારા સ્પેશિયલ પાંચ ફૂટ મોટો બુકે તૈયાર કરીને મોકલવામાં આવ્યો છે જેની કિંમત લાખોમાં થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે જ્વેલર્સ એવા ચોક્સી પરિવાર દ્વારા આ ગોલ્ડન ગિફ્ટ બનાવવામાં આવી છે. આખો ચોક્સી પરિવાર રણબીર-આલિયાનો ડાઈ હાર્ડ ફેન છે.
જીવનભર યાદગાર બની રહે તેની ગિફ્ટ આપી
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના મેરેજને લઈને ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના જ્વેલર્સના પરિવારના લોકો આલિયા અને રણબીરના ખૂબ જ જબરજસ્ત ફ્રેન્ડ છે. તેમણે વિચાર્યું કે આ કપલને આપણા તરફથી કોઈ એવી ભેટ મોકલવામાં આવે કે જીવનભર યાદગાર બની રહે. જેથી તેમણે સ્પેશિયલ ગોલ્ડન ફોઈલ રોઝનો બુકે ગોલ્ડન કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને મોકલ્યો છે. લેબોરેટરીમાં ટેસ્ટ કર્યાના સર્ટિફિકેટ સાથે આ રોઝનો બુકે મોકલવામાં આવ્યો છે.
પરિવાર સભ્યો રણબીર-આલિયાને ખૂબ જ પસંદ કરે છે
ડી. ખુશાલદાસ જ્વેલર્સના દિપક ચોક્સીએ જણાવ્યું કે અમારા પરિવારના બાળકો આ કપલને ખૂબ જ પસંદ કરે છે. તેથી તેમણે મારી સાથે ચર્ચા કરી હતી. આપણે આલિયા અને રણબીરને કંઇક ખાસ આપણા તરફથી ગીફ્ટ મોકલવું જોઈએ. જેથી કરીને અમે એમને અલગ જ પ્રકારના ગોલ્ડન રોઝ બુકે બનાવ્યો છે. જે લગભગ અત્યાર સુધીમાં તો કોઈએ બનાવ્યો ન હોય. બુકેમાં 125 જેટલા ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બુકેને તૈયાર કરતા 5થી 6 જેટલા દિવસ લાગ્યા હતા.
પાંચથી છ દિવસની તૈયારી કરી અનોખો બુકે બનાવ્યો
પરિધિ ચોક્સીએ જણાવ્યું કે હું આલિયા અને રણબીરની જબરજસ્ત ફેન છું. ઘણા સમયથી આ કપલને હું ફોલો કરતી આવી છું અને હું પોતે પણ કહેતી હતી કે આ એક એવું કપલ છે કે જેને ગોલ્ડન કપલ તરીકે બોલિવૂડમાં ઓળખવામાં આવશે. મારા ખાસ અભિનેતા અને અભિનેત્રીને મારા તરફથી કોઈ યાદગાર ગિફ્ટ મળે તેવી વાતને મારા પિતા સાથે કરી હતી અને ત્યારબાદ અમે પાંચથી છ દિવસની તૈયારી કરીને આ અનોખો બુકે બનાવ્યો છે. આ બુકેની અંદર 125 કરતાં વધારે ગોલ્ડન ફોઈલ રોઝનો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે આ બુકે તેમને ખુબ જ પસંદ આવશે અને મને પણ ખૂબ આનંદ આવી રહ્યો છે અમારા પરિવારના લોકો પણ ખુશ છે કે અમે અમારા મનગમતા કલાકારોને યાદગાર ગિફ્ટ મોકલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.