રજૂઆત:સેન્ટ્રલ ઝોનમાં છૂટછાટ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

સુરત3 વર્ષ પહેલા
  • છેલ્લા 60 દિવસથી સંપૂર્ણ લોકડાઉન છે

લોકડાઉનને 60 દિવસથી વધારે સમય થઈ ગયો છે. સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં 100 ટકા લોકડાઉન હોવાથી લોકો કોરોના કરતાં કામધંધા અને રોજગાર વગર રસ્તે આવી જાય તેવી ભયાનક પરિસ્થિતિ છે, એવી રજૂઆત સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને કરી છે. એમણે રજૂઆતમાં જણાવ્યું છે કે, પ્રથમ લોકડાઉન શરૂ થયું ત્યારથી પાલિકા દ્વારા દરેક ઝોનમાં ભોજન-કીટ વગેરેની વ્યવસ્થા હતી. ચોથા લોકડાઉન અંતર્ગત 19મી મે થી સુરત શહેરના અન્ય નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં ધંધા, રોજગાર માટે છુટછાટ મળી. પરંતુ આખા સેન્ટ્રલ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી ન હતી.

19મે બાદ ભોજન વ્યવસ્થા પણ બંધ કરાઈ છે. શહેરના અન્ય ઝોનના નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ધંધા, રોજગાર શરૂ થયા છે પણ સેન્ટ્રલ ઝોનના કન્ટેઇનમેન્ટ એરિયામાં રહેતા લોકો અન્ય વિસ્તારમાં નોકરી અથવા તો કોઇપણ આર્થિક ગતિવિધિ માટે જઈ શક્તા નથી. સમગ્ર સેન્ટ્રલ ઝોનમાં 1 લાખ કરતા પણ વધુ ઘરો છે જેમાં પાંચ લાખથી  ‌વધુ લોકો રહે છે. લોકડાઉનને લીધે આ બધા જ લોકો ઘરમાં જ ફસાયેલા છે. જેથી તેઓને છૂટછાટ આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...