પાલિકાની તિજોરી તળિયા ઝાટક છે ત્યારે પ્રજાના ટેક્સના પૈસાથી આડેધડ ખર્ચા કરવામાં પાલિકા તૈયારી કરી રહી છે. નવી કાર, ઓફિસ રિનોવેશન બાદ હવે શાસકપક્ષના નેતાને પોતાની ઓફિસમાં 39 હજારની મોંઘીદાટ ખુરશી ખરીદવાની તૈયારી કરાઇ છે. આ માટે સ્થાયી કમિટીમાં દરખાસ્ત રજૂ થઇ છે, જેનો નિર્ણય ગુરુવારે લેવાશે.
તાજેતરમાં શાસકપક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે અંદાજે 6.50 લાખના ખર્ચે પોતાની ઓફિસ અદ્યતન બનાવી હતી. એટલું જ નહીં શાસકપક્ષ નેતા સહિત ચાર પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે 18 લાખની કિંમતની 5 ઇનોવા કારની ખરીદી કરી લેવાઇ છે. હવે શાસકપક્ષ નેતાએ પોતાની લકઝ્યુરિયસ ઓફિસમાં નવી ખુરશી ખરીદવા તૈયારી શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે, તેમણે જે ખુરશી ખરીદવાનું આયોજન કર્યું છે તેની કિંમત રૂા.39 હજારની છે.
આ ખુરશી ખરીદવા નેતાએ સ્થાયી સમિતિ પાસે મંજૂરી મંગાવી છે. મહાપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, મ્યુ.કમિશનરની ઓફિસની ખુરશી પણ આટલી મોંઘી નથી. આ પદાધિકારી-અધિકારીઓની ઓફિસમાં અંદાજે 20 હજારની કિંમતની ખુરશી જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.