માનસિક તણાવે જીવ લીધો:સુરતમાં 6 માસથી ગર્ભવતી મહિલાનું હૃદય ફાટી જતાં મોત, હૃદયના ધબકારા અચાનક વધી જતાં મોત થયાની શક્યતા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સગર્ભાનું હૃદય ફાટી જવાની ઘટનાને ડોક્ટરોએ ચોંકવાનારો કિસ્સો કહ્યો (પ્રતિકાત્મક તસવીર). - Divya Bhaskar
સગર્ભાનું હૃદય ફાટી જવાની ઘટનાને ડોક્ટરોએ ચોંકવાનારો કિસ્સો કહ્યો (પ્રતિકાત્મક તસવીર).
  • સગર્ભા પતિના અન્ય સાથે થયેલા ઝઘડાને લઈને માનસિક તણાવમાં હતી

સુરતના સરથાણા કૃષ્ણા રો હાઉસમાં સગર્ભાનું હૃદય ફાટી જવાથી મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વધુ પડતા માનસિક તણાવમાં પણ આવી ઘટના બનતી હોવાનો પ્રાથમિક અભિપ્રાય આપતા ડો. સંદીપ રણોતીએ જણાવ્યું હતું કે મૃત્યુનું સચોટ કારણ લેબ રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાય છે. 25 વર્ષીય યોગીતા મહેશ વઘાસિયાને 6 માસનો ગર્ભ હતો અને બેભાન થઈ ગયા બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાઈ હતી.

સગર્ભાના મોતથી પરિવાર શોકમાં સરી પડ્યો
સરથાણા પોલીસે જણાવ્યું હતું કે સુરતમાં રહેતી યોગીતા વઘાસિયા (ઉ.વ. 25) મૂળ સોમનાથના હતા. પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. યોગીતાને એક 3 વર્ષની દીકરી પણ છે અને આ તેણીની બીજી પ્રસુતિ હતી. ઘટના 16મી રાત્રે 10 વાગ્યે બની હતી. અચાનક બેભાન થઈ ગયા બાદ સગર્ભા યોગીતાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં મૃત જાહેર કરાતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો. 6 માસના ગર્ભ સાથે સગર્ભાનું મોત થતા પોલીસ જાણ કરાઈ હતી. મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની દિશામાં પોલીસે કાર્યવાહી કરી હતી.

બેભાન થયા બાદ મહિલાનું મોત થયું (પ્રતિકાત્મક તસવીર).
બેભાન થયા બાદ મહિલાનું મોત થયું (પ્રતિકાત્મક તસવીર).

મૃત્યુનું ચોક્કસ કારણ રિપોર્ટ બાદ થશે
સંદીપ રણોતી (સ્મીમેર પોસ્ટમોર્ટમ વિભાગના ડોક્ટર) એ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ ડો. રાજેશ પટેલે કર્યું હતું. નિષ્ણાત અભિપ્રાય માટે મને બોલાવવામાં આવ્યો હતો. આવી ઘટનામાં એટેક આવ્યો હોય એમ ન કહી શકાય પણ હૃદયના ધબકારા અચાનક વધી જતાં જોરથી પમ્પિંગ કરતા હોય ત્યારે હૃદય ફાટવાની ઘટના બનતી હોય એમ કહી શકાય છે. ચોંકવાનારો કિસ્સો છે, છતાં મૃત્યુનું ચોક્કસ કારણ તો લેબના રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાય છે.

પતિના ઝઘડાથી સગર્ભા માનસિક તણાવમાં હતી
પરિવારના નજીકના સભ્યે નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે પતિનો થોડા દિવસ પહેલા કોઈ જોડે ઝઘડો થયો હતો. યોગીતા તેના માનસિક તણાવમાં રહેતી હતી. સરથાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.