તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Nagar Prathmik Shikshan Samiti Scholls Parents Of Only 24 Percent Students From 6th To 8th Have Given Their Consent

વાલીઓ અવઢવમાં:સુરતમાં ન. પ્રા. શિક્ષણ સમિતિની શાળામાં ધો. 6થી 8ના માત્ર 24 ટકા વિદ્યાર્થીના વાલીઓએ સંમતિ આપી, વધુ બે મહિના રાહ જોવામાં કંઈ ખોટું નથીઃ વાલી

સુરત20 દિવસ પહેલા
  • કોરોના સંક્રમણની સ્થિતિ જોતા વાલીઓ બાળકોને શાળામાં મોકલવા અવઢવમાં

કોરોના સંક્રમણ બાદ હવે ધોરણ 6થી 8ના વર્ગખંડો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના કેસો નિયંત્રણમાં આવતાની સાથે જ શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેના નિર્ણયો લેવા શરૂ કર્યા છે. પરંતુ હજી વાલીઓમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં વાલીઓએ માત્ર 24 ટકા જેટલા જ સંમતિ પત્ર મોકલ્યા છે. જે સૂચવે છે કે વાલીઓ હજી પણ પોતાના બાળકોને કોરોના સંક્રમણના ડરના કારણે શાળામાં મોકલવા માનસિક રીતે તૈયાર નથી. એક વાલીએ જણાવ્યું હતું કે, આટલો સમય રાહ જોયા બાદ હવે વધુ બે મહિના રાહ જોવામાં કંઈ ખોટું નથી લાગતું.

વાલીઓને સરકારી શાળામાં પોતાના બાળકો સુરક્ષિત લાગી રહ્યા નથી?
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાના નિર્ણય લેવાયા ત્યારે બે વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ખાનગી શાળાઓમાં 90 ટકા વધારે સંમતિ પત્ર મળી ગયા છે તો બીજી તરફ સરકારી શાળામાં માત્ર 24 ટકા જ સંમતિપત્ર વાલીઓ દ્વારા આપવામાં આવ્યા છે. જેથી એક વાત સ્પષ્ટ થાય છે કે વાલીઓને સરકારી શાળામાં પોતાના બાળકો સુરક્ષિત લાગી રહ્યા નથી. ખાનગી શાળાઓમાં પહેલા જ દિવસે 80થી 90 ટકા જેટલી બાળકોની હાજરી જોવા મળી હતી ત્યારે બીજી તરફ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં દેખાયા ન હતા.

શિક્ષણ સમિતિની શાળામાં ક્લાસરૂમની મોટાભાગની બેન્ચીસ ખાલી જોવા મળી રહી છે.
શિક્ષણ સમિતિની શાળામાં ક્લાસરૂમની મોટાભાગની બેન્ચીસ ખાલી જોવા મળી રહી છે.

વાલીઓમાં હજી પણ ડર જોવા મળી રહ્યો છે: શિક્ષણ સમિતિના સભ્ય
શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું કે સુરત શહેરની કોર્પોરેશનની શાળાઓમાં માત્ર 24 ટકા જેટલા જ વાલીઓ પોતાના સંમતિ પત્ર આપ્યા છે. એવી શક્યતાઓ છે કે કોરોના સંક્રમણ ભલે નિયંત્રણમાં હોય પરંતુ હજી પણ બાળકોને શાળામાં મોકલવા માટે વાલીઓ અવઢવમાં છે. પોતાના બાળકોને સુરક્ષિત રાખવાની માનસિકતા ધરાવતા વાલીઓ સંમતિ પત્ર ન આપતા હોય એવું લાગી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા તમામ બાબતોને ધ્યાનમાં રાખ્યા બાદ જ નિર્ણય લીધો છે. અમે પણ શાળાઓમાં પૂરતી વ્યવસ્થા રાખી રહ્યા છે કે જેથી કરીને બાળકોને કોઈ આરોગ્યલક્ષી મુશ્કેલી ન થાય. પરંતુ એક વાત ચોક્કસ છે કે વાલીઓમાં હજી પણ ડર જોવા મળી રહ્યો છે.

ખાનગી શાળાઓ કરતા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી.
ખાનગી શાળાઓ કરતા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી.

માનસિક રીતે તૈયાર નથી કે અમે બાળકને શાળામાં મોકલીએઃ વાલી
હારુન મહંમદ અન્સારીએ જણાવ્યું કે અમે હજી બાળકને શાળામાં અભ્યાસ કરવા માટે મોકલવા તૈયાર નથી. આટલો સમય રાહ જોયા બાદ હવે વધુ બે મહિના રાહ જોવામાં કંઈ ખોટું નથી લાગતું. શાળાઓમાં વ્યવસ્થા ભલે હોય પરંતુ અમારી માનસિક રીતે તૈયાર નથી કે અમે બાળકને શાળામાં મોકલીએ. કોરોના સંક્રમણમાં આપણે ભૂતકાળમાં પણ જોયા છે કે એકાએક ગમે ત્યારે કેસોમાં વધારો થઈ જતો હોય છે અને શહેરભરની અંદર કોરોના સંક્રમણ જોવા મળતું હોય છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારનું અમારે જોખમ લેવું નથી.