એક તરફ જ્યાં બિલ્ડરો દ્વારા ભરાતો આવકવેરો સીધો 60 ટકા ઓછો થઈ ગયો છે ત્યાં બીજી તરફ રજિસ્ટ્રાર કચેરીના આંકડા કંઈ જુદી જ કહાણી કહી રહ્યા છે. જે પિરિયડ (2020થી 2022)માં બિલ્ડરોનો ટેક્સ ઓછો થયો છે તે જ પિરિયડમાં શહેરમાં એક લાખ જેટલી મિલકતોનું રજિસ્ટે્શન વધુ થયું હોવાનો ધડાકો થયો છે.
દરમિયાન સરકારની રેવન્યુ ઈન્કમ આ પિરિયડમાં 900 કરોડ જેટલી વધી છે. એડવોકેટ ઝકી મુખ્ત્યાર શેખ કહે છે કે, મિલકતો રજિસ્ટ્રેશન એટલે પણ વધ્યું છે કેમ કે કોરોના દરમિયાન અનેક લોકોએ દસ્તાવેજ કરાવ્યા ન હતા. હવે લોકો કરાવી રહ્યા છે. ઉપરાંત જંત્રી વધવાની શક્યતાના સમાચાર પણ માર્કેટમાં ફરી રહ્યા છે તેની પણ સંભવત: અસર હોય શકે છે. મહિલાના નામે દસ્તાવેજ થાય તો એક ટકા નોંધણી ફી ભરવાની રહેતી નથી.
નોંધણી 1.34 લાખથી વધી 2.29 લાખ
દસ્તાવેજ નોંધણી 2020માં 1.34 લાખ હતી તે 2022ના અંત સુધી વધીને 2.29 લાખ થઈ ગઈ છે. આ દરમિયાન સ્ટેમ્પ ડયૂટી સહિતની જે કુલ આવક હતી તે 717 કરોડથી વધીને 1600 કરોડ થઈ ગઈ છે. જ્યારે 2021ની 2022 સાથે સરખામણીમાં જોઇએ તો અંદાજે 30 હજાર દસ્તાવેજ વધ્યા છે અને એક વર્ષમાં આવક 400 કરોડ સુધી વધી છે.
જંત્રીમાં 22 ટકા સુધી વધારો થવાની શક્યતા
એડવોકેટ અમર પટેલ કહે છે કે, જંત્રી 11 વર્ષથી અપડેટ કરાઈ નથી અને હાલ ક્યારે વધશે તેની આગાહી પણ શક્ય નથી. કેટલાંક લોકો વધારો થશે એ કારણે દસ્તાવેજ કરાવતા હોય એવું બની શકે. દરમિયાન બાંધકામ જગત સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે કે જંત્રીનો વધારો સંભવત: આવી શકે અને તે 22 ટકા સુધી હોય શકે છે. અલબત્ત, અલગ-અલગ વિસ્તારમાં હાલની જંત્રી મુજબ જુદો-જુદો વધારો થઈ શકે છે. કેટલાંક વિસ્તારમાં હાલ જંત્રી કરતા માર્કેટ રેટ દસ ગણો પણ વધુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.