ભાસ્કર વિશેષ:પોસ્ટ ઓફિસમાં હવે ડિજિટલ સોનુ મળશે, ગયા વખતે દક્ષિણ ગુજરાતમાંથી સૌથી વધુ સોનાની ખરીદી થઈ હતી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશભરની પોસ્ટ ઓફિસમાંથી હવે કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકશે. દેશના પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજનાનો લાભ કોઈપણ વ્યક્તિ જરૂરી પુરાવા જમા કરાવીને આગામી 10મી માર્ચ સુધી લઈ શકશે.

કોરોના બાદ લોકો દ્વારા વિવિધ રોકાણ યોજના, શેર માર્કેટ, પોસ્ટ ઓફિસની વિવિધ સ્કિમ સહિતની યોજનામાં રોકાણનું પ્રમાણ વધ્યું છે. લોકો સુરક્ષિત રોકાણ કરવા માટે સોનાના સિક્કા, દાગીના પણ ખરીદતા હોય છે, ત્યારે હવે લોકો સુરક્ષિત રોકાણ કરી શકે તે માટે પોસ્ટ ઓફિસ પાસેથી ડિજિટલ સોનું પણ ખરીદી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 6 માર્ચથી પોસ્ટ વિભાગ દ્વારા આ સ્કિમ શરૂ કરવામાં આવી છે. અને 10મી માર્ચ સુધી જ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકાશે. 1 ગ્રામ ગોલ્ડ 5611 રૂપિયામાં છે, 8 વર્ષ પછી તે મેચ્યોર (પાકવાની મુદ્દત) થાય છે.

ડિજિટલ ગોલ્ડ પાકશે ત્યારે આંતરાષ્ટ્રીય માર્કેટમાં જે સોનાનો ભાવ હશે તે મળશે. આ ઉપરાંત દર વર્ષે અઢી ટકા લેખે રોકોલી રકમનું વ્યાજ પણ મળશે. પોસ્ટ ઓફિસ પાસેથી કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકે છે. ડિજિટલ સોનુ ખરીદવા માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડશે.

ત્યાં જઈને જરૂરી પુરાવા આપ્યા બાદ ગોલ્ડની ખરીદી કરી શકાશે ડિજિટલ ગોલ્ડનું પોસ્ટ ઓફિસ દ્વારા સર્ટીફિકેટ પણ આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક ખાનગીં કંપનીઓની સ્કિમમાં લોકોએ નાણા ગુમાવ્યા બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી રોકાણની સ્કિમમાં લોકો વિશ્વાસ કરીને રોકાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉની આ પ્રકારની યોજનાને સારો પ્રતિસાદ મળતા પોસ્ટ વિભાગે ફરી સોનાની યોજના રજૂ કરી છે.

સોનુ ખરીદવા ગ્રાહકોએ આ પુરાવા આપવા પડશે
પોસ્ટ વિભાગનું ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે વિવિધ પુરાવાની જરૂર પડશે, જેમાં આધારકાર્ડ, પાનકાર્ડની ફોટો કોપી, બેન્ક એકાઉન્ટની પાસબુક અથવા કેન્સલ ચેક અને વારસદારના આધારકાર્ડની કોપી પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાની રહેશે એવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...