દક્ષિણ ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. જોકે, મતદાનના આંકડાઓએ ભાજપ, કોંગ્રેસ અને આપની ચિંતામાં વધારો કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66.62 ટકા મતદાન નોંધાયું છે. ભાજપ અને આપે જે સીટો પર દમ લગાવ્યો ત્યાં ઓછું મતદાન થયું છે. જ્યારે કોંગ્રેસે તો માત્ર કમિટેડ મતદારો પર જ ફોક્સ કર્યું હોવાની ચિંતામાં આંશિક ઘટાડો હોય તેવું લાગી રહ્યું છે. સૌથી મોટું પાટીદાર વિસ્તારમાં થયેલા ઓછાં મતદાને ભાજપ અને આપની ચિંતામાં મોટો વધારો કર્યો છે. જ્યારે આદિવાસી સીટો પર સરેરાશ 70 ટકા મતદાન થયું છે. જે દર વખતની જેમ વધુ જોવા મળી રહ્યું છે. જોકે 2017 કરતા સરેરાશ 5થી 6 ટકા મતદાન ઓછું છે.
આ 6 સીટ પર પાટીદારનો પ્રભુત્વ
દક્ષિણ ગુજરાતમાં 6 પાટીદાર સીટો પર પાટીદારોનો પાવર ઘટ્યો હોય તેવો માહોલ બની ગયો છે. આ સાથે જ આદિવાસી સીટો પર રેકોર્ડબ્રેક મતદાન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 7 મંત્રી અને 4 પૂર્વ મંત્રી સાથે 13 સિટીંગ ધારાસભ્યો પણ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 2017માં જે મતદાન થયું હતું તેમાં મોટો ઉલટફેર સર્જાયો છે. જેને લઈને મંત્રીઓથી લઈને સિટીંગ ધારાસભ્યોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે.
2017માં પાટીદાર સીટ પર થયેલું મતદાન
દક્ષિણ ગુજરાતમાં માત્ર સુરતમાં જ પાટીદાર પ્રભાવિત બેઠકો છે. જેમાં કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ અને ઓલપાડ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 2017માં કામરેજમાં 64.83 ટકા, સુરત ઉત્તરમાં 64.60 ટકા, વરાછામાં 63.04 ટકા, કરંજમાં 55.99 ટકા, કતારગામમાં 65.03 ટકા અને ઓલપાડમાં 68.01 મતદાન થયું હતું. 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર હોવા છતાં આ તમામ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જોકે, મતદાનમાં ઘટાડો થયો હતો.
2022માં પાટીદાર સીટ પર થયેલા મતદાનથી ભાજપમાં ચિંતા
2017ની વિધાનસભામાં ચૂંટણીમાં સુરતમાં ભાજપના વિજય થયો હતો. જોકે, પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાટીદાર વિસ્તારોથી એન્ટ્રી કરી 27 કોર્પોરેટર બની વિરોધ પક્ષ સંભાળી રહ્યા છે. હાલ તો સુરતને આમ આદમી પાર્ટી દ્વારા એપી સેન્ટર બનાવી લીધું છે. 2022ની ચૂંટણીમાં કામરેજમાં ભાજપ, કોંગ્રેસ અને આપે પાટીદાર ઉમેદવાર ઉતાર્યા છે. આ સાથે જ સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામમાં ત્રણેય પાર્ટીના પાટીદાર ઉમેદવારો છે. 2022માં આજે મતદાનના સંભવિત આંકડા પ્રમાણે કામરેજ 60 ટકા, સુરત ઉત્તરમાં 55.32 ટકા, વરાછામાં 55.63 ટકા, કરંજમાં 49.53 ટકા, કતારગામમાં 64.08 ટકા અને ઓલપાડમાં 59.04 ટકા મતદાન થયું છે. 2017ની ચૂંટણી કરતા 2022ની ચૂંટણીમાં તમામ પાટીદાર સીટ પર ઓછું મતદાન થયું છે. જેને લઈને ભાજપની ચિંતામાં વધારો થયો છે.
પાટીદાર સીટ પર મતદાન
બેઠક | 2012 | 2017 | 2022 |
કામરેજ | 72.8 | 64.83 | 60 |
સુરત ઉત્તર | 68 | 64.6 | 55.32 |
વરાછા | 70.5 | 63.04 | 55.63 |
કરંજ | 64.2 | 55.99 | 49.53 |
કતારગામ | 70.4 | 65.03 | 64.08 |
ઓલપાડ | 71.8 | 68.01 | 59.04 |
કુલ | 69.61 | 63.58 | 57.26 |
ત્રણેય પક્ષના મોટા માથાઓ કેટલી રેલી કે સભાઓ કરી
દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના મોટા માથાઓ દ્વારા રોડ-શો અને સભામાં કરવામાં આવી હતી. જેમાં 25થી વધુ રોડ-શો અને સભા સુરતમાં કરવામાં આવી હતી. ભાજપ દ્વારા એક જ દિવસમાં 10 જેટલી સભામાં ગજવવામાં આવી હતી. આ સાથે જ વલસાડ, નવસારી, તાપીમાં સભામાં ગજવવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા દક્ષિણ ગુજરાતમાં માત્ર 5 જેટલી જ સભાઓ કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધી, અશોક ગેહલોત, શંકરસિંહ વાઘેલા દ્વારા મોટી સભાઓ કરવામાં આવી હતી. જોકે, એક પણ રોડ-શો કરવામાં આવ્યો ન હતો. આ સાથે જ આપ દ્વારા પણ ભાજપ જેટલો જ ચૂંટણી પ્રચારમાં દમ લગાવવામાં આવ્યો હતો. છેલ્લા 20 દિવસમાં જ સુરતમાં આપ દ્વારા 15 જેટલા રોડ-શો અને સભાઓ કરવામાં આવી હતી. આપના કેજરીવાલ, ભગવંત માન, સંજયસિંહ સહિતનાઓએ એક દિવસમાં ત્રણ ત્રણ જેટલા રોડ-શો અને સભાઓ કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં 2017 કરતા 8 ટકા જેટલું મતદાન ઓછું
દક્ષિણ ગુજરાતમાં આજે સંભવિત 66.34 ટકા મતદાન નોંધાયું છે. જે 2017માં 74.43 ટકા હતું. દક્ષિણ ગુજરાતમાં ભાજપ દ્વારા સૌથી વધુ રેલીઓ કરવામાં આવી હતી. છતાં ઓછું મતદાન થતાં ચિંતાના વાદળો છવાયા છે. કોંગ્રેસે સુરત સિવાય કમિટેડ બેઠકો હોવાના કારણે વધુ રેલી કે સભાઓ કરી ન હતી. જોકે, કોંગ્રેસની ચિંતામાં પણ આજના મતદાને ચિંતામાં વધારો કર્યો છે. જ્યારે આપ દ્વારા વધુ સુરત પર ફોકસ કરવામાં આવ્યું હતું. જેથી તેમની ચિંતામાં તો વધારો થયો છે પણ એટલી મૂંઝવણ તો ખરી જ. જોકે, આઠ ડિસેમ્બરના રોજ મતગણતરીના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે.
મંત્રી, પૂર્વ મંત્રીઓ અને સિટીંગ ધારાસભ્યો જ્યાં લડી રહ્યા છે તેનું મતદાન
દક્ષિણ ગુજરાતમાં ભાજપના ભૂપેન્દ્ર સરકારના 7 મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે રૂપાણી સરકારના 4 પૂર્વ મંત્રીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 9 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડાંગમાં ગત ચૂંટણીમાં હારી જનાર ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસના 4 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ આપી છે.
ભાજપના મંત્રી, પૂર્વ મંત્રી અને સિટીંગ ધારાસભ્યોની સીટનું મતદાન
બેઠક | ઉમેદવાર | હોદ્દો | 2017 | 2022 |
વરાછા માર્ગ | કિશોર કાનાણી | પૂર્વ મંત્રી | 63.04 | 55.63 |
માંગરોળ | ગણપત વસાવા | પૂર્વ મંત્રી | 77.77 | 60 |
બારડોલી | ઇશ્વરભાઈ પરમાર | પૂર્વ મંત્રી | 71.82 | 65.97 |
ઉમરગામ | રમણલાલ પાટકર | પૂર્વ મંત્રી | 64.52 | 61.75 |
વાગરા | અરુણસિંહ રાણા | રિપીટ | 77.03 | 63.1 |
અંકલેશ્વર | ઇશ્વર પટેલ | રિપીટ | 71.31 | 59.43 |
ઓલપાડ | મુકેશ પટેલ | મંત્રી | 68.01 | 59.04 |
સુરત ઈસ્ટ | અરવિંદ રાણા | રિપીટ | 67.25 | 62.9 |
સુરત નોર્થ | કાંતિ બલ્લર | રિપીટ | 64.06 | 55.32 |
કરંજ | પ્રવિણ ઘોઘારી | રિપીટ | 55.99 | 49.53 |
લિંબાયત | સંગીતા પાટીલ | રિપીટ | 65.66 | 51.35 |
મજૂરા | હર્ષ સંઘવી | મંત્રી | 62.23 | 55.39 |
કતારગામ | વિનુ મોરડિયા | મંત્રી | 65.03 | 64.08 |
સુરત વેસ્ટ | પૂર્ણેશ મોદી | મંત્રી | 67.71 | 60.04 |
મહુવા (ST) | મોહન ઢોડિયા | રિપીટ | 76.92 | 61.96 |
ડાંગ (ST) | વિજય પટેલ | રિપીટ | 73.81 | 64.84 |
જલોલપોર | રમેશ પટેલ | રિપીટ | 72.05 | 63.87 |
ગણદેવી | નરેશ પટેલ | મંત્રી | 74.09 | 66.24 |
ધરમપુર(ST) | અરવિંદ પટેલ | રિપીટ | 78.39 | 64.77 |
વલસાડ | ભરત પટેલ | રિપીટ | 68.97 | 61.31 |
પારડી | કનુ દેસાઇ | મંત્રી | 69.37 | 63.6 |
કપરાડા | જિતુ ચૌધરી(આયાતી) | મંત્રી | 84.23 | 75.17 |
કોંગ્રેસ | ||||
માંડવી | આનંદ ચૌધરી | રિપીટ | 80.45 | 64.25 |
વ્યારા (ST) | પૂનાભાઈ ગામિત | રિપીટ | 77.73 | 65.29 |
નિઝર (ST) | સુનિલભાઈ ગામિત | રિપીટ | 80.8 | 77.87 |
વાંસદા(ST) | અનંતકુમાર પટેલ | રિપીટ | 77.62 | 70.62 |
આદિવાસી સીટ પર 2017માં થયેલું મતદાન અને 2022માં થયેલો વધારો ઘટાડો
દક્ષિણ ગુજરાતમાં 14 સીટ આદિવાસી સીટ છે. જેમાં નાંદોદ, ડેડિયાપાડા, ઝઘડિયા, માંગરોળ, માંડવી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, ગણદેવી, વાંસદા, ધરમપુર, કપરાડા અને ઉમરગામનો સમાવેશ થાય છે. 2017માં આ 14 સીટમાંથી 7 સીટ પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે બે સીટ પર બીટીપીનો વિજય થયો હતો. 2022ના ચૂંટણી પ્રચારમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા આદિવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
2017માં આદિવાસીઓની સીટ પર સરેરાશ 77 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ કપરાડામાં 84.23 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછું 64.52 ટકા ઉમરગામમાં થયું હતું. જેથી આદિવાસીઓમાં મતદાન જાગૃતિ ખૂબ જ છે અને આ આદિવાસીઓ કોંગ્રેસ કમિટેડ છે.
આદિવાસી બેઠક પર મતદાન
આદિવાસી બેઠક | 2017 મતદારો | 2017 મતદાન(ટકાવારી) | 2022 મતદારો | 2022 મતદાન(ટકાવારી) |
માંડવી (ST) | 226028 | 80.45 | 246736 | 64.25 |
મહુવા (ST) | 214634 | 76.92 | 228831 | 71.36 |
માંંગરોળ(ST) | 200778 | 77.77 | 225470 | 60 |
નાંદોદ (ST) | 220199 | 76.43 | 235056 | 65.14 |
ડેડિયાપાડા (ST) | 193550 | 85.5 | 222647 | 81.34 |
ઝઘડિયા(ST) | 232305 | 81.44 | 258751 | 77.65 |
વ્યારા (ST) | 207406 | 77.73 | 223002 | 65.29 |
નિઝર (ST) | 254673 | 80.8 | 282479 | 77.87 |
ડાંગ (ST) | 166443 | 73.81 | 193298 | 64.84 |
ગણદેવી(ST) | 270785 | 74.09 | 292628 | 66.24 |
વાંસદા(ST) | 274532 | 77.62 | 299545 | 70.62 |
ધરમપુર(ST) | 226287 | 78.39 | 251046 | 64.77 |
કપરાડા(ST) | 232230 | 84.23 | 266475 | 75.17 |
ઉમરગામ(ST) | 244482 | 64.52 | 285398 | 61.75 |
કુલ | 3164332 | 77.83 | 3511362 | 69.02 |
જ્યાં મહિલા મતદારો વધુ છે ત્યા કેટલું મતદાન થયું, તેનો વધારો અને ઘટાડો
દક્ષિણ ગુજરાતમાં સાત સીટ પર મહિલા મતદારોની સંખ્યા પુરૂષો કરતા વધુ છે. જેમાં ડેડિયાપાડા, માંડવી, મહુવા, વ્યારા, નિઝર, વાંસદા અને ધરમપુરનો સમાવેશ થાય છે. આ સાત સીટ પર 2017માં મહિલા મતદારોની સંખ્યા 8.62 લાખ હતી. જ્યારે અત્યારે 8.91 લાખ થઈ ગઈ છે. 2017માં સરેરાશ 79.63 ટકા મતદાન થયું હતું.
આ સીટ પર વધુ મહિલા મતદારો
બેઠક | પુરૂષ(2022) | મહિલા(2022) | 2017 | 2022 |
ડેડિયાપાડા | 110972 | 111674 | 85.5 | 81.34 |
માંડવી | 121077 | 125658 | 80.45 | 64.25 |
મહુવા | 111718 | 117113 | 76.92 | 71.36 |
વ્યારા | 108398 | 114600 | 77.73 | 65.29 |
નિઝર | 137964 | 144514 | 80.8 | 77.87 |
વાંસદા | 147146 | 152399 | 77.62 | 70.62 |
ધરમપુર | 125245 | 125801 | 78.39 | 64.77 |
કુલ | 862520 | 891759 | 79.63 | 70.78 |
2017 બાદ કોંગ્રેસ ગુમાવેલી બે બેઠકનું એનાલિસિસ
દક્ષિણ ગુજરાતમાં 2017ની ચૂંટણી બાદ કોંગ્રેસે બે બેઠક ગુમાવી હતી. ડાંગ અને કપરાડામાં કોંગ્રેસમાંથી જીતેલા વિજય પટેલ અને જિતુ ચૌધરી નવેમ્બર 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ પેટાચૂંટણી થઈ હતી. જેમાં ભાજપમાંથી વિજય પટેલ અને જિતુ ચૌધરીનો વિજય થયો હતો. આ વખતે આ ડાંગ બેઠક પર 64.84 ટકા અને કપરાડામાં 75.17 ટકા મતદાન થયું છે. જે 2017 કરતા ઓછું છે.
આ વખતે મલ્ટિપલ મુદ્દાઓ જોવા મળ્યા
2022ની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો મોંઘવારીનો જોવા મળ્યો છે. અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસનો બાટલો બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે કાર્યકરો પણ સાયકલ લઈને મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યારે આપના રાજકોટ દક્ષિણના ઉમેદવાર દિનેશ જોશી પણ ગેસના બાટલા અને તેલના ડબ્બા સાથે વોટિંગ કરવા આવ્યા હતા. જ્યારે એક મતદારે પણ ગેસ સિલિન્ડર સાથે મતદાન કર્યું હતું. આમ આ ચૂંટણીમાં ગેસના બાટલાના ભાવ અને મોંઘવારીનો મુદ્દો છવાયો છે. આ સાથે જ માલધારીઓના આંદોલન, આમ આદમી પાર્ટીનો ઝંઝાવટ પ્રચાર સહિતના મુદ્દાઓને લઈને મતદાનમાં ઘટાડો તો થયો છે. દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ કહેવામાં આવે છે. જોકે, આ વખતે મોંધવારી, આંદોલનને લઈને સમાજના પ્રશ્નો સહિતના મુદ્દાઓને લઈ રોષના કારણે ભાજપની ચિંતામાં વધારો થયો છે. જોકે, આ ઓછાં મતદાનની કેવી અસર થાય છે તે 8 ડિસેમ્બરના રોજ જોવા મળશે.
દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના મતદાનનું એનાલિસિસ
સુરત જિલ્લો
16 બેઠક ધરાવતા સુરત જિલ્લામાં 12 બેઠક તો સુરત શહેરની છે. ઓલપાડ, કામરેજ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા માર્ગ, કરંજ, લિંબાયત, ઉધના, મજૂરા, કતારગામ, સુરત વેસ્ટ, ચોર્યાસી. આ સિવાયની બીજી ચાર સીટમાં માંડવી, માંગરોળ, મહુવા અને બારડોલીનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધારે સંવેદનશીલ સીટ વરાછાની છે. 16 બેઠકમાંથી 2017માં સૌથી વધારે મતદાન માંડવીમાં 80.45 ટકા થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન કરંજમાં 55.99 નોંધાયું હતું. 2017માં સુરત જિલ્લાનું સરેરાશ મતદાન 66.79 ટકા થયું હતું. જ્યારે 2022માં અત્યારે સંભવિત આંકડા પ્રમાણે 58.94 ટકા જ મતદાન થયું છે. માંડવીમાં સૌથી વધુ 71.36 ટકા અને કરંજમાં 49.53 ટકા મતદાન થયું છે. સુરતની તમામ બેઠક પર 2017થી ઓછું મતદાન નોંધાયું છે.
નર્મદા જિલ્લો
બે આદિવાસી બેઠક ધરાવતા નર્મદા જિલ્લામાં નાંદોદ અને ડેડિયાપાડા બેઠકનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પર 2017માં 85.50 ટકા અને નાંદોદ બેઠકમાં 76.43 ટકા મતદાન થયું હતું. નર્મદા જિલ્લાનું સરેરાશ મતદાન 80.67 ટકા થયું હતું. નર્મદા જિલ્લામાં સૌથી વધારે સંવેદનશીલ સીટ ડેડિયાપાડાની છે. 2022માં નાંદોદ બેઠકમાં 65.14 ટકા અને ડેડિયાપાડામાં 81.34 ટકા મતદાન નોંધાયું છે. સરેરાશ મતદાન 73.24 ટકા નોંધાયું છે. જે 6 ટકા જેટલું ઓછું છે.
ભરૂચ જિલ્લો
એક આદિવાસી સીટ સાથે 6 બેઠક ધરાવતા ભરૂચ જિલ્લામાં જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે. 2017માં ભરૂચ જિલ્લાની આદિવાસી બેઠક ઝઘડિયા પર સૌથી વધુ 81.44 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન ભરૂચ બેઠક પર 67.64 ટકા મતદાન થયું હતું. ભરૂચ જિલ્લામાં સૌથી સંવેદનશીલ બેઠક ઝઘડિયા છે. 2017માં સરેરાશ 73.42 ટકા મતદાન થયું હતું. 2022માં સરેરાશ મતદાન 63.08 ટકા નોંધાયું છે. જે 10 ટકા જેટલું ઓછું છે.
તાપી-ડાંગ જિલ્લો
તાપી જિલ્લામાં બે આદિવાસી બેઠક વ્યારા અને નિઝરનો સમાવેશ થાય છે. 2017માં તાપી જિલ્લાની નિઝર બેઠક પર 80.80 ટકા મતદાન થયું હતું. જ્યારે વ્યારામાં 77.73 ટકા મતદાન થયું હતું. તાપી જિલ્લામાં સૌથી સંવેદનશીલ બેઠક નિઝર છે. તાપી જિલ્લામાં 2017માં સરેરાશ મતદાન 79.42 ટકા થયું હતું. ડાંગ જિલ્લામાં માત્ર એક આદિવાસી બેઠક ડાંગનો સમાવેશ થાય છે. જેમાં 2017માં 73.81 ટકા મતદાન થયું હતું. 2022માં તાપીમાં સરેરાશ મતદાન 73.32 ટકા નોંધાયું છે. જેમાં 2017થી 5
ટકા જેટલું ઓછું છે. જ્યારે ડાંગમાં સરેરાશ મતદાન 64.84 ટકા નોંધાયું છે. જે 9 ટકા જેટલું ઓછું છે.
નવસારી જિલ્લો
બે આદિવાસી બેઠક સાથે ચાર બેઠક ધરાવતા નવસારી જિલ્લામાં જલાલપોર, નવસારી, ગણદેવી અને વાંસદા બેઠકનો સમાવેશ થાય છે. 2017માં સૌથી વધુ મતદાન વાંસદા બેઠક પર 77.62 ટકા થયું હતું. જ્યારે સૌથી ઓછું નવસારીમાં 71.29 ટકા મતદાન થયું હતું. નવસારીમાં સૌથી વધુ સંવેદનશીલ બેઠક ગણદેવી છે. નવસારી જિલ્લામાં 2017માં સરેરાશ 73.98 ટકા મતદાન થયું હતું. 2022માં સરેરાશ મતદાન 65.91 ટકા મતદાન નોંધાયું છે. જે 2017થી 6 ટકા જેટલું ઓછું છે.
વલસાડ જિલ્લો
ત્રણ આદિવાસી બેઠક સાથે 5 બેઠક ધરાવતા વલસાડ જિલ્લામાં ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામનો સમાવેશ થાય છે. 2017માં સૌથી વધુ કપરાડા બેઠકમાં 84.23 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછું ઉમરગામમાં 64.52 ટકા મતદાન થયું હતું. વલસાડ જિલ્લામાં સૌથી સંવેદનશીલ સીટ કપરાડા છે. 2017માં સરેરાશ 72.97 ટકા મતદાન થયું હતું. 2022માં સરેરાશ મતદાન 65.29 ટકા જેટલું નોંધાયું છે. જે 2017થી 6 ટકા જેટલું ઓછું છે.
નીચે આજે મતદાનના દિવસે સવારથી બનેલી ઘટનાઓ અંગે જાણો....
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે.સવારથી મતદારોએ લાઈનો લગાવી મત આપવા પહોંચી ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 64.40 ટકા મતદાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં સૌથી વધુ મતદાન તાપીમાં 72.32 ટકા મતદાન નોંધાયું છે. ગુજરાતમાં પહેલું ઈવીએમ વાપીના 193 નંબરના બૂથ પર ખોટકાયું હતું. મૂકપોલ વખતે ઈવીએમ ખોટવાયું હોવાનું ધ્યાનમાં આવતાં જ જિલ્લા ચૂંટણીની અધિકારીની ટીમને ઘટનાની જાણ કરાઈ અને ઈવીએમ બદલ્યું હતું. નાંદોદમાં મતદાન મથકના ગેટ ખૂલતાંની સાથે જ મતદારોએ રીતસર દોટ મૂકી હતી.એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતાં ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા છે. જે આગામી 8મી ડિસેમ્બરના રોજ ખુલશે.
ઉમેદવારોના જીતના દાવા
શાંતિપૂર્ણ રીતે યોજાયેલા મતદાનને લઈને જે તે પક્ષ દ્વારા પોતાના તરફી મતદાન થયાના દાવા કરવામાં આવ્યાં છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યાં છે. તથા આગામી 8મી ડિસેમ્બરે પોતે જ જીતશે તેવો આશાવાદ પણ ઉમેદવારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
ખેરગામના નાંધઈમાં બબાલ થઈ
ગણદેવી વિધાનસભા બેઠકના બુથ નંબર 301માં બબાલ થઈ હતી. ખેરગામ તાલુકા નાંધઈ ગામે મતદાન મથકમાં બબાલ થઈ છે. મતદાન શરૂ થતા પહેલા કરાતા મોક પોલ મુદ્દે પ્રીસાઈડિંગ ઓફિસર જોડે કોંગ્રેસના પોલિંગ એજન્ટની બબાલ થઈ હતી.પ્રીસાઈડિંગ ઓફિસરે માત્ર 50 મોકપોલ કરવાનું કહેતા માથાકૂટ થઈ હતી.બાદમાં ભાજપ અને કોંગ્રેસના પોલિંગ એજન્ટો વચ્ચે બબાલ થઈ હતી. કોંગ્રેસના પોલિંગ એજન્ટ ધક્કા મારી મતદાન મથકમાંથી બાહર કઢાયા હતા.મતદાન મથકમાં હાજર પોલીસની સામે પણ બબાલ થઈ હતી.
ભાજપને મત આપ્યાનો વીડિયો વાઈરલ
ચોર્યાસી વિધાનસભા બેઠકનો વીડિયો વાઈરલ થયો છે. ભાજપનો ઉમેદવાર સંદીપ દેસાઈને ઇવીએમમાં મતદાર દ્વારા મત આપવામાં આવ્યો હોય તેવો વીડિયો ઉતારવામાં આવ્યો છે. જેમાં ઈવીએમમાં સંદિપ દેસાઈની સામે મત આપી જે સ્લીપ નીકળે છે. તે પણ વીડિયોમાં સ્પષ્ટ બતાવવામાં આવી છે.મત આપ્યાથી વીવીપેટ સુધીનો વીડિયો હાલ સોશિયલ મી઼ડિયામાં વાઈરલ થયો છે.
પુલ ન બનતા ચૂંટણીનો બહિષ્કાર
વાંસદા તાલુકાના વાટી ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અંબિકા નદી ઉપર પુલ ન બનતા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગામના એક પણ મતદારે મતદાન કર્યું નથી. લાંબા સમયથી બ્રીજની માંગણીનો ઉકેલ ન આવતા ગ્રામજનો મતદાન કરવા ગયા નહિ. બુથ પર નીરવ શાંતિ જોવા મળી હતી.
ઈટાલિયાની અધિકારીઓ સાથે ચકમક
કતારગામ ડભોલી પાસે આવેલા ગાયત્રી મંદિર નજીકના વોટિંગ બૂથ ઉપર મતદાન ખૂબ ધીમું થતું હોવાને કારણે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કતારગામના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની અધિકારીઓ સાથે ચકમક થઈ ગઈ હતી. ગોપાલ ઇટાલીયાએ અધિકારીઓને ઝડપથી મતદાન પ્રક્રિયા કરાવવા માટે રજૂઆત કરી હતી. બૂથ ઉપર ખૂબ ધીમી ગતિથી મતદાન થતા લાંબી તથા લાગી ગઈ હતી.
સીમંત છોડી સગર્ભાએ મતદાન કર્યું
રાજપીપળામાં સીમંતનો પ્રસંગ છોડી સગર્ભાએ મતદાન કર્યું હતું. પરિવારના સભ્યો સાથે મહિલા મતદાન મથકે પહોંચી હતી. દાગીના અને સીમંતનાં કપડામાં સજ્જ સગર્ભા મતદારને જોઈને અન્ય મતદાઓને પણ પ્રેરણા મળી હતી. સગર્ભાએ કહ્યું હતું કે હું આવનારા બાળકના ભવિષ્ય માટે મતદાન કરવા આવી છું. મારા મતથી મજબૂત સરકાર બનશે, જે મારા બાળકને માટે નવા કાર્યો કરશે.
હર્ષ-પાટીલે ચાની ચૂસકી લીધી
પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હર્ષ સંઘવી સાથે હળવા મૂડમાં જોવા મળ્યાં હતાં. બન્ને નેતાએ કેન્દ્રીય વિદ્યાલય નજીક આવેલી ચાની કીટલી પર ચા પીવાની મોજ માણી હતી. જાણે પ્રથમ તબક્કાની ચૂંટણીનો થાક ઉતારતા હોય એ રીતે બન્ને નેતાએ ચા-પાણી કર્યા હતા.
લાઈટ જતાં મતદારોની લાઈનો લાગી
ઇલેક્શનને દરેક વિધાનસભા મત વિસ્તારની અંદર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું કે લાઈટ જેવી અગત્યની સેવાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે. પાવર કટ ન થાય એ માટેની વ્યવસ્થા સુપેરે પાર પાડવામાં આવે છતાં પણ સુરત ઉત્તર વિધાનસભા બેઠક પર કેટલાક વિસ્તારોમાં અડધો કલાક કરતાં વધુ સમય સુધી લાઈટ જતાં મતદારો મુશ્કેલીમાં મુકાયા હતા. એના દૃશ્યો સામે આવ્યાં હતાં. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે મતદાન બૂથ પાસે જ ધરણાં પર બેસી જતાં પોલીસે તેમને ઉઠાડવા માટે પ્રયાસો કરીને બહાર લઈ ગયા હતા. લાઈટ બંધ થતાં ઉત્તર વિધાનસભા બેગમપુરા વિરમગામી મહોલ્લાની શાળામાં વોટિંગ બંધ લાંબી લાઈનોથી મતદારો ત્રસ્ત થયા હોવાના આક્ષેપ કર્યા છે.
વરાછા વિધાનસભા બેઠક પર રાજ્યભરની નજર મંડાયેલી છે. ત્યારે આજે વરાછા બેઠકના આપ અને ભાજપના ઉમેદવાર મતદાન મથક પર ભેગા થઈ ગયા હતાં. સભાઓમાં એકબીજાની પર લાંછન લગાવનારા બન્ને ઉમેદવારો ભેગા થયા તો ભરત મિલાપ જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના આશીર્વાદ લીધા હતાં. બાદમાં બન્ને ગળે મળીને ભેટી પડ્યા હતા.
હુમલા બાદ મતદાન
વાંસદાના ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલે મતદાન કર્યું હતું. તેમના પર અને તેમના સમર્થકો સાથે મનપુર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. ગત રાત્રિએ તેમના પર હુમલો થયો હતો. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં લોહીવાળા શર્ટ અને માથા પર પટ્ટી બાંધી હોવા છતાં તેઓ મતદાન મથકે પહોંચીને મતદાન કરવા પહોંચ્યા હતા. હુમલા દરમિયાન મતદારોને પ્રલોભન આપવાની વાતને પીયૂષ પટેલે નકારી હતી.
વલસાડમાં વીવીપેટ બદલાયું
વલસાડના રેલવે વિસ્તારમાં આવેલા મતદાન મથક પર વિધાનસભા બેઠક પર 205 નંબરના મતદાન મથક પર 20 મતદારે મતદાન કર્યા બાદ CU કાઉટિંગ યુનિટ ખોટકાયું હતું અને 201 નંબરના બૂથ પર વીવીપેટ મશીન ખોટકાયું હતું. BLOએ તાત્કાલિક ચૂંટણી અધિકારીને ઘટનાની જાણ કરી હતી. 205 નંબર ના મતદાન મથક પર CU અને 201 નંબરના મતદાન મથક પર વીવીપેટ મશીન બદલવામાં આવ્યું હતું. તાત્કાલિક ચૂંટણી અધિકારીની ટીમ મતદાન મથક પર પહોંચી ક્ષતિ પામેલાં મશીનો બદલવામાં આવ્યાં હતાં
મેયર સાઇકલ લઈને પહોંચ્યા
સુરતનાં મેયર હેમાલી બોઘાવાલા આજે સાઇકલ લઈને મતદાન કરવા માટે પહોંચ્યાં હતાં. એકલાં જ મતદાન કરવા નીકળેલાં હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવવું ઓછું કરવું એ આપણી ફરજ છે. એમ મતદાન કરીને પણ લોકશાહીને મજબૂત કરવી દરેકની ફરજ છે, જેથી મેં સાઇકલ પર નીકળીને અનોખો સંદેશ આપવા પ્રયાસ કર્યો છે. દરેક નર-નારી મતદાન કરે એ સંદેશ સાથે મેં સાઇકલ સવારી કરી છે.
મોંઘવારીના વિરોધ સાથે મતદાન
સુરતની ઉત્તર બેઠક પર એક મતદારે મોંઘવારીનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ગેસનો બાટલો ખભે લગાવીને મતદાર મતદાન કરવા માટે પહોંચ્યો હતો. ગેસની વધી ગયેલી કિંમતોનો પ્રતીકાત્મક રીતે વિરોધ કરતાં મતદારે મતદાન કરીને મોંઘવારીનો વિરોધ કરતો હોય એ રીતે મતદાન કરવા પહોંચ્યો હતો.
બે ધારાસભ્યોએ એકસાથે મતદાન કર્યું
ગુજરાતની બે વિધાનસભાના ઉમેદવારો એક જ મતદાન મથક પર મતદાન કરતા હોય તેવો આ એક માત્ર બૂથ છે. સુરત ઉત્તર વિધાનસભા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 93માં પટેલ નગર ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર વિધાનસભાના ઉમેદવાર કાંતિ બલર અને ભારતીય જનતા પાર્ટીના જ વરાછા બેઠકનો ઉમેદવાર કુમાર કાનાણી મતદાન કરે છે.
દિવ્યાંગો વ્હિલચેર ન અપાતાં અટવાયા
વલસાડના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે વયોવૃદ્ધ મતદારો માટે વ્હીલ ચેર હોવા છતાં આપવામાં આવતી નહોતી. એને કારણે વૃદ્ધો અટવાયા હતા, સાથે જ દિવ્યાંગોને પણ ચાલીને જવાની ફરજ પડતી હતી. મતદાન મથકના સુરક્ષા કર્મીઓએ વયોવૃદ્ધ મતદારોને પાયાની સુવિધાથી વંચિત રાખ્યા હતા. વૃદ્ધો અને પરિવારજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જેથી વયોવૃદ્ધના પરિવારજને નારાજગી વ્યક્ત કરી હતી.
કિન્નરોએ વોટિંગ કર્યું
બારડોલીમાં મતદાન પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ હતી. ત્યારે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મઢી ગામની એક યુવતીનો આજે જન્મદિવસ પણ હોય અને તેણે પ્રથમ વખત મતદાન કર્યું હતું. તો બીજી તરફ બારડોલી નગરમાં રહેતા કિન્નર સમાજના 25 જેટલા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
જન્મદિવસે મતદાન
સુરત જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર સવારથી મતદાન પ્રક્રિયા થઈ હતી. સુરત જિલ્લાના બારડોલી તાલુકાનું અને મહુવા વિધાનસભામાં આવતું મઢી ગામે એક યુવતી માટે અનોખો સંયોગ જોવા મળ્યો હતો. મઢી ગામના વ્યાપારી અગ્રણી સ્નેહલ શાહની પુત્રી રિતી સ્નેહલ શાહે પ્રથમ વખત મતદાન કર્યું હતું. જોકે આજે એક બાજુ લોકશાહીનો મહાપર્વ મતદાન પણ હોય સાથે સાથે તેનો જન્મ દિવસ પણ હતો. જેથી તેણે તેના પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કર્યું હતું અને સૌને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.
જૈન સમુદાયે સમૂહમાં વોટ આપ્યા
સુરતના મજૂરા વિધાનસભા વિસ્તારમાં ઉમરા પોલીસ મથક ખાતે બનાવવામાં આવેલા બૂથ પર અનોખું મતદાન જોવા મળ્યું હતું. અહીં મોટી ઉંમરના મતદારો મતદાન કરવા તો આવ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે એક એવું ગ્રુપ મતદાન કરવા આવ્યું હતું કે જેને જોઈને સૌકોઈ આકર્ષિત થઈ ગયા હતા. 50થી વધુનું આ ગ્રુપ સંપૂર્ણ જૈન સમુદાયના પારંપરિક પોશાક પહેરીને આવ્યા હતા, સાથે ઢોલ નગારાંના તાલે નાચતા અને ઉમંગ ઉત્સાહ સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. જાણે કોઈ તહેવારની ઉજવણી થતી હોય એમ આ જૈન સમુદાયના ગ્રુપ દ્વારા લોકશાહીના આ પર્વને ઉત્સવ બનાવાયું હતું. શુભ કાર્યમાં પરમાત્માની આજ્ઞા બાદ મતદાન કરવા પહોંચ્યા હતા. પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં તો આપણે તમામ તહેવારને ઉત્સાહભેર બનાવીએ છે તો પછી આ તો આપણા લોકશાહીનું પર્વ છે તો આને તો તમામ તહેવારની જેમ ઉત્સાહભેર મનાવવો જોઈએ. અન્ય તહેવારો તો દર વર્ષે વર્ષે આવે છે, પરંતુ આવો લોકશાહીનો તહેવાર તો પાંચ વર્ષે એકવાર આવે છે. તો એને લઈને ઉત્સાહ તો હોવો જ જોઈએ. કોઈપણ શુભ કાર્યમાં અને તહેવારોમાં સૌપ્રથમ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ, એ જ રીતે લોકશાહીના આ પર્વમાં ભાગ લેતાં પહેલાં અમે પરમાત્માની રજા મંદિર લેવા પહોંચ્યા હતા. જૈન મંદિરમાં દર્શન કરી પરમાત્માની આજ્ઞા લઈ સારા કાર્યમાં જોડાવવા પ્રાર્થના કરી મતદાન કરવા નીકળ્યા હતા. આ રીતે વરઘોડાની વાજતેગાજતે મતદાન કરવાનું સરઘસ કાઢી અન્ય લોકોને પણ આ લોકશાહીના પર્વમાં જોડવા માટે અપીલ કરી હતી.
ગૃહમંત્રીએ મતદાન કર્યું
ગહમંત્રી હર્ષ સંઘવીએ સપરિવાર મતદાન કર્યું હતિ. મતદાન બૂથ પર હર્ષ સંઘવીએ વડીલોના આશીર્વાદ લીધા હતા. મતદાન કરવા આવેલા વડીલો સાથે હર્ષ સંઘવીએ સંવાદ કર્યો હતો. વડીલો પાસે હર્ષ સંઘવીએ આશીર્વાદ માગ્યા હતા. પોતાના પરિવારના સભ્યોને વ્હીલચેર પર મતદાન કરવા હર્ષ સંઘવી લઈને આવ્યા હતા.
પરપ્રાંતીયોમાં નિરુત્સાહ
મતદાન સવારે આઠ વાગ્યે શરૂ થઈ ગયું હોવા છતાં પાટીદારો વિસ્તારોમાં અને ખાસ કરીને લિંબાયત સહિતના પરપ્રાંતીય વિસ્તારોમાં મતદાનનો નિરુત્સાહ જોવા મળી રહ્યો હતો, જેના કારણે ઉમેદવારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. જ્યાં મોટા ભાગે સવારના સમયે જ લાંબી લાઈનો લાગતી હોય તેવા વિસ્તારોમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો
આદિવાસી મતદારોને રીઝવવા માટે ભાજપે ભરપૂર પ્રયાસો કર્યા
દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ મનાય છે. ત્યારે આ ગઢને જાળવી રાખવા અને આદિવાસી મતદારોને રિઝવવા માટે ભાજપે ભરપૂર પ્રયાસો કર્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ પોતાની બેઠકો જાળવી રાખવા માટે એડિચોટીનું જોર લગાવ્યું છે. બીજી તરફ નવા પક્ષ તરીકે ઉભરી રહેલા આમ આદમીએ પણ સુરતની વરાછા-કતારગામ સહિતની તમામ બેઠકો પર પૂરતું જોર લગાવ્યું છે. ત્યારે મતદારો પણ પોતાના ઉમેદવાર માટે મતદાન કરવા માટે મતદાન બૂથ પર પહોંચી મતદાન કર્યું છે. અકળ મૌન ધરાવતા મતદારો ઈવીએમ પર બટન દબાવી કોના પર કળશ ઢોળ્યો છે અને સત્તાના સંગ્રામમાં વિજેતા બનાવે છે તે 8મી ડિસેમ્બરના રોજ ખબર પડશે
સુરતના જિલ્લાના 168 ઉમેદવારો મેદાનમાં
સુરત જિલ્લામાં કુલ 47.45 લાખ મતદારો આજે સુરત જિલ્લાના 16 બેઠકો પર 168 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે મતદાન કરવા ઉમટી રહ્યાં છે.સુધારણાના અંતે 47.45 લાખા મતદારો નોંધાયેલા છે. જેઓ લોકશાહીના મહાપર્વમાં તા.1લી ડિસેમ્બરના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે, જિલ્લામાં 4623 મતદાન મથકો હતા. જેમાં 14 સહાયક મતદાન મથકોનો ઉમેરો થતા હવે 4637 મતદાન મથકોમાં મતદાન થયા છે.16 વિધાનસભામાં 168 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જિલ્લામાં 2633 મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થશે. જે પૈકી 1903 ક્રિટીકલ મતદાન મથકો છે જેના 526 લોકેશન પર માઈક્રો ઓબ્ઝર્વર, લાઇવ વેબકાસ્ટીંગ, સી.આર.પી.એફ તૈનાત રહેશે. 16 વિધાનસભાઓમાં 16 મોડેલ, 16 દિવ્યાંગ મતદાન મથકો, 112 જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો તેમજ 16 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર હોવાની વિગતો જિલ્લા ચુંટણી અધિકારીએ આપી હતી. શહેરી વિસ્તારમાં મજુરા વિધાનસભામાં એક યુવાઓ દ્વારા સંચાલિત મતદાન મથક તથા આદિવાસી વિસ્તાર એવા માંડવી અને માંગરોળ વિધાનસભામાં એક-એક ટ્રાયબલ પોલીંગ સ્ટેશનો ઉભા કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.
વરાછા બેઠક પર સમગ્ર રાજ્યની નજર
ગુજરાત જ નહીં, દેશના લોકોને પણ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાંથી ખરેખર કેટલી સીટ મળશે એ જાણવામાં ઉત્સુકતા છે. એમાં પણ ગુજરાતમાં AAPનો જ્યાં ઉદય થયો હતો એ સુરત શહેરમાં AAP કેવું પર્ફોર્મન્સ કરશે એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ટિકિટ તેમજ ખુદ AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને મહામંત્રી મનોજ સોરઠિયા મેદાનમાં ઊતર્યા છે ત્યારે AAP સુરતમાં કેટલી બેઠકો લઈ જશે એ સૌકોઈ જાણવા માગે છે.
AAP-PAASના જોડાણથી માહોલ વધુ બદલાયો
પાટીદાર અનામત આંદોલન સમિતિના (PAAS) સુરતના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાયા છે. આને પગલે સુરત શહેરમાં પાટીદારોનો યુવા ચહેરો ઊભરી આવ્યો અને પાટીદાર યુવાનો AAP તરફ જતા દેખાઈ રહ્યા છે. AAPમાં PAASની ટીમ આવી ગયા બાદ વરાછા સહિતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ભાજપની પકડ ઢીલી પડી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં જે 27 બેઠકો AAPને મળી તેની પાછળ PAASની સૌથી મોટી ભૂમિકા હતી. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનાં સૂંપડાં સાફ થઈ ગયાં હતાં અને AAPને 27 બેઠકો મળતાં તે મજબૂત રીતે વિપક્ષમાં બેઠી હતી. નરેન્દ્ર મોદીને પણ આ બાબતની ચોક્કસ ખબર હશે જ કે 27 બેઠકો AAPને મળી તે પાછળનું મુખ્ય કારણ શું છે.
નવસારીની 4 બેઠક માટે મતદાન
વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં બે તબક્કામાં થઇ રહી છે. તેવામાં નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠક પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂ઼ંટણીનું પરિણામ જાહેર થશે. નવસારી જિલ્લાની બેઠક પર આ વખતે 88 હજાર નવા મતદારો નિર્ણયાક સાબિત થશે. સૌથી વધુ નવા યુવા મતદારોની સંખ્યા વાંસદા બેઠક પર 25 હજારથી વધુ છે. જ્યારે નવસારી બેઠક પર 21 હજાર, જલાલપોર 20 હજાર, ગણદેવી બેઠક પર 22 હજાર નવા મતદાર ઉમેરાયા છે. હાલ કુલ મતદારોની સંખ્યા 1078260 પૈકી 539816 સ્રી મતદારો છે.
કોંગ્રેસ-ભાજપ વચ્ચે જંગ
જ્યારે પુરૂષ મતદારોની સંખ્યા 5,38,876 છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 4માંથી 3 બેઠક તો ભાજપ જીત્યું હતું. સાથે જિલ્લામાં ભાજપને પ્રતિસ્પર્ધી કોંગ્રેસકરતા 15 ટકા જેટલા વધુ મતો પણ મળ્યાં હતા. 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નવસારી જિલ્લાની 4 બેઠકો માટે મતદાન થયું હતું. મતદાન બાદ રિઝલ્ટ જાહેર થયું, તેમાં 4માંથી 3 બેઠકો નવસારી, જલાલપોર અને ગણદેવી ઉપર ભાજપનો સારા માર્જીનથી તથા વાંસદા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો સારા માર્જીનથી વિજય થયો હતો.
બે પક્ષો સિવાય અન્યોને 4.35 ટકા મત
ગત ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની સીધી ફાઇટ હતી. અન્ય પક્ષો યા અપક્ષ તો હતા પણ ગજુ કાઢ્યું ન હતું. જિલ્લામાં થયેલ મતદાનમાં 95.66 ટકા તો બે પક્ષને જ મત મળ્યાં, જ્યારે બીએસપી અને એનસીપી, અપક્ષોને માત્ર 4.35 ટકા જ મત મળ્યા હતા.
ગત ચૂંટણીમાં ‘આપ’ રેસમાં ન હતું
2022ની ચૂંટણીમાં જિલ્લાની કોઈ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ન હતા. જોકે આ વખતે રાજ્યની અન્ય બેઠકોની સાથે જિલ્લામાં પણ આપ મેદાનમાં ઉતર્યું છે. જિલ્લામાં જે ચાર બેઠકો છે તેમાંથી ત્રણ બેઠકો ઉપર તો આપે ઉમેદવાર જાહેર પણ કરી દીધા છે.
ડાંગમાં કોંગ્રેસ જીત્યું હતું પણ પેટા ચૂંટણીમાં ભાજપે ભારે સરસાઇથી બાજી મારી
નવસારીને અડીને આવેલ ડાંગ જિલ્લાની પણ 1 વિધાનસભા બેઠક છે. 2017ની ચૂંટણીમાં અહીં કોંગી ઉમેદવાર મંગળ ગાવિત ભાજપના વિજય પટેલ સામે માત્ર 768 મતની સરસાઈથી જીત્યું હતું. મળેલ મતોની ટકાવારી તો પોણા ટકાથી પણ ઓછી હતી. જોકે ટર્મ પૂરી થવા અગાઉ જ મંગળ ગાંવિતે રાજીનામુ આપી દેતા પેટાચૂંટણી યોજવી પડી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ કોંગી ઉમેદવાર સામે ભારે માર્જીનથી વિજયી થયા હતા.
વલસાડમાં ત્રિપાંખિયો જંગ
વલસાડ બેઠક પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના વતનની બેઠક છે. જાણીતા ફિલ્મ અભિનેત્રી નિરૂપા રોયની ભૂમિ છે. ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ માણેક શાહના પરિવારનું વતન છે અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બચપણની પ્રાથમિક શિક્ષણ મેળવેલ ભૂમિ છે. આ બેઠક પર 1990થી ભાજપનું શાસન છે. 2012 અને 2017માં ભાજપના ભરત પટેલે આ બેઠક સતત જીતી હતી. 2022માં આપના પ્રવેશ બાદ મતોના સમીકરણથી ત્રીપાંખીયો જંગ શરૂ થયો છે.ડેમ આંદોલનની અસર ચૂંટણી પર પડી શકે છે.
વલસાડના જાતિગત સમીકરણો?
વલસાડ બેઠક પર જ્ઞાતિ આધારિત સમીકરણોની વાત કરીએ તો અહીં કોળી પટેલ, ઘોડીયા માચી, મુસ્લિમો અને મરાઠી લોકોનું વર્ચસ્વ સૌથી વધુ છે. હાલ આ બેઠક પર ભાજપના ભરત પટેલ ધારાસભ્ય છે. તેઓ સતત બે ટર્મથી અહીંના સત્તાનો સંગ્રામ જીતી રહ્યા છે. ધારાસભ્ય ભરત પટેલની વાત કરીએ તો વલસાડમાં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ ધરાવે છે. પટેલ સમાજ પ્રગતિ મંડળના સતત ચાર ટર્મથી પ્રમુખપદની જવાબદારી નિભાવી રહ્યાં છે. બીજા પાસાની વાત કરવામાં આવે તો ભરત પટેલ આજ દિવસ સુધી કોઈ પણ વિવાદમાં ફસાયા નથી.
વલસાડ બેઠક પર સૌથી ગરમ મુદ્દો
આમ તો વલસાડ બેઠક લોકોની અનેક માંગો અને વિરોધના મુદ્દાઓ છે. પરંતુ એક વિરોધથી માત્ર વલસાડ જ નહીં દિલ્હી સુધી રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. હકીકતમાં ધરમપુરના ચાસ માંડવા અને પૈખેડ ખાતે રીવર લિંક પ્રોજેક્ટમાં સૂચિત ડેમ બનાનાર હોઇ આદિવાસી સમાજના વિવિધ સંગઠનો વિરોધ નોધાવી રહ્યા છે. લોકોનો વિરોધ એ મુદ્દે છે કે ડેમ બનશે તો 4000 લોકોને વિસ્થાપિત થવાનો વારો આવશે.
વલસાડ બેઠક પર વિવાદ
- વલસાડ જીલ્લામાં ભાજપમાં વોટ્સએપ ગૃપ મુદ્દે વિવાદ ઊભો થતા પક્ષમાં અફરાતફરી મચી હતી. હકીકતમાં આ ગ્રુપમાં કોઇ અશ્લીલ ફોટા અને મેસેજ મૂકી દેતા ખડભડાટ મચ્યો હતો. આ ગ્રુપમાં જિતુભાઇ ચૌધરી સહિત ભાજપના ઉચ્ચ હોદ્દેદારો સામેલ હતા. જોકે, વીડિયો સેન્ડ કરનારને ગ્રુપમાંથી રીમૂવ કરાયો હતો.
તાપી જિલ્લામાં કોંગ્રેસનું વર્ચસ્વ
તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા બેઠક કે જેના પર હમેશાં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે, રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારે લોકપ્રિયતા વચ્ચે પણ કોંગ્રેસે વ્યારા બેઠક જાળવી રાખી છે અને કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીત છેલ્લી ચાર ટર્મથી વિજેતા બની ભાજપને હંફાવતા આવ્યા છે, જેને કારણે વ્યારા વિધાનસભા બેઠક આજદિન સુધી ભાજપ જીતી શક્યો નથી.
આદિવાસીઓને રીઝવવા પ્રયાસ
વ્યારા વિધાનસભા બેઠક પરથી ભાજપની ચૂંટણી લડવાની વાત કરીએ તો, ભાજપ છેક 1990થી અત્યાર સુધીમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વ્યારા બેઠક પરથી ચૂંટણીનાં મેદાનમાં ઉતારી ચૂક્યું છે. જોકે ભાજપને ગુજરાતમાં 27 વર્ષનાં શાસન બાદ પણ વ્યારા બેઠક પર હજુ સુધી જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત ચૂંટણીઓ વ્યારા બેઠકને કબજે કરવા અનેક જાહેર સભાઓ સંબોધી અહીંના આદિવાસી મતદારોને આકર્ષવા ધમપછાડા કર્યા હતા.
BJP ત્રીજા સ્થાને રહેલી
1990થી અત્યાર સુધી વ્યારા વિધાનસભા બેઠકનાં પરિણામો પર નજર કરીએ તો 1990ની વિધાનસભા ચૂંટણીમાં વ્યારા બેઠક પર અપક્ષ ઉમેદવાર અમરસિંહ ચૌધરીને 34, 320 મતો મળ્યા હતા અને 1708 મતે જીત્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ.મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરી હાર્યા હતા. ભાજપના ઉમેદવાર સુમુન ગામીતને માત્ર 2614 મત જ મળ્યા હતા. ત્યારબાદ 1995 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રણજિત પાવાગઢીને ટિકિટ આપી હતી જેને 14,490 મત મળ્યા હતા અને ભાજપના ત્રીજા નંબરે રહી હતી.ત્યાર બાદ 1998ની વિધાનસભા ચૂંટણી ભાજપે એક સમયનાં અપક્ષ ધારાસભ્ય અમરસિંહ જેડ.ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા જોકે અમરસિંહ ચૌધરી પણ 16,070 મતે હાર્યા હતાં. જોકે છેલ્લી બે ટર્મમાં ત્રીજા સ્થાને રહેલી ભાજપ બીજા સ્થાન પર પહોંચવામાં સફળ રહી હતી. સાલ 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પૂર્વ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની સામે મહિલાને ટિકિટ આપી હતી. જેમાં પણ ભાજપના ઉમેદવાર શારદાબેનને માત્ર 14,389 મત મળ્યા હતા, જેની સામે તુષાર ચૌધરીને 54797 મતો મળ્યા હતા અને ભાજપ કરતાં વધુ મત તો અપક્ષ ઉમેદવારને 26401 મત મળ્યા હતા, જેને કારણે ભાજપનું મોટા પાયે ધોવાણ થતાં BJP ત્રીજા સ્થાને રહી હતી.
નર્મદામાં ત્રિપાંખિયો જંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ જોવા મળતા રાજકીય ગરમાવા વચ્ચે નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડિયાપાડા બેઠક પર પણ નવાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. નાંદોદ બેઠક પરનું રાજકીય ગણિત તેમજ કયા વર્ગના લોકોનો ઝોક એ અંગે અહીં જાણકારી અપાઈ છે. નાંદોદ બેઠક પર વર્ષ 2017માં પ્રેમસિંહભાઇ વસાવાએ જીત મેળવીને કોંગ્રેસના નામે આ સીટ કરી હતી. આ ચૂંટણીમાં વસાવાએ ભાજપના ઉમેદવાર શબ્દ શરણ તડવીને માત આપી હતી, જ્યારે 2012માં ભાજપના ઉમેદવાર શબ્દ શરણ તડવીનો વિજય થયો હતો. શબ્દ શરણ તડવીએ કોંગ્રેસના રમેશ વસાવાને 15 હજાર કરતાં વધુ મતોથી હરાવ્યા હતા. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજિત 2,34,242 છે, જેમાં 1,19,349 પુરુષ મતદારો અને 1,14,892 મહિલા મતદારો છે, જ્યારે અન્ય મતદારની સંખ્યા 1 છે.
જ્ઞાતિ પ્રમાણે મતદારો
મતદારોમાં બ્રાહ્મણ, વણિક અને પાટીદાર મતદારોની કુલ સંખ્યા 32 હજાર જેટલી છે. જયારે તડવી, વસાવા અને ભીલ વગેરે આદિવાસી મતદારોની સંખ્યા 1,46,000 છે તેમજ લઘુમતી મતદારો 15 હજાર છે અને બક્ષીપંચના મતદારો 18 હજાર છે.આદિવાસી અને દલિત મતદારોનો ઝોક હાર-જીત નક્કી કરે છે. અહીં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જિલ્લા પંચાયતમાં ભાજપને માત્ર 1 બેઠક મળતા અહીં કોંગ્રેસ ઉત્સાહમાં છે.નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં તડવી સમાજના મતદારોનો પ્રભુત્વ વધારે જોવા મળે છે. નવા સમાવિષ્ટ ગામોમાં પણ તડવી સમાજના લોકો વધુ હોવાથી મુખ્ય પક્ષોની નજર આ વોટ બેંક ઉપર જ રહેશે તેમ જણાય છે.
ડેડિયાપાડામાં ચતુષ્કોણીય જંગ
નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠકોમાં 148,નાંદોદ વિધાનસભા અને 149, ડેડિયાપાડા વિધાનસભા બન્ને બેઠકોની ચૂંટણી પહેલી ડિસેમ્બર યોજાશે. જિલ્લાની બન્ને બેઠક માટે નોંધાયેલા કુલ-4,57,703 મતદારોમાં ૨,૩૦,૪૫૦ પુરૂષ મતદારો અને ૨,૨૭,૨૪૮ સ્ત્રી મતદારો, ૩ ટ્રાન્સજેન્ડર મતદારો, ૧૯૦ સેવા મતદારો, ૪૦૮૪ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. ૭,૨૧૫ જેટલા નવા મતદારો નોંધાયા છે. નાંદોદ બેઠક પર 307 મતદાન મથકો, જયારે ડેડિયાપાડા બેઠક પર 317 મતદાન મથકો રહેશે.જિલ્લાની બન્ને બેઠકો માટે કુલ-624 મતદાન મથકોમાં મતદાન યોજાશે. ડેડિયાપાડા વિધાનસભા બેઠક ઉપર ભાજપા સામે પણ બીટીપીના ઉમેદવાર મહેશ વસાવા વિજેતા થયા હતા. હવે આ વખતે ડેડિયાપાડા બેઠક પર ચતુષ્કોણીય જંગ ખેલાવાનો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ,બીટીપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે, જેમાં અત્યારસુધીમાં ડેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચતુર વસાવાના નામની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે ભાજપ, કોંગ્રેસ અને બીજેપીના ઉમેદવારની જાહેરાત હજી બાકી છે.
ભરૂચની પાંચ બેઠક માટે જંગ
ભરૂચ જિલ્લાની પાંચક બેઠકોમાં વાગરા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર-હાંસોટ, અને ઝઘડિયા વિધાનસભા બેઠકમાં મતદાન થઈ રહ્યું છે. સવારથી જ મતદારો ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કરી રહ્યા છે. આ વખતે પાંચેય બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી છે. વાગરા બેઠક પર કોંગ્રેસ અને ભાજપની ટક્કર જોવા મળી છે, જ્યારે ભરૂચ વિધાનસભા બેઠક પરથી ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. વાત અંકલેશ્વરની કરીએ તો બે સગા ભાઈઓ સામ સામે ઊભા રહ્યા છે ત્યારે તો કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ટક્કર જોવા મળશે.
ભાજપે જંગી પ્રચાર કર્યો છે
વાગરા અને જંબુસરની વિધાનસભાની બેઠક પરથી નરેન્દ્ર મોદી પ્રચાર કરી ચૂક્યા છે, જ્યારે ઝઘડિયા બેઠક પર યોગી આદિત્યનાથે પ્રચાર કર્યો છે. ઉપરાંત અંકલેશ્વર બેઠક પર જેપી નડ્ડા પણ પ્રચારમાં ઊતર્યા હતા. ભાજપ કોંગ્રેસની સાથે સાથે અહીં આમ આદમી પાર્ટી દ્વારા પણ પુરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો છે. ત્યારે મતદારોને કોની વાત ગળે ઊતરી છે, એને લઈને હાલ મતદાન ચાલી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.