લઠ્ઠાકાંડ મુદ્દે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં કોંગ્રેસ અને આપ દ્વારા ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બુધવારે યુથ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રીની ઓફિસ બહાર પૂતળા દહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગુરુવારે કતારગામમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગૃહમંત્રીના પૂતળાનું દહન કર્યુંું હતું.દરમિયાન અલથાણના ઈશ્વર ફાર્મમાં બેઠેલા શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ સહીતના 40થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. કોઈ પણ જાતના કારણ વગર અટકાયત કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકારનો વિરોધ કર્યો હતો.
તેમજ કાર્યકરો અને પોલીસ વચ્ચે ધર્ષણ ઊભું થયું હતુંકોંગ્રેસ પ્રમુખ સહીતના લોકોને પોલીસ અટકાયત કરી અલગ અલગ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી જ્યાંથી કલાકો બાદ તમામને છોડીને મુક્વામાં આવ્યા હતા. ગૃહમંત્રીની ઓફિસ નજીક પૂતળા દહન કરવાની તૈયારીની શંકાના આધારે પોલીસે તમામને ઊંચકી લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શુક્રવારે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરી બહાર ધરણા કરાશે.
ભાજપે રાષ્ટ્રપતિ માટેની ટિપ્પણીનો વિરોધ કર્યો
કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી માટે રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો જેના વિરોધમાં શહેર ભાજપ દ્વારા ગુરુવારે સાંજે સ્વામી વિવેકાનંદ સર્કલ, મક્કાઈ પુલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.શહેર ભાજપ પ્રમુખ સહીતના લોકોએ ‘આદિવાસી દીકરીનું અપમાન નહી ચાલે’ જેવા પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. એક તરફ શહેરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા લઠ્ઠાકાંડના વિરોધમાં ભાજપ સરકાર સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસ નેતાની ટીપ્પણીનો વિરોધ કર્યો હતો.
ઉર્જા મંત્રીએ કહ્યુ વીજળી બચાવો, આપે કહ્યું પોટલી નહીં વીજળી આપો
લઠ્ઠાકાંડને પગલે રાજ્યભરમાં કોંગ્રેસ અને આપ વિરોધ પ્રદર્શન કરી રહી છે. હાલમાં જ આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સુરતમાં આગામી વિધાનસભાની ચૂંટણીનો ઢનઢેરો લઈ આવ્યા હતા અને રાજ્યમાં જો તેમની સરકાર બને તો 300 યુનિટ સિુધી વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી હતી.ત્યારે ગુરુવારે યુનિવર્સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, 1 યુનિટ વીજળીની બચત 1 યુનિટ વિજળી ઉત્પાદન બરાબર છે. જો કે, તે જ સમયે લઠ્ઠાકાંડના વિરોધમાં ક્લેક્ટરને આવેદન આપવા પહોંચેલા આપ કાર્યકરોના હાથમાં પોટલી નહીં વીજળી આપોના બેનર દેખાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.