સુરતના લિંબાયત વિસ્તારમાં બે દિવસ પહેલા બે પુત્રોની નજર સામે જ પિતાની હત્યા કરવામાં આવી હતી. અગાઉના ઝઘડાની અદાવતમાં ફરી બોલાચાલી થતા આરોપીએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.આ ગુનામાં લિંબાયત પોલીસે હત્યા કરનાર આરોપી અને પુરાવાનો નાશ કરવામાં મદદરૂપ કરનાર અન્ય બે ઈસમોની ધરપકડ કરી છે. હત્યા કરનાર આરોપી રીઢો ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
લિંબાયતમાં બે સંતાન સામે જ પિતાની હત્યા
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ઋષિકેશ એક્ન્લેવમાં રહેતા નીતેશ સાહેબરાવ પાટીલ 8 જાન્યુઆરીના રોજ પોતાના બે બાળકોને નાસ્તો કરાવવા માટે લઈને જતા હતા તે દરમ્યાન દશરથ ઉર્ફે કાણીયો પાંડુરંગ પાટીલ સોસાયટીના ગેટ પાસે બેઠો હતો. નીતેશ અને દશરથ વચ્ચે અગાઉ પણ ગણપતીના તહેવાર દરમ્યાન ઝઘડા થયા હતા. દરમ્યાન નીતેશે દશરથને તું સૂબહ સે યહાં કયું બેઠને આતા હૈ તેરે કો યહાં આને સે મના કિયા હૈ ના તેમ કહેતા બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. જેમાં દશરથ ઉર્ફે કાણીયો પાંડુરંગ પાટીલે નીતેશને પુત્રોની સામે જ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં તેને હોસ્પિટલ લઇ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે લિંબાયત પોલીસ મઠકમાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
હત્યા કરનારને પોલીસે ઝડપી પાડ્યો
લિંબાયત પોલીસે હત્યા કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે જુદી જુદી ટીમ બનાવી હત્યારાને ઝડપી પાડવા કામે લગાવી હતી. દરમિયાન હત્યા કરનાર દશરથ ઉર્ફે કાણિયો પાંડુરંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે તેને મદદ કરનાર અન્ય બે ઈસમોની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પુરાવાના નાશ બદલ અન્ય બેની ધરપકડ
પોલીસે જણાવ્યું હતું કે આ ગુનામાં હત્યા કરનાર દશરથ ઉર્ફે કાણીયો પાંડુરંગ પાટીલને ઝડપી પાડ્યો હતો. હત્યા કરનાર દશરથે ત્યાં રહેલી મનોજ અશોક પગારેની દુકાનમાં ચપ્પુ રાખ્યું હતું. ત્યારે પોલીસે દુકાનદારની પણ ધરપકડ કરી છે. આ ઉપરાંત હત્યા બાદ મનોજે તે ચપ્પુ છુપાવવા માટે સંતોષ કુમાર ઉર્ફે સત્તુ રાજુ ભાઈ પટેલને આપી દીધું હતું. જેથી પુરાવાના નાશ કરવાના કાવતરામાં તે બન્નેની પણ ધરપકડ કરવામાં આવી છે.
આરોપી રીઢો ગુનેગાર
આરોપી દશરથ ઉર્ફે કાણીયો રીઢો ગુનેગાર છે અગાઉ પ્રોહીબીશન જેવા ૧૦ જેટલા ગુના તેની સામે નોંધાઈ ચુક્યા છે તેમજ બે વખત પાસા હેઠળ તેની અટકાયત પણ થઇ છે. ત્રણેય આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.