મહિધરપુરા પોલીસના માર મારવાથી તેમજ ટોર્ચરથી ત્રાસી હીરા કારખાનાના મેનેજર મુકેશ સોજિત્રાએ 26 મેના દિવસે ઝેર પી આત્મહત્યા કરી હતી. આ કેસમાં અત્યાર તપાસ શરૂ કરાઇ નથી. આ મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે તે તપાસ કરી રહી છે પરંતુ હકિકત એ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેમજ બહારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા નથી.
મહિધરપુર પોલીસ સ્ટેશનના નીચેના ભાગે બીએસએનએલ ઓફિસ અને બેંકના સીસીટીવી ફુટેજ હજુ સુધી કબજે લીધા નથી. આરોપી કોન્સ્ટેબલ મુકેશથી થયેલી ફોન પર વાતચીતની સ્પેક્ટોગ્રાફી પણ કરવાઇ નથી. એટલું જ નહીં આરોપી પોલીસ કોન્સ્ટેબલ પર્વત વાઢેર અને કારખાનાનો માલિક વિપલ મોરડિયા ફરાર છે. હજુ સુધી પોલીસ તેમને શોધી શકી નથી.
મૃતકના પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાય માટે માંગ કરી છે. 27 મેના દિવસે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાયો હતો. આ મામલે હીરા કારખાનાનો માલિક અને પોલીસ કોન્સ્ટેબલ આરોપી છે. ગત 10 દિવસોમાં પોલીસે કશુંયે કર્યું નથી. જ્યારે મુકેશને પોલીસ સ્ટેશનની અંદર માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે 8થી10 લોકોએ આ ઘટનાને જોઇ હતી. પોલીસે અત્યાર સુધી સાક્ષીઓના નિવેદન પણ લીધાં નથી.
એડવોકેટ પિયુષ માગુકિયાએ જણાવ્યું કે, સીઆરપીસીમાં અરજીના આધારે કાર્યવાહીની જોગવાઇ નથી. જો કોઇ પણ પ્રકારના કોગ્નિઝેબલ ક્રાઇમ વિશે ખબર પડે તો પોલીસનું સૌથી પહેલું કામ એફઆઇઆર નોંધવાનું હોય છે. ત્યાર બાદ બીજી કાર્યવાહી કરવાની હોય છે. સીઆરપીસીમાં એવી કોઇ જોગવાઇ નથી કે અરજી લઇને પોલીસ કોઇને બોલાવીને પૂછપરછ કરી શકે.
શું હતી ઘટના
કતારગામ અક્ષરધામ સોસાયટી નિવાસી મુકેશ સોજિત્રા નંદુડોશીની વાડીમાં વિપુલ મોરડિયાના હીરાના કારખાનામાં મેનેજર હતો. વિપુલ મોરડિયાએ મુકેશ પર 8 લાખની હીરાની ચોરીનો આરોપ લગાવી મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. મહિધરપુરા પોલીસે 23,24 અને 25 મેના દિવસે પુછપરછ કરી હતી. 26 તારીખે મુકેશે ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.