તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત પોલીસની દાદાગીરીએ લીધો જીવ:કર્ફ્યૂમાં લોહી શોધવા નીકળેલા શખ્સોની બળજબરી અટકાયત કરી, ત્યાં હોસ્પિટલમાં દર્દીનું સમયસર લોહી ન મળતા મોત થયું

સુરત5 મહિનો પહેલા
પોલીસે કર્ફ્યૂમાં લોહી શોધવા નીકળેલા શખ્સોને બળજબરી પકડી માર મારી અટકાયત કરી હતી. સાથે હોસ્પિટલના કાગળો પણ ફાડી નાખ્યા હતા.

સચિન GIDC વિસ્તારમાં કોરોના દર્દી માટે લોકડાઉન દરમિયાન લોહીની વ્યવસ્થા કરવા નીકળેલા પરિવારના યુવકને પોલીસે માર મારી અટકાયત કરી છે. ત્યારે લોહી ન મળતા હોસ્પિટલમાં રહેલા દર્દીનું મોત નીપજ્યું છે. ત્યારે હવે પરિવારે ન્યાયની માગ કરી છે. તેટલું જ નહીં પોલીસની બર્બરતાના વીડિયો સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પોલીસે હોસ્પિટલના કાગળ ફાળી નાખ્યા હતા
પોલીસે હોસ્પિટલના કાગળ ફાળી નાખ્યા હતા

કર્ફ્યૂમાં લોહી લેવા માટે નીકળ્યા હતા
મૃતકના સંબંધી મોહમદ જાવેદ શેખે જણાવ્યું હતું કે, મરનાર નજીર મહોમ્મદ મલેક (ઉ.વ. 52) મારા કાકા સસરા છે. 19મીએ એમને ઉનની અમન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરે લોહીની તાત્કાલિક સગવડ કરવા જણાવ્યું હતું. અમે લોહી લેવા માટે અમારા વિસ્તારના સામાજિક કાર્યકર્તા જાફરભાઈ દેશમુખ સાથે નીકળ્યા હતા.

મૃતકની તસવીર
મૃતકની તસવીર

સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસે દાદાગીરી કરી
ત્યારે રાત્રીના 10 વાગે સિવિલ ડ્રેસમાં આવેલા કેટલાક પોલીસ કર્મચારીઓએ અમને પકડી લીધા હતા. લોકડાઉનમાં રખડવા નીકળ્યા છો કહી અમને અટકમાં લઈ લીધા હતા. અમે ડોક્ટરે લખીને આપેલા કાગળ પણ બતાવ્યા તો એ કાગળ ફાડી નાખી અમને જોર જબરજસ્તીથી લઈ ગયા હતા. ત્યારબાદ હકીકત બહાર આવતા છોડી મુક્યા હતા. કલાકો બાદ હોસ્પિટલમાં લોહી લઈને પહોંચતા ડોક્ટરે મોડું થઇ ગયું હોવાનું કહી દીધું હતી. મારા કાકા સસરાને સમયસર લોહી મળી ગયું હોત તો બચી ગયા હતા. પોલીસની બર્બરતાને લઈ કાકા સસરાનું મોત થયું છે. એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને અમને ન્યાય મળે એવી જ માગ છે.

પોલીસે જબરદસ્તી કરી ટીશર્ટ ફાડી નાંખ્યું
મહંમદ જાવેદ શેખે વધુમાં કહ્યું હતું કે, ઘટના રવિવારે રાત્રે બની હતી. હોસ્પિટલમાંથી લોહી લેવા નીકળતાની સાથે જ પોલીસે પાર્કિગમાંથી ખેંચીને રોડ ઉપર લઈ ગઈ હતી. લગભગ 30 મિનિટ સુધી જોર જબરજસ્તી કરી ટી-શર્ટ પણ ફાડી નાખી હતી. રક્તદાન કરવા આવેલા મિત્રો પણ પોલીસની દાદાગીરી જોઈ ભાગી ગયા હતા. માનસિક તણાવમાં લોહીની વ્યવસ્થા માટે સુરત આવવાની હિંમત જ ન થઈ. આજે સવારે પોલીસ કમિશનરને અરજી કરી પછી સાંજે 5 વાગે કાકા સસરા મૃત્યુ પામ્યા હોવાના સમાચાર મળ્યા, આખું પરિવાર શોકમાં છે. બસ સાહેબ ન્યાય અપાવો અને બીજા સાથે આવી ઘટના ન બને એનો દાખલો બેસાડો એજ આશા છે.

અન્ય સમાચારો પણ છે...